<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

કચ્‍છમાં સગર્ભા સહિત ૪ના મોત.

હાજીપીર પાસે જે રસ્‍તો બનાવવા પરસેવો પાડી રહ્યા હતા, એ જ રસ્‍તા પર કાળ બનીને ત્રાટકયું ડમ્‍પર! : ટ્રોલી નીચે બેસીને ભોજન લઈ રહેલા શ્રમિક પરિવાર ઉપર ડમ્‍પર કાળ બની ત્રાટકયું, સતત વધતાં ગમખ્‍વાર અકસ્‍માતો વચ્‍ચે કચ્‍છના રસ્‍તાઓ ઉપર નિયમોનો ઉલાળીયો, માર્ગકામ સ્‍થળે બેરીકેડિંગ અને દિશાસૂચક બોર્ડનો અભાવ હોવાની સ્‍થાનિકોની રજૂઆત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૫ :. પરિવારનું પેટ ભરવા દિવસભર તનતોડ મહેનત કરતા શ્રમિકોને કયાં ખબર હતી કે રસ્‍તાની સાઈડમાં બેસીને લેવાયેલા બે કોળિયા ભોજન તેમની જિંદગીનું છેલ્લું ભોજન બની રહેશે! એક તરફ શ્રમિક પરિવાર ટ્રેક્‍ટરની ટ્રોલી નીચે બેસીને બપોરનું ભોજન કરી રહ્યો હતો, તો બીજી તરફ પાછળથી પૂરઝડપે ધસી આવેલું ડમ્‍પર તેમના માટે કાળ બનીને ત્રાટકયું. એક જ ભયાનક ટક્કરમાં ગર્ભવતી મહિલા અને બે માસૂમ બાળકો સહિત ચાર શ્રમિકોનાં કરુણ મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્‍યાપી ગઈ છે.

કચ્‍છના હાજીપીર માર્ગ પર ઢોરો અને વજીરા વાંઢ ફાટક વચ્‍ચે ગઈકાલે મંગળવારે બપોરે આ હૃદયદ્રાવક અકસ્‍માત સર્જાયો હતો. મૂળ મધ્‍યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના સંધલા ગામના વતની શ્રમિક પરિવારના સભ્‍યો અહીં રસ્‍તાના કામમાં મજૂરી કરી રહ્યા હતા. બપોરના સમયે પરિવારના સભ્‍યો ટ્રેક્‍ટરની ટ્રોલી નીચે બેસીને ભોજન કરી રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા ડમ્‍પર નંબર GJ ૧૨ AZ ૦૫૯૦ના ચાલકે ઊભેલા ટ્રેક્‍ટરને જોરદાર ટક્કર મારી હતી.

ટક્કર એટલી ભયાનક હતી કે પરિવારના સભ્‍યોને બચવાનો પ્રયાસ કરવાની તક પણ મળી નહીં. આ દુર્ઘટનામાં દિવાન દલસિંહ મખોડિયા (ઉંમર ૨૭ વર્ષ), તેમનાં પત્‍ની અને ગર્ભવતી હસીના દિવાન મખોડિયા (ઉંમર ૨૭ વર્ષ), પાંચ વર્ષની માસૂમ નવીના અર્જુન મખોડિયા અને બે વર્ષના દશરથ અર્જુન મખોડિયાનું કરુણ મોત નીપજ્‍યું હતું. જ્‍યારે ચાર વર્ષના આવીશ અર્જુન મખોડિયાને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ અકસ્‍માતની સૌથી વધુ હચમચાવી નાખે તેવી બાબત એ છે કે મળતકોમાં એક ગર્ભવતી મહિલા પણ સામેલ છે. જે માતા પોતાના આવનારા બાળક માટે સપનાં સજાવી રહી હશે, જે પરિવાર મહેનત કરીને પોતાનાં બાળકોનું ભવિષ્‍ય બનાવવાની આશા રાખતો હશે, તે પરિવારની ખુશીઓ એક જ ક્ષણમાં વેરવિખેર થઈ ગઈ. બે માસૂમ બાળકોએ તો હજુ જીવનને બરાબર ઓળખ્‍યું પણ નહોતું અને તેમનો જીવનપ્રવાસ જ પૂરો થઈ ગયો. સ્‍થાનિકોના જણાવ્‍યા અનુસાર, જે સ્‍થળે રોડનું કામ ચાલી રહ્યું હતું ત્‍યાં જરૂરી બેરીકેડિંગ કે દિશાસૂચક બોર્ડ મૂકવામાં આવ્‍યાં નહોતાં. જો આ વાતની પુષ્ટિ થાય તો માર્ગકામ દરમિયાન શ્રમિકોની સલામતી અને ટ્રાફિક વ્‍યવસ્‍થાને લઈને ગંભીર સવાલો ઊભા થાય છે. આખરે કામના સ્‍થળે શ્રમિકોની સુરક્ષાની જવાબદારી કોની? શું જરૂરી સુરક્ષા વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી? આ સવાલોના જવાબ મળવા જરૂરી છે. અકસ્‍મત બાદ સ્‍થળ પર મોબાઈલ નેટવર્કના અભાવે ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સનો સંપર્ક થઈ શકયો નહોતો. પરિણામે મળતદેહોને ખાનગી બોલેરો વાહનની મદદથી નખત્રાણા સરકારી દવાખાને ખસેડવામાં આવ્‍યા હતા. ઘટનાની જાણ થતાં નખત્રાણા પોલીસનો કાફલો હોસ્‍પિટલ અને અકસ્‍માત સ્‍થળે પહોંચ્‍યો હતો. પોલીસે મળતદેહોના પોસ્‍ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કચ્‍છમાં નિયમોના ઉલાળીયો કરવાના કારણે છેલ્લા ઘણા સમયથી જીવલેણ માર્ગ અકસ્‍માતો વધી રહ્યા છે. ત્‍યારે સૌથી મોટો સવાલ એ છે કે આવા ગમખ્‍વાર અકસ્‍માતોની જવાબદારી કોણ લેશે? જાહેર માર્ગો ઉપર વાહનવ્‍યહાર દરમિયાન ઓવરલોડ ટ્રાફિક, નશાનું દૂષણ, રસ્‍તાઓ ઉપર ખાડા, ટ્રાફિક નિયમન, ટોલ ઉઘરાવતી કંપનીઓ દ્વારા રસ્‍તાઓની જાળવણીના ઉલાળીયા, તંત્રના મૌન વચ્‍ચે લોકોના જાન માલની જરૂરી સુરક્ષા વ્‍યવસ્‍થાની તપાસ થશે?

 ભવિષ્‍યમાં ફરી આવી કરુણ દુર્ઘટનાઓ ન સર્જાય તે માટે જવાબદાર તંત્ર કયારે જાગશે?

(11:20 AM IST)