<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

રાપર પંથકમાં કમોસમી વરસાદનો ત્રાસ યથાવત : ત્રીજા દિવસે પણ મેઘરાજાની પધરામણી : મૌવાણામાં ભારે પવનથી વૃક્ષો ધરાશાયી

વૈશાખમાં અષાઢી માહોલ : અડધાથી એક ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક : અન્ય ગામોમાં પણ ઝાપટાં

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : કચ્છના રાપર પંથકમાં પલટાયેલા હવામાન વચ્ચે કમોસમી વરસાદનો સિલસિલો યથાવત રહ્યો છે. સતત ત્રીજા દિવસે બપોર બાદ રાપર તાલુકામાં વરસાદનું આગમન થયું હતું, જેના કારણે જાણે વૈશાખ મહિનામાં અષાઢી માહોલ સર્જાયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આજે મૌઆણા ગામે ગાજવીજ અને ભારે પવન સાથે એક ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે રોડ પર વૃક્ષો પણ પડી ગયા હતા, એમ મૌઆણાના સરપંચ જયવીરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું.
આ ઉપરાંત, તોબેલા, જાટાવાડા, બાલાસર, ધબડા, આણંદપર, નંદાસર, રવ, સુવઇ, રામવાવ અને કલ્યાણપર સહિતના ગામોમાં પણ ગાજવીજ સાથે વરસાદના ઝાપટાં વરસ્યા હતા. તાલુકા મથક રાપરમાં સાંજના છ વાગ્યાની આસપાસ વરસાદનું આગમન થયું હતું, જેના પગલે રોડ ભીના થઈ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તાલુકાના અન્ય ગામોમાં પણ વરસાદના ઝાપટાં વરસ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. (તસવીર: મુકેશ રાજગોર, રાપર)

 

(7:41 PM IST)