News of Thursday, 2nd January 2025
સસ્તા સોનાની લાલચે ૩૧ લાખ ગુમાવ્યાઃ મૂળ અમરેલી અને હાલ સુરત રહેતા જ્વેલર્સ સાથે કચ્છના કુખ્યાત ચીટરની ઠગાઈ
કુખ્યાત ચીટરની ચેલેન્જ ગૃહમંત્રીથી પણ કાંઈ નહીં થાય ગુનેગારો બન્યા બેફામ, ઓનલાઈન જાહેરાત બાદ લાલચ, ગોલ્ડ લોન લઈ સસ્તું સોનુ ખરીદવા આવ્યા!!!

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨: સસ્તું ખરીદવાની લાલચમાં થતી ઠગાઈના અનેક કિસ્સાઓ વાંચ્યા બાદ પણ લોકો ઠગાઈ જાય ત્યારે વડીલોની કહેવત માનવી જ પડે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નથી મરતા. મૂળ અમરેલી અને હાલ સુરતના કતારગામ રહેતા અને જ્વેલર્સનો ધંધો કરતા વ્યાપારીઓએ કચ્છના કુખ્યાત ચીટરની સસ્તા સોનાની ઓન લાઈન જાહેરાતમાં ફસાઈ ને રૂ.૩૧.૬૦ લાખ ગુમાવ્યા હતા. ભુજ એ ડિવિઝન પોલીસમાં આ અંગે ફરિયાદ કરાઈ છે. ફરિયાદી રમેશ બચુભાઈ પાંડવના જણાવ્યા પ્રમાણે તેમના બે દીકરા મયુર, હર્ષદ અને એક ભત્રીજો મિતેશ સુરતમાં જ્વેલર્સ શોપ ચલાવે છે. મિતેશે ઓન લાઇન એપ્લિકેશન ઇન્ડિયા માર્ટમાં ગોલ્ડની જરૂરિયાત માટે નોંધ કરાવી હતી. તેને ભુજથી પ્રણવ સોનીના નામે ૨૦ ટકા ઓછા ભાવે સોનુ આપવા ફોન આવ્યો અને સોનાનું બિસ્કિટ બતાવી સુરતમાં ઘણાને સોનુ આપ્યું હોવાની વાત કરી હતી. એટલે સોનુ ખરીદવાનું નક્કી કરી ૬ જણ બચતના રૂપિયા અને પોતાના સોના ઉપર ગોલ્ડ લોન લઈ રૂ.૩૧.૬૦ લાખ સાથે ભુજ આવ્યા હતા. ભુજ રેલવે સ્ટેશનથી તેઓ પ્રણવ સોનીએ મોકલેલ ગાડીમાં ડ્રાઈવર સિદીક સાલેમામદ ફકીર સાથે તાયબાહ ટાઉન શીપમાં સિકંદર સોઢા ના ઘેર પહોંચ્યા હતા. અત્યારે અડધો કિલો સોનાના રૂપિયા આપી એક કિલો સોનુ લઈ જઈ બાકીના રૂપિયા પછી આપવાની વાત કરી તેમની પાસેથી સિકંદરે ૩૧.૬૦ લાખ રૂપિયા માંગ્યા હતા. આ ચીટર ગેંગે રૂપિયા છીનવી તેમને રૂમમાં બંધ કરી દીધા હતા. બાદમાં ઘરની મહિલાઓએ બારણું ખોલી બહાર કાઢયા હતા. તેમણે ફોન કરતા સિકંદર અને તેની ગેંગએ અલગ અલગ જગ્યાએ ડિલિવરી આપશે એવું કહી તેમને ભુજ થી અમદાવાદ સુધી દોડાવ્યા હતા. અંતે ફોન ઉપર ધમકી આપી અને રૂપિયા ભૂલી જવાનું કહી સોનુ પણ નહીં મળે એવું કહી ગળહમંત્રી હર્ષ સંઘવી પણ અમને કાંઈ નહીં કરી શકે એવો ડારો આપ્યો હતો. અંતે ઠગાયાની ભાન થતાં મામલો હવે પોલીસમાં પહોંચ્યો છે. પોલીસે સિકંદર સોઢા, આરીફ ઓસમાણ ફકીર, રહીમ ફકીરમામદ સંઘાર, પ્રણવ સોની સામે ગુનો નોંધ્યો છે. ગળહમંત્રીને પડકાર ફેંકી અસામાજિક તત્વો છાકટા બન્યા છે ત્યારે તેમનો ભોગ બનનાર ને ન્યાય મળે એ જરૂરી છે. એ સાથે જ સસ્તાની લાલચમાં સોનુ ખરીદવાથી લોકોએ પણ દૂર રહેવું જોઈએ.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
