<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

તું મને છુટાછેડા આપી દે, હું જીનલ સાથે લિવ-ઇનમાં રહીશ...મીરાબેન રૂડકીયાને પતિ ગિરીશનો ત્રાસ-મારકુટ

લગ્ન બાદ સાત વર્ષ સુધી સંસાર સારી રીતે ચાલ્‍યો પછી પતિએ બીજે લફરૂ કર્યાનો ફરિયાદમાં આક્ષેપ પુત્રવધુનું સસરા જેન્‍તીભાઇ રૂડકીયાએ ઉપરાણું લઇ દિકરા ગિરીશને ઠપકો દેતાં તે અલગ રહેવા જતો રહ્યોઃ બારોબાર લગ્ન કરી લીધાની મીરાબેનને શંકાઃ મહિલા પોલીસ સ્‍ટેશનના પીઆઇ એસ. આર. બુટીયાની રાહબરીમાં તપાસ શરૂ

રાજકોટ તા. ૨૯: મવડી મેઇન રોડ વિસ્‍તારમાં રહેતી મહિલાએ પોતાના પતિ વિરૂધ્‍ધ શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ દાખલ કરાવી છે. સાત વર્ષ સુધી લગ્નજીવન સારી રીતે ચાલ્‍યા બાદ પતિએ અન્‍ય યુવતીના પ્રમમાં અંધ બની તું મને ગમતી નથી, મને છૂટાછેડા આપી દે, હું બીજી યુવતી સાથે લિવ-ઈનમાં રહીશ તેમ કહી મેણા-ટોણા મારી અવારનવાર ઢોર માર માર્યાના આક્ષેપો સાથે ફરિયાદ થઇ છે.

આ બનાવમાં મહિલા પોલીસ દ્વારા મવડી મેઇન રોડ પર આકાશદીપ સોસાયટી-૨માં વિજ્‍યાબેન ધનજીભાઇ ધંધુકીયાના મકાનમાં ભાડેથી રહેતી મીરાબેન ગિરીશભાઇ રૂડકીયા (ઉ.વ.૩૨) નામની પરિણીતાની ફરિયાદ પરથી પાળ ગામે લાલુભાઇ પારેખ ટાઉનશીપ સી-વીંગ રૂમ નં. ૬૦૬માં રહેતાં તેણીના પતિ ગિરીશ જેન્‍તીભાઇ રૂડકીયા વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાયો છે.

ફરિયાદમાં જણાવાયા મુજબ  મીરાબેનના લગ્ન ૧૪/૧૨/૨૦૧૫ ના રોજ જ્ઞાતિના રીત-રિવાજ મુજબ ગિરીશભાઈ જેન્‍તીભાઈ રૂડકીયા (રહે. શ્રીનાથજી સોસાયટી, મવડી મેઇન રોડ) સાથે થયા હતા. લગ્નજીવનથી તેમને આઠ વર્ષનો હેત નામનો પુત્ર છે. લગ્ન બાદ સાત વર્ષ સુધી તેમનું લગ્નજીવન ખુબ સારી રીતે ચાલ્‍યું હતું અને પતિ પ્રાઇવેટ બેંકમાં નોકરી કરતા હતા.

મીરાબેનના જણાવ્‍યા મુજબ તા. ૦૧/૦૧/૨૦૨૩ પછી તેમના પતિ ગિરીશ રૂડકીયાએ અચાનક બોલાચાલી અને ઝઘડા કરવાનું શરૂ કર્યું હતું. તેમજ પતિ કહેતાં કે તું મને ગમતી નથી, મને છૂટાછેડા આપી દે. જો તું મને છૂટાછેડા નહીં આપે તો હું જીનલ સાથે લિવ-ઈનમાં રહીશ. તારા કરતાં જીનલે મને વધુ સાચવ્‍યો છે. આમ કહી તે મીરાબેનની નજર સામે જ જીનલ નામની યુવતિને મેસેજ કરી ફોનમાં વાત કરતાં હતાં.

આ બાબતની જાણ મીરાબેને ઘરમાં કરતાં સાસુ જોશનાબેન, સસરા જેન્‍તીભાઈ તથા જેઠ રાકેશભાઈએ તેણીના પતિ ગિરીશને અવારનવાર સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે કોઈની વાત માનતો નહોતો. તેણે મોબાઈલમાં મેસેજથી જીનલ સાથે વાતો કરવાનું ચાલુ જ રાખ્‍યું હતું. પત્‍નિ ના પાડે ે તો ગુસ્‍સે થઈને તેની પર હાથ ઉપાડી ઢોર માર મારતો હતો.

પતિ ગિરીશ મારકૂટ કરતો અને પત્‍નિ તરીકે રાખવાની પણ ના પાડતો હોવાથી તેના મીરાબેનનું ઉપરાણું તેમના સસરાજેન્‍તીભાઈએ લઇ દિકરા ગિરીશને કડક શબ્‍દોમાં કહ્યું હતું કે જો તારે મીરાને પત્‍નિ તરીકે રાખવી ન હોય અને બોલાવવી ન હોય તો મારા ઘરમાંથી બહાર નીકળી જા. આથી ગિરીશ પોતે પોતાના પરિવારથી અલગ પાળ ગામ રોડ પર આવેલી લાલુ પારેખ ટાઉનશિપમાં રહેવા જતો રહ્યો હતો. ત્‍યાં તે એકાદ વર્ષથી રહે છે.

અલગ રહેવા ગયા પછી પણ પતિ ગિરીશ અવારનવાર પોતાના પિતાના ઘરે આવીને મને મીરા સાથે છૂટાછેડા અપાવી દો કહી દબાણ કરતો હતો. પરિવારે અને મીરાબેને ે અવારનવાર સંસાર સુધારવાના પ્રયાસો કર્યા પરંતુ પતિ રાખવા તૈયાર થયો નહોતો. પરિણીતાએ આશંકા વ્‍યક્‍ત કરી છે કે તેના પતિએ જીનલ નામની યુવતી સાથે છૂપી રીતે લગ્ન કરી લીધા છે, જેથી તે સતત છૂટાછેડા માંગતો હોઇ શકે છે. તેમ મીરાબેને જણાવતાં પીઆઇ એસ. આર. બુટીયાની રાહબરીમાં એએસઆઇ દિલીપસિંહ જેસંગભાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:08 PM IST)