News of Saturday, 20th June 2026
રાજકોટ બનશે ભારતનું પ્રથમ ૧૫ મિનિટ યોગા સિટીઃ ૪૧૯ સ્થળોએ નિઃશુલ્ક સેન્ટર થશે શરૂ
વિશ્વ યોગદિન પૂર્વે શહેરીજનોને મનપા તંત્રની ભેટ : મહાનગરપાલિકા અને ગુજરાત યોગ બોર્ડ વચ્ચે MoU થશેઃ GIS આધારિત સ્માર્ટ પોર્ટલથી નાગરિકોને નજીકના યોગ કેન્દ્રની માહિતી મળશે

રાજકોટ ,તા.૨૦: મહાનગરપાલિકાએ વિશ્વ યોગ દિવસને માત્ર એક દિવસીય ઉજવણી સુધી મર્યાદિત ન રાખતા વર્ષભર નાગરિકોના આરોગ્ય અને સુખાકારી માટે યોગને જીવનશૈલીનો અભિન્ન ભાગ બનાવવા મહત્વાકાંક્ષી પહેલ હાથ ધરી છે. આ અંતર્ગત રાજકોટને ભારતનું પ્રથમ ‘‘૧૫ મિનિટ યોગા સિટી'' બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત યોગ બોર્ડ વચ્ચે સમજૂતી કરાર (MoU) કરવામાં આવશે. તેમ મેયર ડો. નેહલ શુક્લના અધ્યક્ષસ્થાને યોજાયેલી પ્રેસમિટમાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા અને દંડક સંજયસિંહ રાણાએ માહિતી આપી હતી.
આ અંગે મેયર નેહલ શુકલ, તુષાર સુમેરાએ જણાવ્યુ હતું કે, વિશ્વભરમાં લોકપ્રિય ‘‘૧૫ મિનિટ સિટી''ના શહેરી આયોજન મોડલથી પ્રેરિત આ યોજનામાં દરેક નાગરિકને પોતાના ઘરથી ૧૫ મિનિટના અંતરે નિઃશુલ્ક યોગ તાલીમ ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પાર્ક, જાહેર બગીચા, કોમ્યુનિટી હોલ અને વોર્ડ કક્ષાના કેન્દ્રો સહિત કુલ ૪૨૬ સ્થળોની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી ૪૧૯ સ્થળોએ નિયમિત યોગ સત્રો યોજાશે.
ગુજરાત યોગ બોર્ડ દ્વારા પ્રમાણિત અને પ્રશિક્ષિત યોગ શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે, જ્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ યોગ કેન્દ્રોને GIS આધારિત સ્માર્ટ સિટી પોર્ટલ સાથે જોડવામાં આવશે. નાગરિકો ઓનલાઈન પોતાના નજીકના યોગ કેન્દ્રનું સ્થાન, સમય અને અન્ય વિગતો સરળતાથી જાણી શકશે.
રાજકોટ મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ આ પહેલ માત્ર યોગ દિવસની ઉજવણી પૂરતી મર્યાદિત નથી, પરંતુ શહેરના દરેક નાગરિકને આરોગ્યપ્રદ, સક્રિય અને સંતુલિત જીવનશૈલી તરફ પ્રેરિત કરતી લાંબા ગાળાની પ્રતિબદ્ધતા છે. ‘‘૧૫ મિનિટ યોગા સિટી'' યોજના દ્વારા રાજકોટ નિવારક આરોગ્ય સંભાળના ક્ષેત્રમાં દેશ માટે એક પ્રેરણાદાયક મોડેલ તરીકે ઉભરી આવશે.
યોગ શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત કરવાની પ્રાચીન ભારતીય પદ્ધતિ છે. તેની વૈશ્વિક સ્વીકળતિને માન્યતા આપતાં સંયુક્ત રાષ્ટ્ર સંઘે વર્ષ ૨૦૧૪માં ૧૭૫ દેશોના સમર્થન સાથે દર વર્ષે ૨૧ જૂનને ‘‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'' તરીકે જાહેર કર્યો હતો.
આજે વિશ્વભરના શહેરોમાં વિશાળ યોગ કાર્યક્રમો યોજાય છે, પરંતુ રાજકોટ હવે આ ઉજવણીને એક દિવસીય કાર્યક્રમમાંથી બહાર કાઢીને તેને નાગરિકોના દૈનિક જીવન સાથે જોડાયેલ કાયમી આરોગ્ય માળખામાં પરિવર્તિત કરી રહ્યું છે.
GIS ટેકનોલોજીથી આરોગ્ય સેવાઓને નવી દિશા
આ સમગ્ર પહેલમાં આધુનિક ટેક્રોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ યોગ કેન્દ્રોને જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ (GIS) આધારિત સ્માર્ટ સિટી પોર્ટલ સાથે સંકલિત કરવામાં આવશે.
નાગરિકો ઓનલાઈન પોર્ટલ મારફતે પોતાના નજીકના યોગ કેન્દ્રનું સ્થાન, સમય અને અન્ય વિગતો સરળતાથી જાણી શકશે, જેના પરિણામે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને રોજિંદા જીવનમાં સરળતાથી અપનાવી શકાશે.
શહેરના બગીચા, જાહેર સ્થળો, કોમ્યુનિટી હોલ અને વોર્ડ સ્તરની સુવિધાઓને યોગ કેન્દ્ર તરીકે ઉપલબ્ધ કરાવવામાં આવશે. GIS આધારિત ડિજિટલ મેપિંગ અને માહિતી વ્યવસ્થા વિકસાવવામાં આવશે. ગુજરાત યોગ બોર્ડ દ્વારાઃ પ્રમાણિત અને અનુભવી યોગ શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે. નાગરિકોને નિયમિત અને ગુણવત્તાસભર યોગ તાલીમ નિઃશુલ્ક આપવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાની આ પહેલ માત્ર યોગ દિવસની ઉજવણી પૂરતી મર્યાદિત નથી, પરંતુ શહેરના દરેક નાગરિકને આરોગ્યપ્રદ, સક્રિય અને સંતુલિત જીવનશૈલી તરફ પ્રેરિત કરતી લાંબા ગાળાની પ્રતિબદ્ધતા છે. શહેરના તમામ વોર્ડ સુધી આરોગ્ય સેવાઓનું વિકેન્દ્રીકરણ કરીને રાજકોટ નિવારક આરોગ્ય સંભાળના ક્ષેત્રમાં દેશ માટે એક નવી દિશા અને પ્રેરણાદાયક મોડેલ તરીકે ઉભરી રહ્યું છે.
(4:03 PM IST)










