<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

આજે ભીમ અગીયારસનું મેઘરાજા મુહૂર્ત સાચવશે ? લોકોને ભારે આશા

જામનગરના અલીયાબાડામાં દોઢ, મોટી બાણુગાર-પડાણામા ૧ ઇંચ વરસાદઃ અનેક જગ્‍યાએ વાવણી કાર્યમાં વ્‍યસ્‍ત ખેડુતો

ગોંડલ અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં વાવણી કાર્ય તથા છવાયેલા વાદળા નજરે પડે છે. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી)

રાજકોટ, તા. ૧૮ :  રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં શનીવારથી શરૂ થયેલ મેઘરાજાની સવારી આજે પણ યથાવત છે. કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ વરસી જાય છે. જો કે સાર્વત્રિક વરસાદ હજુ સુધી વરસતો નથી.

આજે ભીમ અગીયારસ છે. આજે મેઘરાજા સાર્વત્રિક રીતે વરસે અને વાવણી લાયક વરસાદ થાય તેવી ખેડૂતો અને સર્વે લોકોને આશા છે.

ગોંડલ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃ ગોંડલના ગ્રામ્‍ય પંથકમાં મીઠીમેઘ મહેર ના પગલે ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે આ પંથકમાં સમયસર વરસાદ પડી જવાને લીધે ખેડૂતોએ ધરતી માતાનું પૂજન કરી ધરતી ઓણ સાલ સારી ઉપજ આવે તેવી  પૂજા કરી વાવેતર નો શુભારંભ કર્યો છે.

ગોંડલના ગ્રામ્‍ય પંથકમાં કાળા ડિબાગ વાદળો નું સામ્રાજ્‍ય છવાયેલું હતું અને ગઈ કાલે ગોંડલ પંથક માં પવન સાથે ધોધમાર કયાંક ભારે તો કયાંક  હળવો વરસાદ  વરસી જતા ઠંડક પ્રસરી હતી તો બીજી તરફ પંથકના ગ્રામ્‍ય વિસ્‍તારમાં દેરડી (કુંભાજી) ઘોઘાવદર, વાસાવડ, રાવણાં, પાટખીલોરી સહિતના ગ્રામ્‍ય પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્‍યો હતો

ગોંડલ પંથકના ઘોઘાવદર અને રામોદ ગામમાં ખેડૂતોએ ધરતી માતાની પૂજા કરી હતી અને મગનો સાથિયો તેમજ કંકુ ચોખા થી વધાવી ખેડૂત પુત્રીઓએ પૂજા કરી હતી સાથે જ ધરતીમાંથી ખૂબ સારું એવું ઉત્‍પાદન મળે અને વર્ષ આખું સારું જાય એ માટે પ્રાર્થના કરી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :  જામનગરના અલીયાબાડામાં દોઢ, મોટી બાણુગાર અને પડાણામાં ૧ ઇંચ તથા વસઇ,  લાખાબાવલ, ફલ્લા, દરેડ, જામવાડી, પીપરટોડા, ભણગોર, મોડપર, હરીપરમાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ વરસાદ પડયો છે.

બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત લઘુતમ તાપમાન ર૯, મહતમ તાપમાન ૩૬.૬, ભેજનું પ્રમાણ ૭૬%, પવનની ગતિ ૯.૯ કિ.મી. રહી હતી.

(1:59 PM IST)