<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

રાજકોટમાં યુવાનોની મધરાતે રેલીઃ પેપર લીક મુદ્દે અવાજ ઉઠાવ્‍યો

 

રાજકોટઃ દિલ્‍હીના જંતર મંતર ખાતે પેપર લીક મુદ્દે ચાલી રહેલા આંદોલન અને દેશના મહાન પર્યાવરણવાદી સોનમ વાંગચુકના સમર્થનમાં રાજકોટના યુવાનો દ્વારા મધરાતે રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ રેલી રાજકોટ માં રાત્રે ૧૨ વાગ્‍યે રેસકોર્સ રિંગ ફરતે શરૂ કરવામાં આવી હતી. વાંગચૂકે ગત મધરાત્રે પારણા કરી લીધા છે, પણ પ્રધાનના રાજીનામા સુધી આંદોલન ચાલું રહ્યા.

રેલી દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા પૂરતું પ્રોટેક્‍શન આપવામાં આવ્‍યું હતું. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો. આ અંગે માહિતી આપતાં વિદ્યાર્થી સંજય કાકડિયાએ જણાવ્‍યું હતું કે આ રેલી સંપૂર્ણપણે બિનરાજકીય હતી અને તેનો હેતુ માત્ર શિક્ષણ પ્રણાલીમાં ચાલી રહેલી ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવવાનો હતો.

સંજય કાકડિયાએ વધુમાં જણાવ્‍યું હતું કે પેપર લીક જેવી ઘટનાઓ વિદ્યાર્થીઓના ભવિષ્‍ય સાથે સીધી રીતે જોડાયેલી છે અને આવા મુદ્દાઓ પર સરકારને કડક પગલાં લેવા જોઈએ. તેમજ વિદ્યાર્થીઓની મુખ્‍ય માંગણી એક જ હતી કે દેશના એજ્‍યુકેશન મિનિસ્‍ટર ધર્મેન્‍દ્ર પ્રધાન તાત્‍કાલિક પોતાનું રાજીનામું આપે. રેલીમાં જોડાયેલા વિદ્યાર્થીઓએ એકસાથે મળીને સિસ્‍ટમ્‍સમાં થઈ રહેલી ગેરનીતિઓનો વિરોધ વ્‍યક્‍ત કર્યો હતો.

સતત બે દિવસથી પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને કાર્યરત રાજકોટ પોલીસે યુવાનોને શાંતિપૂર્ણ રીતે રેલી કાઢવા દિધી અને પૂરતો સહકાર આપ્‍યો હતો. આ માટે તમામ વિદ્યાર્થીઓએ રાજકોટ પોલીસનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

આ રેલી દ્વારા રાજકોટના યુવાનો એ સંદેશ આપ્‍યો છે કે તેઓ પોતાના હકો અને ભવિષ્‍ય માટે શાંતિપૂર્ણ રીતે પણ મજબૂત અવાજ ઉઠાવી શકે છે. સંજય કાકડિયા એક યાદીમાં જણાવ્‍યું કે જો સરકાર પેપર લીક મુદે સોલ્‍યૂશન નહીં લાવે તો આ આંદોલન ઉગ્ર બનશે અમે વિધાથી આમારો હક લઈ ને રહેશું.

(11:25 AM IST)