News of Friday, 18th September 2026
સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના સાનિધ્યમાં નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે 11,111 દીવડાઓનો ઝળહળાટ : આજે ફૂલોનો દિવ્ય શણગાર
રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા સહિતનાની ઉપસ્થિતિ : સંતો-હરિભક્તોની હાજરીમાં સમૂહ સંધ્યા આરતી : વડાપ્રધાનના દીર્ઘાયુ માટે પ્રાર્થના :

રાજકોટ તા.૧૮ : બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે છેલ્લા બે દિવસથી ભક્તિમય માહોલ છવાયો છે.શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના સાનિધ્યમાં નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે 11,111 દીવડાઓનો ઝળહળાટ કરવામાં આવ્યો હતો. આજે ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તા. ૧૭ ના રોજ મંદિર પરિસરમાં 11,111 દીવડાઓની ઝગમગાહટ વચ્ચે ભવ્ય સમૂહ સંધ્યા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. દીવડાઓથી વિશાળ રંગોળી બનાવીને સમગ્ર પરિસરને શણગારવામાં આવ્યું હતું. આ દિવ્ય નજારો જોવા સંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાનના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી હતી.રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે બીજા દિવસે તા. ૧૮ ના શુક્રવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) ની પ્રેરણાથી
કોઠારી શ્રી વિવેક સાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા અને રંગબેરંગી વિવિધ પ્રકારના ફૂલોથી દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. ગર્ભગૃહના સિંહાસનને પણ ફૂલોની હરિયાળીથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું. સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા આરતી કરવામાં આવી હતી, જેના દર્શનનો અનેક ભક્તોએ લાભ લીધો હતો.
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
