<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

તુ હલકા સંસ્‍કારની છો, પતિ કહે એમ જ કરવાનુ : પ્રજ્ઞાબેન કણસાગરાને ત્રાસ

જેઠે રાત્રે બે વાગ્‍યે ભજીયા બનાવવા બાબતે અને એરપોર્ટ ઉપર ફોટા પાડવા મામલે પણ ડખ્‍ખો કર્યો : મહિલા પોલીસ મથકમાં ગુન્‍હો નોંધાયો

રાજકોટ, તા.૧૪: શહેરમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ, સાસુ, જેઠ અને જેઠાણી વિરુદ્ધ શારીરિક તથા માનસિક ત્રાસ આપવા બાબતે મહિલા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે લગ્નના ટૂંકા ગાળામાં જ તેને ઘરની બહાર કાઢી મૂકવામાં આવી હતી અને સાસરિયા દ્વારા અવારનવાર દબાણ કરી હેરાન કરવામાં આવતી હતી.

મહિલા પોલીસે આ મામલે પ્રજ્ઞાબેન રૈયાંશભાઇ કણસાગરા તે હરીભાઈ ચનાભાઈ ભાલોડીયાના દિકરી (રહે-હાલ કસ્‍તુરી કેસર અંબીકા ટાઉનશીપ જીવરાજ પાર્ક)ની ફરિયાદ પરથી ગોસ્‍ટ ટ્રાયો એપાર્ટમેન્‍ટ મવડી કણકોટ રોડ ફ્‌લેટ રાજકોટ તેમજ જુનાગઢ ખાતે રહેતા રૈયાંશ મનસુખલાલ કણસાગરા (પતિ), વાસંતીબેન મનસુખલાલ કણસાગરા (સાસુ),  ભાવિનભાઈ મનસુખલાલ કણસાગરા (જેઠ) અને તળપ્તિબેન ભાવિનભાઈ કણસાગરા (જેઠાણી) વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો છે. ફરિયાદ મુજબ પ્રજ્ઞાબેનના લગ્ન ડિસેમ્‍બર ૨૦૨૩માં રૈયાંશભાઈ કણસાગરા સાથે થયા હતા. લગ્નના ત્રણ મહિના બાદ જ્‍યારે તેઓ પોતાના જેઠ-જેઠાણીના ઘરે જૂનાગઢ ગયા, ત્‍યારે ત્‍યાં તેમનું અપમાન કરી ૅઅહીં રહેવા નહીં મળેૅ તેમ કહી કાઢી મૂકવામાં આવ્‍યા હતા. આ ઘટના બાદ પતિ અને સાસરિયાંના વર્તનમાં મોટો ફેરફાર આવ્‍યો હતો.

ફરિયાદમાં પ્રજ્ઞાબેને એક ચોંકાવનારી વાત વર્ણવી છે. જ્‍યારે જમ્‍મુ કાશ્‍મીર ફરવા ગયા ત્‍યારે જેઠ જેઠાણી પણ સાથે હતાં. વળતા દિલ્‍હી રોકાયા ત્‍યારે રાત્રે આશરે બે વાગ્‍યે જેઠ ભાવિનભાઈએ પ્રજ્ઞાબેનને ભજીયા બનાવી આપવા માટે કહ્યું હતું. પ્રજ્ઞાબેને પોતે થાકી ગયા હોવાનું કહેતા પતિ રૈયાંશભાઈએ તેમની સાથે ઝઘડો કર્યો હતો અને ‘પતિ કહે તેમ જ તારે કરવાનું' તેમ કહી દબાણ કરી રાત્રે ભજીયા બનાવડાવ્‍યા હતા. ત્‍યારબાદ દિલ્‍હી એરપોર્ટ પર ફોટા પાડવા જેવી સામાન્‍ય બાબતે પણ જેઠ દ્વારા અપશબ્‍દો બોલી ગાળાગાળી કરવામાં આવી હતી. રાજકોટ પરત ફર્યા બાદ, પતિએ નાની બાબતે ઝઘડો કરી પત્‍નીનો હાથ મરોડી નાખ્‍યો હતો અને ઈજા પહોંચાડી હતી. આટલું જ નહીં, પત્‍ની બીમાર હોય ત્‍યારે દવાખાનાનો ખર્ચ કરવા બાબતે પણ સાસુ અને પતિએ મેણાં મારી ૅતું હલકા સંસ્‍કારની છેૅ કહી અપમાનિત કરી હતી

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, પત્‍નીના પિયર પક્ષ તરફથી મુકવામાં આવેલી ફિક્‍સ ડિપોઝિટ અને બેંક બેલેન્‍સ હડપવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું. સાસરિયાંઓએ પરિણીતાનાસ્ત્રીધન ઘરેણાં પણ પડાવી લીધા હોવાનો અને તેને પિયરના ઘરેથી વધુ પૈસા લાવવા માટે મજબૂર કરવામાં આવતી હોવાનો ઉલ્લેખ છે. પત્‍નીના બેંક દસ્‍તાવેજો અને એટીએમ કાર્ડ પણ પતિએ પોતાની પાસે રાખી લીધા હતા.

 એક સમયે જ્‍યારે વડીલો સમાધાન માટે ઘરે આવ્‍યા હતા, ત્‍યારે પતિએ પોતે જ રૂમમાં પુરાઈને ૧૧૨ નંબર પર ફોન કરી ‘મને બચાવો' તેવી બૂમો પાડી પોલીસ બોલાવી હતી. જો કે પોલીસ તપાસમાં સત્‍ય બહાર આવ્‍યું હતું કે પત્‍ની કે તેના પિયરિયાં દ્વારા કોઈ હુમલો થયો નહોતો, પરંતુ પતિએ પોલીસને ગેરમાર્ગે દોરવા આ નાટક કર્યું હતું. હાલમાં પરિણીતા છેલ્લા ૧૫ મહિનાથી પોતાના પિયરમાં રહે છે. મહિલા પોલીસે આ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2:19 PM IST)