News of Saturday, 9th May 2026
યાજ્ઞિક રોડ પર હોટેલ સંચાલક સંજયભાઇને નીચેની હોટેલવાળા મુર્તુઝા ભારમલે લાફા મારી ગળુ કાપી નાંખવાની ધમકી દીધી
ગ્રાઉન્ડ ફલોરમાં બોર્ડ રાખવા મામલે અને ગ્રાહકોની અવર-જવર મામલે મનદુઃખ હતું

રાજકોટ તા. ૯: શહેરના ડો. યાજ્ઞિક રોડ પર આવેલી હોટલના સંચાલક પર નીચેની હોટલના ભાગીદારે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. હોટલના બોર્ડ રાખવા જેવી સામાન્ય બાબતે ચાલી આવતી જૂની અદાવતનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે ૮૦ ફુટ રોડ મટુકી રેસ્ટોરન્ટ નજીક શીલ્પન પ્રાઇમ ડી-૧૪૦૨માં રહેતાં અને ડો. યાજ્ઞિક રોડ પર માલાબાર ગોલ્ડ શો રૂમની ઉપર સાતમા માળે સ્ટારવૂડ નામે હોટેલ ચલાવતાં સંજયભાઇ વલ્લભભાઇ વેકરીયા-પટેલ (ઉ.વ.૪૩)ની ફરિયાદ પરથી ભગવતીપરાના મુર્તુઝા ભારમલ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
ફરિયાદમાં સંજયભાઇએ જણાવ્યું છે કે ૭મી તારીખે બપોરે પોતે પોતાની હોટલ પર હાજર હતા ત્યારે નીચે આવેલી હોટલ યાજ્ઞિક ઇનના સંચાલક નવીનભાઈ ભાનુશાલીનો ફોન આવ્યો હતો અને બોર્ડ બાબતે વાત કરવા નીચે બોલાવ્યા હતા. સંજયભાઇ નીચે ન જતાં થોડીવારમાં નવીનભાઈના ભાગીદાર મુર્તુઝા ભારમલ હોટલમાં ધસી આવ્યા હતા. મુર્તુઝાએ હોટેલમાં આવીને સંજયભાઇને ‘તારે શું કરવાનું છે?' કહી ધક્કો મારતાં તે ટેબલ સાથે ભટકાયા હતાં. બાદમાં મુર્તુઝાએ તેને મા-બહેન સમી ગાળો દઇ ઝાપટ મારી દીધી હતી. આ વખતે મેનેજર નિલેષભાઇ વચ્ચે પડયા હતાં અને સંજયભાઇને છોડાવ્યા હતાં.
દેકારો થતાં બીજા લોકો ભેગા થઈ જતાં મુર્તુઝાને હોટલની બહાર લઈ જવામાં આવ્યો હતો. ત્યારે તેણે ફરી પાછા આવી ઝાપટ મારવાની કોશિશ કરી હતી અને જતી વખતે જાનથી મારી નાખવાની ધમકી આપતા કહ્યું હતું કે-અહિ હવે દેખાતો નહિ, નહિતર તારું ગળુ કાપી નાંખીશ.
સંજયભાઇએ વધુમાં જણાવ્યું હતું કે મેં હોટેલ ચાલુ કરી ત્યારથી છેલ્લા એક વર્ષથી અમારી હોટલનું બોર્ડ ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા બાબતે અને ગ્રાહકોની અવરજવર બાબતે મુર્તુઝા ભારમલ અવારનવાર મારી સાથે ઝઘડો કરી ધમકીઓ આપતો હતો. આ કારણે ખાર રાખી તેણે મારી હોટેલમાં આવી ગાળો દઇ મારામારી કરી ધમકી આપી હતી. પીઆઇ જે. વી. વાઢીયાની રાહબરીમાં હેડકોન્સ. આર. આર. બાવળવાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:13 PM IST)










