તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Monday, 16th December 2024
મારી પાસે હવે કોઇ રસ્તો બાકી નથી, હવે મને માફ કરો, શાંતિ આપો...ચિઠ્ઠી લખી યશ ભાવસારે ફિનાઇલ પીધું
વાંકાનેરના કોલસાના વેપારી યુવાને વ્યાજખોરીમાં ફસાતાં આપઘાતનો પ્રયાસ કર્યો : ૨૫ ટકા વ્યાજે નાણા દીધાઃ ત્રાસને કારણે અગાઉ ઘર છોડયું હતું: વ્યાજખોરો ઘરે આવી તેના માતાને પણ ધમકાવતાં હોવાનો આક્ષેપઃ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયોઃ વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતાં તપાસ

રાજકોટ તા. ૧૬: વ્યાજખોરીમાં ફસાઇ જવાને કારણે અનેક લોકો આપઘાત કે આપઘાતનો પ્રયાસ કરી ચુક્યા છે. વધુ એક આવા બનાવમાં વાંકાનેર ચાવડી ચોકમાં બહુચરાજી શેરીમાં રહેતાં અને કોલસાનો વેપાર કરી ગુજરાન ચલાવતાં યશ પ્રફુલચંદ્ર ભાવસાર (ઉ.વ.૨૯) નામના યુવાને વ્યાજખોરોથી કંટાળી ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
યશ એક બહેનથી મોટો છે અને કુંવારો છે. તેના પિતા હયાત ન હોઇ તે વિધવા માતાનો એકનો એક આધારસ્તંભ છે. તેણે આપઘાતના પ્રયાસ પુર્વે સ્યુસાઇડ નોટ લખી છે. તેમાં લખ્યું છે કે-હું યશ ભાવસાર આ છેલ્લા શબ્દો મારા પરિવાર અને સમાજને જણાવુ છું. હું માનસિક ત્રાસથી નીકળી રહ્યો છું, મારા ભોળપણને કારણે અને એકલો હોવાના કારણે મને એક ષડયંત્રમાં ફસાવ્યો છે. હવે પરિસ્થિતિ એવી છે કે મારા કારણે મારા પરિવારને તકલીફ ભોગવવી પડે તેમ હતી. આજથી મહિના પહેલા પણ હું ઘર મુકીને નીકળી ગયો હતો. હું વ્યાજના ચક્રમાં સલવાયો છું. આજથી બે પોણાબે વર્ષ પહેલા મારા સગા મારફત જ મેં વ્યાજે પૈસા લીધા હતાં. મેં સતત વ્યાજ ભર્યુ હતું. આ કારણે હું ફસાઇ ગયો હતો અને એક મહિના પહેલા પણ હું ત્રાસને કારણે ઘરેથી નીકળી ગયો હતો. મારી પાસે ઘણા કાગળોમાં સહીઓ કરાવી લીધી હતી. રેવન્યુ સ્ટેમ્પ પર સહીઓ કરાવી હતી. મારા નામે લોન લેવાની છે તેમ કહી કોરા ચેક પર સહીઓ લીધી હતી. મને પહેલીવાર દર મહિને ૨૫ ટકા લેખે વ્યાજે રૂપિયા આપ્યા હતાં. પછી ઉઘરાણી માટે ફોન ચાલુ કર્યા હતાં. રૂબરૂ બોલાવી વ્યાજ માંગી ગાળો દેતાં પછી મજાક મસ્તી કરતાં અને હું વ્યાજ ઓછુ કરવાનું કહું તો પચ્ચીસમાંથી વીસ ટકા કરી દેતાં હતાં. મને બ્લેકમેઇલ કરવા માંડયા હતાં.
યશે આગળ લખ્યું છે કે મારા ગયા પછી પણ મારા પરિવારને વ્યાજખોરોએ ત્રાસ આપ્યો હતો. ઘરે આવીને કહેતાં કે હવે તારા છોકરાને દારૂના કેસમાં ફસાવી દેવો છે, અમારે હવે પૈસા નથી જોઇતા પણ તમારા દિકરાના લગ્ન નહિ થવા દઇએ. હવે મારી પાસે આત્મહત્યા કરવા સિવાય કોઇ રસ્તો બાકી રહ્યો નથી. આ લોકોએ સમાજમાં મારા કુટુંબીઓને ફોન કરીને પણ મારા વિશે ખોટી વાતો ફેલાવી દીધી હતી. છેલ્લે તો મારા માતા વિશે પણ ખરાબ વાતો કરવા લાગ્યા હતાં. મારી માતા વ્યાજની સામે દિકરીને લઇ જવાનું કહે છે તેવી ખોટી વાતો આ લોકોએ ફેલાવી દીધી હતી. છેલ્લે એટલુ જ કહીશ કે જો ન્યાયપુર્વક તપાસ કરવામાં આવશે તો સંપુર્ણ સત્ય બહાર આવશે. માફ કરજો, આ છેલ્લો રસ્તો છે, હવે મારી ક્ષમતા નથી. મને શાંતિ આપો.
ચિઠ્ઠીમાં યશે બે લોકોના નામ પણ લખ્યા છે. હોસ્પિટલ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ હુદડે જાણ કરતાં વાકાંનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
