News of Tuesday, 11th June 2024
વાંકાનેરના તરકીયા ગામે સરકારી ખરાબામાં પત્થર કાઢવાની પેરવી કરતા ૪ પકડાયા
બ્લાસ્ટર માટે રાખેલ ગેરકાયદે જીલેટીન સ્ટીલ નંગ ૪૧૮ કબ્જે : મોરબી એસઓજીનો દરોડો

તસ્વીરમાં પકડાયેલ ચારેય શખ્સો (નીચે બઠેલ) સાથે મોરબી એસઓજીનો કાફલો નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી).
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧૧: વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં સરકારી ખરાબાની જમીન ગેરકાયદેસર રીતે બ્લાસ્ટ કરવાની તૈયારી કરતા ખનન માફિયાઓને ૧૧૬૧ કિલોના એક્સપ્લોઝીવના જથ્થા સાથે મોરબી એસ ઓ જી અને વાંકાનેર ડીવાયએસપી ની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરના તરકિયા ગામની ઓળ તરીકે ઓળખાતી સીમમાં મુન્નાભાઈ વલુભાઈ ભરવાડ પોતાના કબ્જામાં ગેરકાયદેસર એક્સપ્લોઝીવનો જથ્થો રાખી કોઈ પણ જાતની મંજુરી વગર સરકારી ખરાબામાં પથ્થરો કાઢવાની તૈયારી કરી રહેલ હોય તેવી બાતમીના આધારે મોરબી એસ ઓ જી અને વાંકાનેર ડીવાયએસપી ની ટીમે તપાસ કરી દરોડા પાડી મુન્ના વલુભાઈ બાંભવા, પ્રદીપભાઈ આલકુંભાઈ ધાંધલ, રવું ઉર્ફે નાગરાજભાઈ ભીખુભાઈ સોનારા, અને રણુભાઈ બાલાભાઈ બાંભવને તરકીયા ગામના સરકારી ખરાબાના સર્વે નબર ૧૬૩/૧ પૈકી ૨૪ વાળી જમીનમાં આધારે ૫૭ જેટલા બોર કરેલ જે ૪૫ ફૂટ ઊંડા કરી તે પૈકીના ૧૪ બોરમાં જીલેટીન સ્ટીક તથા ડીટોનેટર પ્લાન્ટ કરી તૈયાર રાખેલ હોય તેમ મળી આવતા ત્યાંથી જીલેટીન સ્ટીક નંગ ૪૧૮ જેનો વજન ૧૧૬૧ કિલો કીમત રૂ. રૂપીયા ૯૨,૭૯૬, ઈલેક્ટ્રોનિક ડીટોનેટર (ડીટીએચ વાયર) નંગ ૫૦ કીમત રૂ.૭૪૪૦, ટીડીએલ વાયર નંગ ૯૦ કીમત રૂ.૩૬૦૦ અને મોબાઈલ નંગ ૫ કીમત રૂ.૨૫૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧,૨૮,૮૩૬ સાથે ચારેય શખ્સોને ઝડપી પાડ્યા હતા તેમજ લોમકુ માનસીભાઈ ખાચર અને દેવાયત ડાંગરનું નામ ખુલતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં વાંકાનેર વિભાગના ડીવાયએસપી એસ એચ સારડા, પી આઈ એમ પી પંડ્યા, પી એસ આઈ એમ એસ અંસારી,પી એસ આઈ કે આર કેસરિયા, રસિકભાઈ કડીવાર, કિશોરદાન ગઢવી,જુવાનસિંહ રાણા, મુકેશભાઈ જોગરાજીયા, શેખાભાઈ મોરી, ભાવેશભાઈ મિયાત્રા, આશીફભાઈ ચાણકિયા, માણસુરભાઈ ડાંગર, કમલેશભાઈ ખાંભલીયા, સામંતભાઈ છુછીયા અને અસ્વીનભાઈ લાવડીયા સહિતની ટીમે કરેલ છે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
