<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

જેતપુરના પીપળવા હા નવી સાંકળી ગામે બનતા ડામર રોડમાં બેદરકારીનો વીડિયો વાયરલ

કોન્‍ટ્રાક્‍ટર વિરુદ્ધ પગલાં લેવાના બદલે છવરાતા હોવાનો આક્ષેપ

 

 

(કેતન ઓઝા દ્વારા) જેતપુરઃ તા. ૧૭, તાલુકાના પીપળવા તેમજ નવી સાંકળી ગામે જૂનાગઢ નેશનલ હાઈવેથી ગામ સુધીનો ડામરરોડ ઘણા વર્ષોથી તૂટી ગયેલ હોય ત્‍યાં પીડબ્‍લ્‍યુડી દ્વારા ડામર રોડના કામના કોન્‍ટ્રાક્‍ટર દ્વારા મોટી બેદરકારી રાખતા હોવાના બંને ગામોથી વિડીયો વાયરલ થયા હતાં.

 જુનાગઢ નેશનલ હાઈવેથી પીપળવા ગામ સુધી જવાનો રોડ ઘણા વર્ષોથી તૂટી ગયો હતો. નેશનલ હાઈવેથી ગામ સુધીના સાત કિમીનું અંતરનો આ રોડ પરથી વાહન પસાર થાય એટલે વાહનની કમાન અને વાહનમાં બેસનારની કમરમાં નુકશાન પહોંચે તે હદે રોડ ખરાબ થઈ ગયો હતો એટલે રસ્‍તામાં રોડ કયાં છે તે શોધવો મુશ્‍કેલ થઈ જાય. આ હદે તૂટેલ રોડ નવો બનાવવા ગ્રામજનો સ્‍થાનિક આગેવાનો વર્ષોથી માંગ કરી રહ્યા હતાં. ત્‍યારે માંડ માંડ રોડ મંજુર થયો અને ડામર રોડ પાથરવાનું કામ શરૂ થયું. તેમાં હાલમાં કમોસમી વરસાદ પડી રહ્યો ત્‍યારે પણ ડામરનું કામ ચાલી રહ્યું હોય ગામના જાગળત નાગરિકોએ ચાલુ વરસાદે ડામર પથરાતો હોવાનો વિડીયો ઉતારી સોશ્‍યલ મીડિયામાં વાયરલ કરી રોડનું કામ બંધ કરાવ્‍યું હતું. જ્‍યારે આ રોડની સામેની બાજુ નેશનલ હાઈવેથી નવી સાંકળી ગામે જવાનો પણ ડામર રોડ બનતો હોય તે પીપળવા ગામની જેમ જ અતિ જર્જરીત અને વર્ષો બાદ બનતો હોય તે રોડ જુના રોડ પર કોઈ પણ પ્રકારની સફાઈ કર્યા વગર ધૂળ પર બનતો હોય ગામના સરપંચ ગોવિંદભાઇ વાલાણીએ કોન્‍ટ્રાક્‍ટરને રોડ પરથી ધૂળ સાફ કર્યા બાદ ડામર પાથરવાનું કહેતા કોન્‍ટ્રાક્‍ટર દ્વારા સરપંચ હોય તો ભલે રહ્યા તેવા ઉચ્‍ચારણો કર્યા હતાં આ બાબતનો વિડીયો પણ સોશ્‍યલ મીડિયામાં વાયરલ થયો હતો.

 આ બંને વિડીયો અંગે પંચાયત વિભાગના ઇજનેર વત્‍સલ પટેલને પૂછતાં તેઓએ જણાવેલ કે, પીપળવાના રોડનું કામ વરસાદમાં ચાલતું હોય તે બંધ કરાવી દીધું હતું અને નવી સાંકળી ગામે રોડમાંથી ધૂળ સાફ કરાવ્‍યા બાદ ડામર રોડનું કામ ચાલુ કરાવ્‍યું હતું. આમ, ઇજનેર કોન્‍ટ્રાક્‍ટર વિરુદ્ધ કંઈ પગલાં ભરવાને બદલે કોન્‍ટ્રાક્‍ટરનો બચાવ શામાટે કરાયો તેવું ત્‍યાંના લોકોમાં ચર્ચાય રહ્યું છે

(1:32 PM IST)