<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

વોર્ડ નં.૧૧ની ગીરનાર સોસાયટીમાંથી પાણી ચોરી પકડાઇ : ૩ લોકોને દંડ

મનપાની પાણી વિતરણ વ્‍યવસ્‍થામાં ખલેલ પહોંચાડનાર : તંત્ર દ્વારા પાણીના વાલ્‍વનું અનધિકૃત સંચાલન અટકાવવા ૧ હજારથી વધુ ચાવીઓ જમા કરાવવા નોટીસ

 

રાજકોટ, તા. રરઃ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વિસ્‍તારોમાં નાગરિકોને સમાન અને નિયમિત પાણી પુરવઠો મળી રહે તે માટે સતત દેખરેખ અને મોનિટરિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પાણી વિતરણ દરમિયાન કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે મોટરનો ઉપયોગ કરી પાણી ખેંચી લેવાની પ્રવળત્તિઓના કારણે અન્‍ય નાગરિકોને પૂરતું પાણી મળવામાં મુશ્‍કેલીઓ ઉભી થતી હોય છે. આવી ગેરરીતિઓ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવે છે.

આ અંગે મનપાની સત્તાવાર યાદી મુજબ વોર્ડ નં. - ૧૧ વિસ્‍તારમાં તા. ૨૧ ના રોજ પાણી વિતરણના સમય દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના નાયબ મ્‍યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી તથા સિટી એન્‍જિનિયર કુંતેશ મહેતાના માર્ગદર્શન હેઠળ અધિકારીઓની ટીમ દ્વારા સ્‍થળ પર વિશેષ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ચેકિંગ દરમિયાન કેટલાક રહેણાંક વિસ્‍તારોમાં પાણીની લાઇન પર ગેરકાયદેસર રીતે મોટર મુકીને પાણી ખેંચવામાં આવતું હોવાનું ધ્‍યાનમાં આવ્‍યું હતું. તપાસ દરમિયાન  ગીરનાર સોસાયટીના ગોવિંદભાઇ મનુભાઇ સબાડ, ગીરીશભાઇ કાલાભાઇ ટાટમીયા, પ્રફુલભાઇ ગોવિંદભાઇ ભરડવા દ્વારા જાહેર પાણી વિતરણ વ્‍યવસ્‍થામાં અવરોધ ઉભો કરી ગેરકાયદેસર રીતે મોટર વડે પાણી ખેંચવામાં આવતું હોવાનું માલુમ પડતાં મહાનગરપાલિકા દ્વારા તેઓ સામે કાર્યવાહી હાથ ધરી કુલ રૂ. ૨,૦૦૦/-નો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્‍યો હતો.

મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે પાણી વિતરણ દરમિયાન મોટર, પંપ અથવા અન્‍ય કોઈપણ સાધન દ્વારા ગેરકાયદેસર રીતે પાણી ખેંચવાની પ્રવળત્તિઓથી દૂર રહેવું. આવી પ્રવળત્તિઓના કારણે આસપાસના વિસ્‍તારોમાં પાણીનું દબાણ ઘટે છે અને અન્‍ય નાગરિકોના હક્કના પાણી પુરવઠા પર અસર થાય છે.

પાણી અંગે ગત જનરલ બોર્ડમાં સભ્‍યો દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોમાં પાણીનું ઓછું પ્રેશર, અપૂરતો પાણી પુરવઠો, ગંદા પાણીની કરિયાદો તેમજ વાલ્‍વમેન સંબંધિત પ્રશ્નો રજૂ કરવામાં આવ્‍યા હતા. તે અનુસંધાને મ્‍યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં વિશેષ અભિયાન હાથ ધરી પાણી વિતરણ વ્‍યવસ્‍થાને વધુ સુદ્રઢ, પારદર્શક અને જવાબદાર બનાવવા માટે નીચે મુજબની કામગીરી કરવામાં આવી છે તેમજ દરેક વોડમાં નાયબ કાર્યપાલક ઇજનેરની માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો બનાવી પાણી વિતરણનાં સમય દરમિયાન લગત વિસ્‍તારોમાં ડાયરેક્‍ટર પમ્‍પીંગ, પાણીનો ફોર્સ, પાણીની ગુણવતા, ગેરકાયદેસર કનેકશન, પાણીનો વેડફાટ બાબતે સધન ચેકીંગની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.

જે દરમિયાન મુખ્‍યત્‍વે અત્‍યાર સુધીમાં સમગ્ર શહેરમાં ૫,૮૪૮ મિલકતોની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવી છે. પાણી પુરવઠાને અસર કરતી ડાયરેક્‍ટ પમ્‍પિંગની ૧૦ ઘટનાઓ સામે નોટિસો આપવામાં આવી છે તથા નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

અનધિકળત રીતે વાલ્‍વ સંચાલન અટકાવવા માટે વાલ્‍વની ચાવીઓ મહાનગરપાલિકામાં જમા કરાવવા અંગે અંદાજીત ૧,૦૯૭ નોટિસો આપવામાં આવી છે.(૬.

(2:40 PM IST)