<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

કચ્છમાં નાણા ધીરધારનું કાયદેસરનું લાયસન્સ ધરાવતા ૨૬૩ વ્યક્તિઓ: તમામને હિસાબોના ઓડિટ રિપોર્ટ ઓનલાઈન રજૂ કરવા તાકીદ

નાણાં ધિરધાર અધિનિયમ અંતર્ગત માસિક અને વાર્ષિક હિસાબો આપવા ફરજિયાત : ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીના હિસાબોનું ઓડિટ કરાવવા સૂચના

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ : ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ-૨૦૧૧ અંતર્ગત કચ્છ જિલ્લામાં કુલ ૨૬૩ શાહુકારો નોંધાયેલા છે. નોંધાયેલા તમામ શાહુકારોએ અધિનિયમની જોગવાઈઓનું ફરજિયાતપણે પાલન કરવાનું રહે છે. જોકે, અનેક શાહુકારો દ્વારા માસિક અને વાર્ષિક હિસાબો તથા જરૂરી પત્રકો ઓનલાઈન ઈ-કોઓપરેટીવ પોર્ટલ પર રજૂ કરવામાં આવતા ન હોવાનું તંત્રના ધ્યાને આવ્યું છે. અધિનિયમ મુજબ તારણવાળા ધિરાણ માટે ૧૨ ટકા અને તારણ વિનાના ધિરાણ માટે ૧૫ ટકા વ્યાજની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત, નાણાં ધિરધાર કરનારાઓએ નાણાકીય વર્ષ દરમિયાન પોતાના હિસાબોનું ઓડિટ કરાવવું ફરજિયાત છે. ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમની કલમ ૨૧(૧) હેઠળ શાહુકારોએ ઓનલાઈન નોંધણી કરાવી પોતાના માસિક તથા વાર્ષિક હિસાબો અને પત્રકો ઈ-કોઓપરેટીવ પોર્ટલ પર રજૂ કરવાના રહે છે. પરંતુ આ પ્રક્રિયાનું પાલન ન થતું હોવાનું જણાતા તંત્ર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે. આ બાબતને અધિનિયમની કલમ ૪૪ના ઉલ્લંઘન તરીકે ગણાવવામાં આવી છે.

તંત્ર દ્વારા શાહુકારોને તા. ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ અંતિત નાણાકીય વર્ષના હિસાબોનું સત્વરે ઓડિટ પૂર્ણ કરાવી તેનો ઓડિટ રિપોર્ટ ઓનલાઈન રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. ૫૦ લાખ રૂપિયા કરતાં ઓછું ટર્નઓવર ધરાવતા શાહુકારોએ તેમના ખાતાના વૈધાનિક ઓડિટર મારફતે વાર્ષિક ઓડિટ કરાવવાનું રહેશે, જ્યારે ૫૦ લાખ રૂપિયાથી વધુ ટર્નઓવર ધરાવતા શાહુકારોએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) પાસે વાર્ષિક ઓડિટ કરાવવાનું રહેશે.

તંત્રએ વધુમાં સ્પષ્ટતા કરી છે કે ઉપરોક્ત સૂચનાઓનું પાલન નહીં કરનાર શાહુકારોએ દિન-૧૦માં સ્પષ્ટતા સહિત ખુલાસો રજૂ કરવાનો રહેશે. નિર્ધારિત સમયમર્યાદામાં સંતોષકારક ખુલાસો કે પાલન નહીં થાય તો ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ-૨૦૧૧ની જોગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(9:35 AM IST)