News of Thursday, 23rd April 2026
હર્ષ સંઘવીની રેલી માટે વોર્ડ નં.૭ સજ્જઃ કેસરીયો માહોલ
યુવાનો સાફા અને મહિલાઓ કેસરી સાડીમાં રેલીમાં જોડાશેઃ નાસિક ઢોલ, રાસ મંડળીની જમાવટ થશે : આકર્ષક પ્રવેશદ્વાર અને સાંસ્કૃતિક રમઝટથી માર્ગ બનશે ઉત્સવમયઃ ૧૨ હજાર પાણીની બોટલનું વિતરણ કરાશેઃ ૭૨ ઉમેદવારો રહેશે ઉપસ્થિત

રાજકોટઃ ગુજરાતના ઉપમુખ્યમંત્રી અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની રેલીના માર્ગને વોર્ડ નં. ૭ ના સમર્પિત કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય રીતે સજાવવામાં આવ્યો છે. સમગ્ર માર્ગ પર ભાજપના ધ્વજો લહેરાઈ રહ્યા છે, રેલીના માર્ગ પર કેન્દ્રના ભાજપ નેતાઓની આકર્ષક બોક્સ ડિઝાઇન સ્થાપવામાં આવી છે, તેમજ ૧૧ સુંદર પ્રવેશ દ્વારો દ્વારા સ્વાગતની ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. આ રેલીને ઉત્સવમય બનાવવા માટે નાસિક ઢોલના ગુંજતા તાલ, રંગીન રાસ મંડળીનું પ્રદર્શન અને ધમાલ ગ્રુપના ઉર્જાસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેની સાથે સજાવટ કરેલી છત્રીઓ પણ ખાસ આકર્ષણ જમાવશે.
રાજકોટની વર્તમાન ગરમીને ધ્યાનમાં રાખીને, રેલીમાં હાજર રહેનારા તમામ લોકો માટે પીવાના પાણીની સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર માર્ગ પર યોગ્ય અંતરે આશરે ૧૨,૦૦૦ પીવાના પાણીની બોટલોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી નાગરિકોને કોઈ તકલીફ ન પડે.
આ ભવ્ય રેલીમાં રાજકોટ શહેર ભાજપના હોદ્દેદારો, આગેવાનો, વડીલો, યુવાનો અને બહેનો મોટી સંખ્યામાં જોડાશે. આ પ્રસંગે અનેક યુવાનો કેસરીયો સાફો પહેરીને જ્યારે બહેનો કેસરી સાડીમાં ભાગ લેશે, જે એક આગવું આકર્ષણ બનશે. આ રેલીમાં ભારતીય જનતા કોર્પોરેશન પક્ષના ૭૨ ઉમેદવારો પણ ઉપસ્થિત રહેશે. આ સમગ્ર ભવ્ય આયોજન શ્રી દેવાંગભાઈ માંકડ(પૂર્વ કોર્પોરેટર, શ્રી પંચનાથ હોસ્પિટલના પ્રમુખ)ના માર્ગદર્શન હેઠળ ૪૭ સભ્યોની એક સમર્પિત ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે.
આ આયોજનને યાદગાર બનાવવા માટે શ્રી કૌશિકભાઈ ચાવડા (શહેર ભાજપ ઉપપ્રમુખ), શ્રી સંદીપભાઈ ડોડીયા, શ્રી મનીષભાઈ ચન્દીરામાની, શ્રી અનિરુદ્ધ વાળા, શ્રી મૌલિક પઢીયાર, શ્રી રોહિતભાઈ થાપા, શ્રી મોહિતભાઈ ગણાત્રા, શ્રી મોહિલભાઈ ભીમજીયાણી, શ્રી પાર્થભાઈ ચૌહાણ, શ્રી નિકુંજભાઈ વૈદ્ય, શ્રી વર્શીતભાઈ મોરજરીયા, શ્રી અશોભાઈ સામાણી, શ્રી લલીતભાઈ પરમાર, શ્રી વિશાલભાઈ જાદવ, શ્રી કિશનભાઈ ભટ્ટ, અને શ્રી ભાગ્યેશભાઈ શાહનો વિશેષ ફાળો રહ્યો છે.
(2:40 PM IST)










