<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

સોરઠના ત્રણ જિલ્લામાં ઈકો ઝોનનો વિરોધઃ વિરોધી ટ્રેક્ટર-બાઈક રેલીમાં ખેડૂતો ઉમટયા

ખેડૂત સંમેલન તેમજ ગામે ગામ રેલીઓ કાઢી પ્રાંત કચેરીએ ઘેરાવ- આવેદનપત્ર સહિતના કાર્યક્રમો :ઈકો ઝોનનો વિરોધ કરતી રંગોળીઓ, ઈકો ઝોનના ચિથરેચીથરા ઉડાવતા ફટાકડાઓ ફોડી વિરોધ કરવાનું આયોજન

સોરઠના ત્રણેય જિલ્લાના 196 ગામોનો ઈકો ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારથી વિરોધ થઈ રહ્યો છે. વિસાવદર પંથકના કાલસારી ગામમાં ગઈકાલે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા. અહીં વિશાળ ખેડૂતો એકત્ર થઈને રેલી વિસાવદર સુધી પહોંચી ત્યાં પ્રાંતઅધિકારી કચેરીનો ઘેરાવ કરીને આવેદનપત્ર આપ્યું હતું. તો ધારી તાલુકાના કરમદડી ગામના આગેવાનો દ્વારા ઈકો ઝોન મુદે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદન આપતી વખતે પરેશભાઈ પટ્ટણી, વેકરીયા પરા ના સરપંચ દક્ષેશભાઈ ભુવા વગેરે જોડાયા હતા.

અગાઉ વિસાવદરના બરડિયામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઇકો ઝોનના વિરોધમાં ખેડૂત સંમેલન બોલાવ્યું હતું. ત્યારે જ તેઓએ તારીખ 24ના રોજ વિશાળ ટ્રેક્ટર રેલીની જાહેરાત કરી હતી. જેને લઈને ગઈકાલે સવારથી વિસાવદરના કાલસારી ગામમાં મોટી સંખ્યામાં આસપાસના ગામોમાંથી ખેડૂતો ઉમટી પડ્યા હતા. શરુઆતમાં ટ્રેક્ટર રેલી કે સંમેલનને પોલીસ દ્વારા મંજુરી આપવામાં આવી ના હતી. પરંતુ પાછળથી મંજુરી મળી જતા કાલસારી ગામથી વિશાળ ટ્રેક્ટર રેલી નીકળી હતી.

સરકાર દ્વારા ઈકો ઝોનનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમાં 60દિવસ સુધી વધા-સુચનો રજુ કરવા માટેની જોગવાઈ છે. પરંતુ ગામડાઓના લોકોને વાંધા-સુચનો રજુ કરવા અનેક મુશ્કેલીઓ પડતી હોવાર્થી આગેવાનો દ્વારા સરળતા ખાતર સ્કેનર બનાવી દેવામાં આવ્યું છે. આસ્કેનરમાં સ્કેન કરવાથી તુરંતજ કેન્દ્ર સરકારમાં ઈકો ઝોનનો વિરોધ કરતા વાંધા-સુચનો રજુ થાય છે.

ઈકો ઝોનનો વિરોધ દિવસે-દિવસે વધી રહ્યો છે. સરકાર અને વનતંત્રના વિરોધ શાંત કરવાના પ્રયાસો સંદતર નિષ્ફળ નીવડ્યા છે. આ વખતની નવરાત્રીમાં ઈકો ઝોનનો મોટો વિરોધ થયો હવે દિવાળીના તહેવારોની સાથે ગીરના ગામડાઓમાં ઈકો ઝોનનો વિરોધ થાય તે માટેની રણનીતિ નક્કી થઈ રહી છે. ઈકો ઝોનનો વિરોધ કરતી રંગોળીઓ, ઈકો ઝોનના ચિથરેચીથરા ઉડાવતા ફટાકડાઓ ફોડી વિરોધ કરવાનું આયોજન થયું છે.

 

(12:04 PM IST)