News of Friday, 24th January 2025
થાનમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કુટુંબ નિયોજનના ઓપરેશન વખતે કંચનબેન પરમારનું મોતઃ તબિબી બેદરકારીનો આક્ષેપ
અઢાર મહિલાએ કેમ્પમાં ભાગ લીધોઃ ૨૮ વર્ષિય કંચનબેનને સાંજે ઓપરેશનમાં લઇ જવાયા બાદ ઇન્જેક્શન આપી ચેકો મુકાયો એ પછી મોત થઇ ગયું: હોબાળો મચતાં ડોકટર ભાગી ગયાઃ પરિણીતાના મોતથી માસુમ દિકરી-દિકરો મા વિહોણા થઇ ગયા : મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયોઃ થાન દવાખાને આગેવાનો, ગામલોકોએ સુત્રોચ્ચાર કર્યા

રાજકોટ તા. ૨૪: થાનગઢમાં રહેતી ૨૬ વર્ષિય પરિણીતાનું ગઇકાલે થાનના સરકારી દવાખાનામાં કુટુંબી નિયોજનનું ઓપરેશન કરાવતી સમયે બેભાન થઇ જતાં મોત થતાં પરિવારમાં અને ગ્રામજનોમાં અરેરાટી સાથે રોષ વ્યાપી ગયો હતો. ડોક્ટરે ઓપરેશન માટે પેટ પાસે કાપો મુક્યો હતો એ પછી તેણીનું મોત થઇ ગયું હતું. ડોક્ટરની બેદરકારીને કારણે આમ થયાનો આક્ષેપ થતાં મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે. આ બનાવને પગલે થાન સરકારી દવાખાને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં ઓપરેશન કરનાર ધ્રાંગધ્રાના ડોક્ટર ભાગી ગયા હતાં. બનાવને પગલે પોલીસ દોડી ગઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ થાન મફતિયાપરા આંબેડકર નગર-૫માં રહેતાં કંચનબેન બાબુભાઇ પરમાર (ઉ.વ.૨૮) નામના પરિણીતાને ગઇકાલે થાનના સરકારી દવાખાનામાં કુટુંબ નિયોજનના ઓપરેશન માટે સવારે લઇ જવાઇ હતી. ગઇકાલે ગામના સરકારી દવાખાનામાં આ અંગેનો કેમ્પ હોઇ તેમાં ગામના બીજા સત્તર મહિલાઓ પણ સામેલ થયા હતાં. સાંજે કંચનબેનને ઓપરેશન માટે લઇ જવાયા બાદ થોડી વાર પછી તે મૃત્યુ પામ્યાનું જાહેર કરતાં પરિવારજનો અને બીજા લોકો ચોંકી ગયા હતાં. પરિવારજનોએ મૃતદેહ જોતાં કંચનબેનના પેટ નીચેના ભાગે ઓપરેશન માટેનો કાપો જોવા મળ્યો હતો. જો કે તેમનું મોત કઇ રીતે થયું? તે અંગે ડોક્ટર કે બીજા સ્ટાફે ખુલાસો ન કરતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.
ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કરતાં મોટી સંખ્યામાં સગા સંબંધીઓ, ગામના આગેવાનો પણ હોસ્પિટલે ઉમટી પડતાં ધ્રાંગધ્રાથી ઓપરેશન કરવા માટે બોલાવાયેલા ડોકટર ભાગી ગયા હતાં. પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. કંચનબેનના પરિવારજનોએ આ બનાવમાં તાકીદે જવાબદારો સામે ગુનો નોંધવાની માંગણી કરી ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગણી કરતાં કંચનબેનના મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો.
મૃત્યુ પામનાર કંચનબેનના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતાં. તેના પતિ બાબુભાઇ છુટક મજૂરી કરે છે. તેણીને સંતાનમાં એક પુત્ર આઠ વર્ષનો અને એક પુત્રી એક વર્ષની છે. આ બંને સંતાન મા વિહોણા થઇ જતાં હર્યોભર્યો પરિવારનો માળો વીખેરાઇ ગયો હતો. થાન સીએચસી દ્વારા યોજાયેલા કુટુંબ નિયોજનના ઓપરેશનના કેમ્પમાં ગઇકાલે અઢાર મહિલાઓને ઓપરેશન માટે બોલાવાઇ હતી. જેમાંથી કંચનબેનનું મૃત્યુ થતાં કલ્પાંત સર્જાયો હતો.
પરિવારજનોના કહેવા મુજબ કંચનબેનને સાંજે છ વાગ્યે ઓપરેશન રૂમમાં લઈ જવામાં આવ્યા બાદ ઈન્જેકશન અપાયુ હતું અને ચેકો માર્યો હતો. પછી તેમની અચાનક તબીયત લથડી ગઇ હતી. પહેલાતો પોતાની પોલ છુપાવવા માટે પ્રયાસ. કરવામાં આવ્યો હતો. પરંતુ અંતે પરિવારજનો અને આગેવાન રાજુભાઈ કરપડા, મંગળભાઈ ર્ં સહિતના ઓએ ડોકટરોને કડક પુછપરછ કરતા અંતે કંચનબેનનું મોત થયુ હોવાનુ જાહેર કર્યુ હતુ. આ બનાવથી પરમાર પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ પોલીસ કાર્યવાહી કરશે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
