તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૧ સોમવાર
News of Friday, 18th September 2026
પાટડીના વાલેવડા ગામે ત્રણ મંદિરોમાં ૩૪ છત્તર ચોરાયા!
ગામની જ એક મહિલા ચોરી કરતી હોવાની કેમેરામાં કેદ થતા દસાડા પોલીસમાં નોંધાયેલ ગુન્હોઃ ચકચાર

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૮: પાટડી પંથકના વાલેવડા ગામમાં આવેલા ત્રણ મંદિરોમાં ચોરી થઈ છે. ખોડિયાર માતાજીના મંદિરમાંથી ૧૭ ચાંદીના છતર, ચામુંડ માતાજીના મંદિરમાંથી ૧૧ અને મેલડી માતાજીના મંદિરમાંથી ૬ ચાંદીના છતર ચોરાયા છે. કુલ ૩૪ ચાંદીના છતર ચોરાયા છે, જેની કિંમત ૪૫,૦૦૦ રૂપિયા આંકવામાં આવી છે. આ અંગે દસાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ચોરી થયેલા મંદિરોમાં વાલેવડા ગામના કિરણ સુખા વાઘેલાના કુટુંબના ખોડિયાર માતાજીના મઢમાંથી ૧૭ ચાંદીના છતર ચોરાયા છે. લાલજીભાઈ હજુરભાઈ કલાડીયાના ચામુંડ માતાજીના મઢમાંથી ૧૧ ચાંદીના છતર અને નખાજી રેવાજી નદીસારીયાના કુટુંબના મેલડી માતાજીના મઢમાંથી ૬ ચાંદીના છતરની ચોરી થઈ છે. દસાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ વી.આઈ. ખડીયા આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે.
આ ચોરીની ઘટનામાં એક મહત્વની જાણકારી સામે આવી છે. વાલેવડા ગામની શારદાબેન ચંદુ નદીસારીયા નામની મહિલા જ મંદિરમાંથી ચોરી કરતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજ મળ્યા બાદ આ મહિલા વિરુદ્ધ દસાડા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ છે.
આ પહેલા પણ પાટડી પંથકમાં ચોરીની ઘટનાઓ બની છે. પાટડી ચાર રસ્તે આવેલા સેધોય માતાજીના મંદિરની દાનપેટી તોડીને રોકડ રકમ ચોરાઈ હતી. નાના ગોરૈયા ગામના ગઢીયા હનુમાનજી મંદિરમાંથી હનુમાનજી દાદાનો મુગટ, એક મોટું ચાંદીનું છત્ર, પાંચ નાના છત્ર, બે હાથના કુડા, એક પગના તોડા અને બે કાનના કુંડળ ચોરાયા હતા. આ ઉપરાંત, દાનપેટીમાંથી આશરે ૫,૦૦૦ રૂપિયા રોકડા પણ ચોરાયા હતા. કુલ ૭૫૦ ગ્રામ ચાંદીના આભૂષણો અને રોકડ મળીને ૧,૩૦,૦૦૦ રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હતી.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
