હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
‘મોડેલ સોલાર વિલેજ’ સ્પર્ધા : 5000થી વધુ વસ્તીવાળા ગામોમાં સૌથી વધુ સોલાર રૂફટોપ લગાવો અને જીતો 1 કરોડનું ઇનામ
સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાના 244 ગામોમાં પ્રતિસ્પર્ધા : ગુજરાતે 5000 મેગાવોટથી વધુ સોલાર ક્ષમતા હાંસલ કરી ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું

રાજકોટ : ગ્રીન એનર્જીના ક્ષેત્રે વિશ્વ આગળ વધી રહ્યું છે ત્યારે ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘પીએમ સૂર્યઘર યોજના’ અને સોલાર રૂફટોપ જેવી યોજનાઓ ઝડપથી આગળ વધી રહી છે. આ યોજનાઓના અમલમાં ગુજરાતે સોલાર રૂફટોપ ક્ષેત્રે ભારતમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. રાજ્યએ 5000 મેગાવોટથી વધુની ઉત્પાદન ક્ષમતા પ્રાપ્ત કરીને ગ્રીન એનર્જીમાં મોટું યોગદાન આપ્યું છે. આ સફળતાને ગામડાઓ સુધી પહોંચાડવા કેન્દ્ર સરકારે ‘મોડેલ સોલાર વિલેજ’ સ્પર્ધા શરૂ કરી છે, જેમાં 5000થી વધુ વસ્તી ધરાવતા ગામો વચ્ચે સોલાર રૂફટોપ લગાવવાની પ્રતિસ્પર્ધા યોજાશે અને વિજેતા ગામને 1 કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.
સૌરાષ્ટ્ર-કચ્છના 244 ગામોમાં સ્પર્ધા:
રાજકોટની પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસના ચીફ એન્જિનિયર આર.જે. વાળાએ જણાવ્યું કે, ભારત સરકારના નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલયે ‘પીએમ સૂર્યઘર યોજના’ હેઠળ આ સ્પર્ધા શરૂ કરી છે. 5000 કે તેથી વધુ વસ્તી અને રેવન્યુ સરહદ ધરાવતા ગામોમાં સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવા આ પહેલ કરવામાં આવી છે. સ્પર્ધા 1 એપ્રિલ, 2025થી શરૂ થઈ છે અને 30 સપ્ટેમ્બર, 2025 સુધી ચાલશે. આ 6 મહિના દરમિયાન ગામોમાં વધુમાં વધુ સોલાર રૂફટોપ લગાવવા માટે પ્રવૃત્તિઓ હાથ ધરાશે. સૌથી વધુ સૌર ઊર્જા ઉત્પાદન કરનારા ગામને દરેક જિલ્લામાંથી 1 કરોડ રૂપિયાનું ઇનામ મળશે. સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાઓમાં કુલ 244 ગામો આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યાં છે, જેમાં રાજકોટ જિલ્લાના 27 ગામોનો સમાવેશ થાય છે.
જિલ્લાવાર ગામોની સંખ્યા:
આ સ્પર્ધામાં રાજકોટ જિલ્લામાં 27, અમરેલીમાં 21, ભાવનગરમાં 29, બોટાદમાં 14, દેવભૂમિ દ્વારકામાં 16, ગિર સોમનાથમાં 33, જામનગરમાં 13, જૂનાગઢમાં 27, કચ્છમાં 29, મોરબીમાં 8, પોરબંદરમાં 7 અને સુરેન્દ્રનગરમાં 20 ગામો નોંધાયા છે. આ ગામોમાં ગ્રામપંચાયતની આગેવાની હેઠળ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. પીજીવીસીએલની ટીમ આઉટરીચ પ્રોગ્રામ અને ડોર-ટુ-ડોર પ્રચાર દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવશે, જેથી વધુમાં વધુ લોકો સોલાર રૂફટોપ લગાવે.
સ્પર્ધાનું સ્વરૂપ અને ઇનામનો ઉપયોગ:
આર.જે. વાળાએ વધુમાં જણાવ્યું કે, 6 મહિના પૂર્ણ થયા બાદ દરેક જિલ્લામાં સૌથી વધુ સોલાર ક્ષમતા ધરાવતું ગામ ‘મોડેલ સોલાર વિલેજ’ તરીકે પસંદ થશે. ત્યારબાદ એમએનઆરઇની ગાઇડલાઇન મુજબ ડીપીઆર તૈયાર કરીને આગળની કામગીરી હાથ ધરાશે. 1 કરોડ રૂપિયાનું ઇનામ સરકારી કચેરીઓમાં સોલાર રૂફટોપ, કૃષિ માટે સોલાર પંપ, કમ્યુનિટી હોલ માટે સોલાર સિસ્ટમ અને લાઇવલીહુડ સોલાર પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લઈ શકાશે. આનાથી ગામોમાં સૌર ઊર્જાનો વ્યાપ વધશે અને આર્થિક વિકાસને પણ ટેકો મળશે.
ગુજરાતની ગ્રીન એનર્જીમાં આગેકૂચ:
ગુજરાતે સોલાર રૂફટોપ દ્વારા ગ્રીન એનર્જીમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે અને આ સ્પર્ધા ગામડાઓને પણ આ દિશામાં આગળ લઈ જશે. આ પહેલ દ્વારા શહેરોની સાથે નાનાં ગામો પણ સૌર ઊર્જા ઉત્પાદનમાં અગ્રેસર બનશે. રાજ્યના આ પ્રયાસો અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
