<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર જયરાજસિંહ હરપાલસિંહ ઝાલા વિરૂદ્ધ ૧ કરોડ ૩૪ લાખથી વધુની અપ્રમાણસર મિલકતની એ.સી.બી.એ નોંધી ફરિયાદ : કુલ આવકના ૫૩.૬૦ % વધુ સંપત્તિ વસાવવા બદલ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન.પટેલ બન્યા સરકાર તરફથી ફરિયાદી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દિલ્હીના પત્રના આધારે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુન્હો દાખલ કરાયો : એ.સી.બી.ના મુખ્ય પોલીસ અધિકારી અને નિયામકશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ એસ.આઈ.ટી. (SIT) ની રચના થઈ : પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે.પટેલ અને મદદનીશ નિયામક જે.ડી.મેવાડા દ્વારા તપાસનો ધમધમાટ શરૂ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે ફરજ બજાવતા વર્ગ-૩ ના નાયબ મામલતદાર (હાલ ફરજ મોકૂફ) જયરાજસિંહ હરપાલસિંહ ઝાલા વિરૂદ્ધ કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત વસાવવા બદલ એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર નંબર ૦૫/૨૦૨૬ થી કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આક્ષેપિત અધિકારી સામે કાયદેસરની આવકની સરખામણીમાં રૂપિયા ૧,૩૪,૭૮,૮૨૭/- (અંકે રૂપિયા એક કરોડ ચોત્રીસ લાખ અઠ્યોતેર હજાર આઠસો સત્યાવીસ પુરા) એટલે કે ૫૩.૬૦ % જેટલી અધધ રકમની વધુ અપ્રમાણસર મિલકતો વસાવવાનો પ્રાથમિક દ્રષ્ટિએ ગંભીર ગુન્હો સામે આવ્યો છે.

ED દિલ્હીના પત્રના આધારે ગુન્હો દાખલ: એસ.આઈ.ટી. (SIT) ની રચના:

આ ચકચારી કેસની વિગત એવી છે કે, આક્ષેપિત જયરાજસિંહ હરપાલસિંહ ઝાલા તથા અન્ય વિરૂદ્ધમાં ડીરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (Directorate of Enforcement), દિલ્હી નાઓ તરફથી પત્ર ક્રમાંક: ECIR/HIU-II/42/2025, તારીખ ૨૩/૧૨/૨૦૨૫ થી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ મુજબનો ગુન્હો નોંધવા માટે જણાવવામાં આવ્યું હતું. જેના આધારે સુરેન્દ્રનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૦૭/૨૦૨૫ પર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (સુધારા-૨૦૧૮) ની કલમ ૧૨, ૧૩(૧)(બી), ૧૩(૨) તથા ૭ મુજબ ગુન્હો દાખલ કરાયો હતો. આ ગુન્હા અન્વયે આરોપીની અપ્રમાણસર મિલકતની ઊંડાણપૂર્વક અને ઝડપી તપાસ થાય તે હેતુસર મુખ્ય પોલીસ અધિકારી અને નિયામકશ્રી, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એક ખાસ એસ.આઈ.ટી. (Special Investigation Team) ની રચના કરવાનો હુકમ કરાયો હતો.

ચેક પિરિયડ દરમિયાન સત્તાનો દુરુપયોગ કરી મિલકતો વસાવી:

આ ખાસ તપાસ અંતર્ગત આક્ષેપિત જયરાજસિંહ હરપાલસિંહ ઝાલા દ્વારા તેમની ફરજ દરમિયાન ગેરકાયદેસર રીતરસમો અપનાવીને અને સત્તાનો દુરુપયોગ કરીને પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સંપત્તિ એકત્રિત કરી હોવાનું ખૂલ્યું છે. તેમણે પોતાના નામે કે સગા સંબંધી કે સ્નેહીજનોના નામે સ્થાવર તથા જંગમ મિલકતોમાં રોકાણ કરી અપ્રમાણસર મિલકત વસાવેલ છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ એસ.આઈ.ટી. ના સભ્ય પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન.પટેલને વિગતવાર કરવા હુકમ કરાયો હતો.

આ અંગે એ.સી.બી. દ્વારા તા. ૦૧/૦૪/૨૦૧૬ થી તા. ૨૦/૧૨/૨૦૨૫ સુધીના સમયગાળાને 'ચેક પિરિયડ' તરીકે ગણીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન આરોપીએ ગેરકાયદેસર રીતરસમો અપનાવીને પોતાના તથા પોતાના પરિવારના નામે રૂપિયા ૧,૩૪,૭૮,૮૨૭/- ની ૫૩.૬૦ % વધુ અપ્રમાણસર મિલકતો વસાવી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે. જેથી સુરેન્દ્રનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ની કલમ ૧૩ (૧) (ઈ), ૧૩(૨) તથા સુધારા અધિનિયમ ૨૦૧૮ ની કલમ ૧૩(૧)(બી), ૧૩(૨) મુજબ અમદાવાદ એ.સી.બી. ફિલ્ડ-૧ ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન.પટેલ પોતે સરકાર તરફથી ફરિયાદી બનીને તા. ૧૮/૦૭/૨૦૨૬ ના રોજ આ ગુન્હો દાખલ કર્યો છે.

ઉચ્ચ અધિકારીઓના સુપરવિઝન હેઠળ તપાસનો ધમધમાટ:

આ પ્રસ્તુત ગુન્હાના કામે તપાસ કરનાર અધિકારી તરીકે સુરેન્દ્રનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે.પટેલ કાર્યરત છે. જ્યારે આ સમગ્ર ગુન્હાના સુપરવિઝન અધિકારી તરીકે એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટના મદદનીશ નિયામક જે.ડી.મેવાડા નાઓ ફરજ બજાવી રહ્યા છે.

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા જનતાને પણ આહવાન કરવામાં આવ્યું છે કે જો કોઈ સરકારી અધિકારી કે કર્મચારી સરકારી કામ અર્થે લાંચની માંગણી કરે, તો તેની જાણ એ.સી.બી. કચેરીના ટોલ ફ્રી નંબર ૧૦૫૮, ફોન નંબર ૦૭૯-૨૨૮૬૫૭૫૭ અથવા ફેક્સ નંબર ૦૭૯-૨૨૮૬૫૨૨૮ ઉપર તાત્કાલિક કરવી.

(8:59 PM IST)