News of Sunday, 13th April 2025
વિસાવદરમાં ઈકોઝોન મુદ્દે મુખ્યમંત્રી એક શબ્દ પણ કેમ ન બોલ્યા..? ગોપાલ ઈટાલિયાના ચાબખા
વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધુરંધરોની હાજરી : વિશાળ પ્રદેશ કાર્યકર સંમેલન સંપન્ન : ગોપાલ રાય, ગુલાબસિંહ યાદવ, ઈસુદાન ગઢવી, મનોજ સોરઠીયા, પ્રવીણ રામ, કરશનબાપુ ભાદરકા, ચૈતર વસાવા, હેંમત ખવા, ગોપાલ ઈટાલિયા સહિતના નેતાઓના ધારદાર ભાષણ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદરમાં રવિવારના રોજ સતીઆઈ પાર્ટી પ્લોટ ખાતે આમ આદમી પાર્ટીના ધુરંધરોનુ આગમન થયુ હતુ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોનુ વિશાળ પ્રદેશ સંમેલન યોજાયુ હતુ.
આ સંમેલનમાં આમ આદમી પાર્ટીના અગ્રીમ હરોળના નેતાઓ ગોપાલ રાય, ગુલાબસિંહ યાદવ, ઈસુદાન ગઢવી, મનોજ સોરઠીયા, પ્રવીણ રામ, કરશનબાપુ ભાદરકા, ચૈતર વસાવા, હેંમત ખવા, રાજુભાઈ કરપડા, ગોપાલ ઈટાલિયા સહિતના નેતાઓના ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ધારદાર ભાષણ કર્યા હતા. આ દિગ્ગજોએ હાજરી આપી આમ આદમી પાર્ટીના મહાસંમેલનમાં ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી ગુલાબસિંગ યાદવ, દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા સહિતના નેતાઓએ લોકોને ગોપાલ ઇટાલિયાને મત આપવા અપીલ કરી હતી અને આગામી સરકાર આમ આદમી પાર્ટી બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વિસાવદર-ભેસાણ વિધાનસભા મતક્ષેત્રમાં ઇકોઝોન મુદ્દે વાત કરતાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે,.વિસાવદરમાં મુખ્યમંત્રી આવ્યા હતા, પણ જમીનમાં ખોટી માપણી અને ઇકોઝોનને લઈ એક પણ શબ્દ ન બોલ્યા. ચૂંટણી બધાને લડવી છે પણ લોકો માટે કંઇ નથી કરવું. ત્યારે હવે જે લાવ્યા અહીં ઇકો તેને જીકમ જીક જિંકો..ખેડૂત જેવા કપડાં પહેરવાથી ખેડૂત ન બની જવાય, ખેડૂત જેવું કાળજુ હોવું જોઈએ. ખેડૂત જેવું મોટું મન હોય તે ખેડૂત બની શકે. કપડાં તો ગાંડો પણ ખેડૂત જેવા પહેરી શકે છે. મગફળી કેન્દ્ર પર ભાજપના લોકો બેઠા હોય છે અને એક ખાંડીએ બે હજાર આપો તો મગફળી સિલેક્ટ કરે છે નહીં તો કેન્સલ કરી દે છે.
ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે, વિસાવદર વિધાનસભા વિસ્તારને ભગવાને ઘણું આપ્યું છે. આ વિસ્તારમાં ડુંગર, નદીઓ, ઝરણા, સિંહ, પક્ષીઓ અને પ્રકૃતિ જેવું બધુ જ ભગવાને આપ્યું છે, પરંતુ એક સારો નેતા નથી આપ્યો એ કઠણાઈ છે. ભેંસાણ અને વિસાવદર સહિત જૂનાગઢ જિલ્લાની તમામ નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં ભાજપનું શાસન છે, પરંતુ ખેડૂતોના કે આ વિસ્તારના લોકોના કામ થતા નથી. છતાંય ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે આ ડબલ એન્જિનની સરકાર છે. પણ આ ડબલ એન્જિનની સરકાર નહીં ધક્કા ગાડી છે. આ ધક્કા ગાડીને હવે કાઢવાનો વારો આવી ગયો છે. ગોપાલ ઇટાલિયાએ વધુમાં કહ્યું કે, હું વકીલ છું, ભાજપવાળાએ મને ફસાવવા ઘણા કેસ કર્યા. મને જેલમાં પણ ધકેલ્યો છે. મને જાહેર જીવન, કોર્ટ-કચેરી અને પોલીસનો પણ અનુભવ છે. આ વિસ્તારના લોકો જો મને એક તક આપે તો મારી આવડત અને અનુભવથી આ હું આ વિસ્તારનું નામ ઉજળુ કરીને બતાવીશ.ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, વિસાવદર-ભેંસાણ વિધાનસભાની પેટાચૂંટણી સામાન્ય નહીં રહે. કારણ કે, ભાજપના નેતાઓના ખટારાના ખટારા અહીં ઠલવાશે. ભાજપે ગામમાં માણસ દીઠ નેતાઓ ઉતારવાનું નક્કી કર્યું છે. એ લોકો પાવર વાપરીને તમામનો દૂરઉપયોગ કરશે. આ લોકો વિસાવદર ભાંગવાના પ્રયાસો કરવાના છે પણ આપણે વિસાવદર-ભેંસાણ બચાવી લેવાનું છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી દ્વારા ૨૦૨૭ ચૂંટણીનું પ્રસ્થાન કરાવ્યું છે. સેન્ટ્રલ કક્ષાએથી ૨૨૫ ટીમો વિધાનસભા ચૂંટણીને લઇને અહીં આવી છે. તેમજ ૧૦૦૦થી વધુ ટીમ પ્રદેશ કક્ષાએથી બનાવવામાં આવી છે. તેમજ આગામી સમયમાં જિલ્લા તેમજ તાલુકા પંચાયતના પ્રભારીઓના સંગઠન નિર્માણ માટે આજથી જ પાયો નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૨૫૦થી વધુ ટીમોનુ કાર્યકર્તા સંમેલન અને ટ્રેનિંગ આજે યોજવામાં આવી હતી. આગામી સમયમાં વિસાવદર વિધાનસભાની જનતાને ભાજપ પ્રત્યે જે રોષ છે. ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે, વિસાવદર વિધાનસભાની ચૂંટણી જીતી અહીંની જનતાને જીતાડવી તે અમારો પહેલો ધ્યેય છે. વિસાવદરની જનતા જીતશે. ત્યારબાદ આગામી સમયમાં તાલુકા જિલ્લા જિલ્લા નગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટી વતી ગુજરાતની જનતાને જીતાડવી છે. ૨૦૨૭ની ચૂંટણીનો અત્યારથી પાયો નાખ્યો છે. આગામી ૫૨ હજાર બુથો પર જે કામગીરી કરવાની છે અને આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી દ્વારા આજથી જ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
ગુજરાત પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું હતું કે, આ સંમેલનમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં આગામી દિવસોમાં વિધાવદરની ચૂંટણી આવી રહી છે જેમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. તેમજ ગુજરાતના આદમી પાર્ટીના ૨૬ લોકસભા,૧૮૨ વિધાનસભાના પ્રભારીઓ તેમજ ઓબ્ઝર્વરની નિયુક્તિ કરશે. જે ગુજરાતમાં સંગઠન નિર્માણ કરવાની મહત્વની ભૂમિકા ભજવશે. ગુજરાતમાં સરકાર બનાવવા માટે ૧લી મે-૨૦૨૫થી પરિવર્તન સભાનું પણ આયોજન કરશે, જેની શરૂઆત અમદાવાદથી થશે. આ ઉપરાંત ગુજરાતની ૧૮૨ વિધાનસભા વિસ્તારમાં આ પરિવર્તન સભા યોજાશે.૧લી મે-૨૦૨૫ના રોજ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપવાસ અને રામધૂન કરી અને ગુજરાતમાં પરિવર્તનનો સંકલ્પ લેશે
(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
