News of Thursday, 2nd July 2026
પોરબંદરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા વાપરનાર ૪૦ વેપારીઓ ઝડપાયાઃ ૩૩૪૦૦નો દંડ
જાહેરમાં ગંદકી ફેલાવનારાં ૩૬ વ્યકિતઓ પાસે ર૦ હજાર દંડ વસુલ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃતા.ર, જાહેરમાં કચરો કરનાર તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ સામે મહાનગરપાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા વાપરનાર ૪૦ વેપારીઓ પાસેથી ૩૩,૪૦૦ નો વહીવટી ચાર્જ વસુલી ૪૦૩ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું: જાહેર જગ્યાએ ગંદકી ફેલાવતા ૩૬ વ્યક્તિઓ પાસેથી ૨૦ હજારનો દંડ વસુલાયો
પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી તથા નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી (પ્રોજેક્ટ)ના માર્ગદર્શન હેઠળ સેનિટેશન ઓફિસર જગદીશ ઢાંકી તથા વિવિધ વોર્ડના સેનિટરી સબ ઇન્સ્પેક્ટરો દ્વારા જૂન-૨૦૨૬ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને જાહેરમાં ગંદકી ફેલાવનારાઓ સામે વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન ૧૨૦ માઇક્રોનથી ઓછી જાડાઈની પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ (ઝબલા) ગ્રાહકોને આપતા ૪૦ વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ વેપારીઓ પાસેથી વહીવટી ચાર્જ પેટે કુલ રૂ. ૩૩,૪૦૦/- વસૂલ કરવામાં આવ્યા હતા તેમજ અંદાજે ૪૦૩ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.
ઉપરાંત જાહેર સ્થળોએ ગંદકી ફેલાવનાર તેમજ જાહેર જગ્યાઓ પર ઘાસચારો વેચનાર કુલ ૩૬ વ્યક્તિઓ/વેપારીઓ પાસેથી રૂ. ૨૦,૦૦૦/-નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સ્વચ્છતા જાળવવા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા તથા ઘર અને વેપાર સ્થળેથી નીકળતા કચરાને ડસ્ટબિનમાં એકત્ર કરી મહાનગરપાલિકાની ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ વાહનમાં જ આપવા અપીલ કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ ચેતવણી આપી છે કે સ્વચ્છતા સંબંધિત નિયમોનો ભંગ કરનાર સામે મહાનગરપાલિકાના ઉપનિયમો મુજબ રૂ. ૧૦૦થી રૂ. ૫,૦૦૦ સુધીનો દંડ વસૂલ કરવામાં આવશે અને આ કાર્યવાહી સતત ચાલુ રહેશે. તેમ જણાવાયું છે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
