<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ માં લઘુતમ ટેકાના ભાવે રૂ. ૨,૪૨૫/- પ્રતિ ક્‍વી. ઘઉંની ખરીદી કરાશે

 

જૂનાગઢ તા.૨૪  ખેડૂતોને તેઓના ઉત્‍પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ માં રાજ્‍ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે રૂ. ૨,૪૨૫/- પ્રતિ ક્‍વીન્‍ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્‍ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે. જેથી લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્‍છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્‍યમાં સ્‍થાનિકે ગ્રામ્‍ય કક્ષાએ VCE મારફતે નોંધણી કરાવવાની શરૂઆત કરવામાં આવી છે. જેથી ઘઉંનું ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા ખેડૂતોને આનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્‍યતન ગામ નમુનો ૭, ૧૨, ૮-અ ની નકલ, ગામ નમુના ૧૨ માં પાક વાવણી અંગેના તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો. ખેડુતના નામના બેંક ખાતાની વિગત જેમ કે બેંક પાસબૂકની નકલ અથવા કેન્‍સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.રાજ્‍યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્‍છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.

 ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્‍ટ્રેશન કરાવેલ ખેડુતોનું SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડુતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડુત ખાતેદારના બાયોમેટ્રીક ઓથોન્‍ટીકેશન દ્વારા જ જથ્‍થો ખરીદ કરવામા આવશે જેની નોંધ લેશો.

નોંધણી કરાવતી વખતે તમામ ડોકયુમેન્‍ટસ સુવાચ્‍ય રીતે અપલોડ થાય તથા માગ્‍યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્‍થળ /કાઉન્‍ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવા વિનંતી છે. ડોકયુમેન્‍ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોકયુમેન્‍ટ અપલોડ કરાયા હોવાનું ધ્‍યાને આવશે તો તેવા કિસ્‍સામાં જે તે ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે તમને જાણ નહી કરવામાં આવે. આ બાબતે કોઇ મુશકેલી જણાય તો હેલ્‍પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ અથવા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરી શકાશે તેમ ગુજરાત રાજ્‍ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ જૂનાગઢના નાયબ જિલ્લા મેનેજરશ્રીની યાદીમાં જણાવાયું છે.

(11:03 AM IST)