તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Thursday, 8th October 2026
જામનગરમાં મહામતિશ્રી પ્રાણનાથજીના ૪૦૯ માં ત્રિદિવસીય પ્રાકટ્ય મહોત્સવનો ભક્તિમય માહોલમાં મંગલ પ્રારંભ : કાલે નગરભ્રમણ કરતી ભવ્ય શોભાયાત્રા નીકળશે : દેશ-વિદેશમાંથી પધારેલા હજારો 'સુંદરસાથજી' તથા ભક્તોથી 'શ્રી ૫ નવતનપુરીધામ' ભક્તિરસમાં લીન
મહોત્સવના પ્રારંભે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંતશ્રી વિભૂષિત જગદગુરુ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજ, મહંત શ્રી 108 લક્ષ્મણદેવજી મહારાજ, શ્રી 108 દીવ્યચૈતન્યજી મહારાજ, શ્રી 108 ચંદનસૌરભજી મહારાજ, શ્રી 108 સુરેન્દ્રજી મહારાજ, શ્રી 108 હરિહરાનંદજી મહારાજ ઉપરાંત સામાજિક અને રાજકીય શ્રેષ્ઠીઓ દ્વારા દીપ પ્રાગટ્ય

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૮ : જામનગર શહેરની સુપ્રસિદ્ધ ધાર્મિક સંસ્થા શ્રી ૫ નવતનપુરીધામ, ખીજડા મંદિર ખાતે આજે તારીખ ૮ ઓક્ટોબર, ૨૦૨૬, ગુરુવારથી મહામતિશ્રી પ્રાણનાથજીના ૪૦૯માં ત્રિદિવસીય પ્રાકટ્ય મહોત્સવનો અત્યંત શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક પ્રારંભ થયો છે. મહામતિશ્રી પ્રાણનાથજીની જન્મભૂમિ અને કર્મભૂમિ એવા જામનગરમાં આયોજિત આ ધાર્મિક સમારોહમાં દેશ-વિદેશના હજારો ભાવિક ભક્તો (સુંદરસાથજી) ઉપસ્થિત રહ્યા છે.
મહોત્સવના પ્રારંભ પ્રસંગે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંતશ્રી વિભૂષિત જગદગુરુ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજ, મહંત શ્રી 108 લક્ષ્મણદેવજી મહારાજ, શ્રી 108 દીવ્યચૈતન્યજી મહારાજ, શ્રી 108 ચંદનસૌરભજી મહારાજ, શ્રી 108 સુરેન્દ્રજી મહારાજ, શ્રી 108 હરિહરાનંદજી મહારાજ ઉપરાંત જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેનભાઈ મોનાણી, શાસક પક્ષના નેતા અમરભાઈ મોદી, દંડક પ્રવિણાબેન રુપડીયા, કિંજલભાઈ કારસરીયા સહિતના સામાજિક અને રાજકીય શ્રેષ્ઠીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. અને શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવનો શુભારંભ કરાયો છે.
પ્રથમ દિવસે જ જામનગરના અગ્રણી અને ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના પ્રમુખ તેમજ જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રદેશ સહ સંગઠન મંત્રી અરુણ બિન્નાડી, પ્રદેશ મહામંત્રી તેમજ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, પ્રદેશ મંત્રી આશાબેન નકુમ, જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. વિનોદભાઈ ભંડેરી, પૂર્વ મહામંત્રી દિલીપભાઈ બારડ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંતશ્રી વિભૂષિત જગદગુરુ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન દરરોજ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ કલાકે 'શ્રી તારતમવાણી' ની ચર્ચા, બપોરે ૩:૦૦ થી ૬:૩૦ કલાકે સત્સંગ પ્રવચન તથા રાત્રિના સમયે ભજન સંધ્યા, રાસ-ગરબા અને ધાર્મિક નાટક જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
