News of Friday, 30th October 2026
મહિલાઓની કળા અને કોૈશલ્યને મળશે મંચઃ મેયર બંગલે બે દિવસીય ‘ગૃહ ગરિમા દર્શન' પ્રદર્શન
૧ અને ૨ નવેમ્બરે સાંજે ૫ થી રાત્રે ૧૧ સુધી આયોજનઃ ઉત્પાદનો અને પરંપરાગત વાનગીઓ રજુ થશે

રાજકોટ, તા.૩૦: શહેરમાં મહિલાઓની સુષુપ્ત શક્તિ, સર્જનાત્મકતા અને કૌશલ્યને નવી ઓળખ અપાવવા રાજકોટ મહાનગરપાલિકા અને વોર્ડ નં. ૭ના મહિલા કોર્પોરેટરો દ્વારા બે દિવસીય ‘ગળહ ગરિમા દર્શન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૧ અને ૨ નવેમ્બરના રોજ રેસકોર્ષ સ્થિત મેયર બંગલા ખાતે સાંજે ૫થી રાત્રે ૧૧ વાગ્યા સુધી યોજાનારા આ પ્રદર્શનમાં મહિલાઓની કળા અને આવડતનો અનોખો સંગમ જોવા મળશે.
મહિલાઓ માત્ર ઘર અને પરિવારની જવાબદારીઓ સુધી સીમિત ન રહે, પરંતુ પોતાની આવડતને વ્યવસાયિક દિશા આપી આર્થિક રીતે પગભર બને તેવા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. પ્રદર્શનમાં મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી હસ્તકલાની વસ્તુઓ, ઘરસજાવટની ચીજવસ્તુઓ, પરંપરાગત વાનગીઓ તેમજ વિવિધ ઘરગથ્થુ ઉત્પાદનો રજૂ કરવામાં આવશે.
ઘણી મહિલાઓમાં વિશિષ્ટ કળા અને કૌશલ્ય હોવા છતાં યોગ્ય મંચના અભાવે તેમની પ્રતિભા ઘરની ચાર દીવાલો વચ્ચે જ સીમિત રહી જાય છે. આવી મહિલાઓને પોતાની ઓળખ ઊભી કરવાની અને સ્વરોજગાર તરફ આગળ વધવાની તક મળે તે માટે આ પ્રદર્શન મહત્વપૂર્ણ બની રહેશે.
મેયર ડો. નેહલ શુક્લની ઉપસ્થિતિમાં યોજાનારા આ કાર્યક્રમમાં શહેરના નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહિલાઓની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી છે.
વોર્ડ નં. ૭ના મહિલા કોર્પોરેટરો ખ્યાતિબેન ગોહેલ અને વર્ષાબેન પાંધી દ્વારા આયોજિત આ પ્રદર્શન મહિલાઓના આત્મવિશ્વાસમાં વધારો કરવા સાથે તેમના આર્થિક સ્વાવલંબન માટે નવી તકો ઊભી કરવાનો પ્રયાસ છે.
વધુ માહિતી અને સ્ટોલ માટે કોર્પોરેટર ખ્યાતિબેન ગોહેલ (મો.૯૯૨૪૦ ૬૬૪૫૧) તથા વર્ષાબેન પાંધી (મો. ૯૪૨૮૨ ૦૦૩૬૯)નો સંપર્ક કરવા તંત્રની સત્તાવાર યાદીમાં જણાવાયુ છે.
(3:50 PM IST)










