News of Thursday, 1st October 2026
પૂ.માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસાસને રીબડા SGVP ગુરુકુલમાં ભક્તિસત્ર-૭
તા.૩ થી ૭ ઓક્ટોબર સુધી ભક્તિ, સેવા, સંસ્કાર અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો મહાસંગમઃ પૂ. બાલકૃષ્ણદાસજી સ્વામીનું દિવ્ય સાંનિધ્ય પ્રાપ્ત થશે : પોથીયાત્રા, નીલકંઠ કથા, દિવ્યાંગ સેવા યજ્ઞ, મેડિકલ કેમ્પ, ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન, રાસોત્સવ અને હિતેશ અંટાળાના હાસ્ય દરબાર સહિત વિવિધ કાર્યક્રમો : આ ભક્તિસત્રનો મુખ્ય સંદેશો-ભક્તિ, સંસ્કાર, સેવા અને સત્સંગને સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો છેઃ પૂ.ધર્મવત્સલદાસજી સ્વામી

રાજકોટ,તા.૧ફ રાજકોટ-ગોંડલ હાઈવે પર આવેલા વિશ્વ પ્રસિદ્ધ SGVP ગુરુકુલ, રીબડા ખાતે આગામી તા. ૩ થી ૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ભવ્ય ભક્તિસત્ર-૭ નું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી નીલકંઠ કથા, સંતોનું સાનિધ્ય, સેવા અને ગુરુકુલ પરંપરાનો પાંચ દિવસીય સંગમ એવા આ ભક્તિસત્રમાં ભક્તિ, સેવા, સંસ્કાર અને સત્સંગના ચાર સ્તંભોને સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
ગુરુકુલની સદીઓ જૂની સંત-શિષ્ય પરંપરા અને ભારતીય સંસ્કૃતિની ભાવનાને ઉજાગર કરતું આ ભક્તિસત્ર ગુરુકુલ પરિવાર માટે એક પર્વ બની રહેશે. લ્ઞ્સ્ભ્ ગુરુકુલ રીબડાના સંચાલક પૂ. ધર્મવત્સલદાસજી સ્વામીના માર્ગદર્શન અને આશીર્વાદ હેઠળ છેલ્લા કેટલાક મહિનાઓથી આ ભક્તિસત્રની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આ ભક્તિસત્રનું મુખ્ય આકર્ષણ શ્રી નીલકંઠ કથા રહેશે. દરરોજ સાંજે ૪:૩૦ કલાકે શ્રી નીલકંઠ કથા તથા સંહિતા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનું વક્તૃત્વ સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંત અને SGVP ગુરુકુલના પ્રેરણાષોત પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી દ્વારા કરવામાં આવશે. કથા દરમિયાન પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીનું દિવ્ય સાંનિધ્ય પણ ભક્તોને પ્રાપ્ત થશે. શ્રી નીલકંઠ વર્ણીના તપ, ત્યાગ અને સંઘર્ષમય જીવન પર આધારિત આ કથા આજના યુવાનોને સંસ્કાર અને સેવાનો માર્ગ બતાવશે.
ભક્તિસત્ર-૭ દરમિયાન પાંચે-પાંચ દિવસ વિવિધ ધાર્મિક, સેવાકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર રહેશે. પ્રથમ દિવસ તા. ૩ ઓક્ટોબરે ભવ્ય પોથીયાત્રા સાથે ભક્તિસત્રનો શુભારંભ થશે. આ દિવસે શ્રી નીલકંઠ કથાનો પ્રારંભ થશે અને સાથે જ દિવ્ય બલસારી તથા ભૂતેવોના પૂજન-અર્ચનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બાળકોને સંસ્કારનું સિચન કરતી બલસારી અને વડીલોનું સન્માન કરતી ભૂતેવો પૂજન ગુરુકુલની વિશેષ પરંપરા છે.
બીજા દિવસે તા. ૪ ઓક્ટોબરે સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન છે. આ દિવસે દિવ્યાંગ સેવા યજ્ઞ યોજાશે, જેમાં દિવ્યાંગ બાળકોને સહાય અને સન્માન આપવામાં આવશે. સાથે જ સર્વરોગ નિદાન નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને મળશે.
ત્રીજા દિવસે તા. ૫ ઓક્ટોબરે ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનનું આયોજન છે. SGVP ગુરુકુલમાં અભ્યાસ કરીને દેશ-વિદેશમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન પૂર્વ વિદ્યાર્થીઓ પોતાની ગુરુકુલની યાદો તાજી કરશે. આ જ દિવસે પિતૃઓના મોક્ષાર્થે શ્રાદ્ધપર્વનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ચોથા દિવસે તા. ૬ ઓક્ટોબરે ભક્તિ અને સંસ્કૃતિનો સમન્વય જોવા મળશે. આ દિવસે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુરુકુલના ઋષિકુમારો દ્વારા રાસની પ્રસ્તુતિ કરવામાં આવશે. રાત્રે એકાદશી જાગરણનું પણ આયોજન છે.
પાંચમા અને અંતિમ દિવસે તા. ૭ ઓક્ટોબરે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકડાયરામાં ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર અને હાસ્ય કલાકાર શ્રી હિતેશભાઈ અંટાળા પોતાની આગવી શૈલીમાં હાસ્ય દરબાર રજૂ કરશે. આ કાર્યક્રમ રાત્રે ૯:૩૦ કલાકે યોજાશે.
આ ઉપરાંત સમગ્ર ભક્તિસત્ર દરમિયાન દરરોજ સવારે ૮:૩૦ કલાકથી પધરામણી પર્વ તથા શ્રી વિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાગમાં દેશની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવશે.
આ ભક્તિસત્રનો મુખ્ય સંદેશો - ભક્તિ, સંસ્કાર, સેવા અને સત્સંગને સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો છે. હરિભક્તો, વાલીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા સૌ ભાવિકજનોને પરિવાર સાથે આ પાવન પ્રસંગનો લાભ લેવા માટે SGVPગુરુકુલ પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે મો.૯૮૭૯૦ ૦૦૯૫૫ ઉપર સંપર્ક કરી શકાય છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાને પાંચ દિવસીય ભક્તિસત્ર-૭નું આમંત્રણ આપતા પૂ.ધર્મવત્સલદાસજી સ્વામી અને પૂ.વેદાંત સ્વામી નજરે પડે છે. આ હિમાચલના શ્રી યોગેશભાઈ જોશી પણ ઉપસ્થિત છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:20 PM IST)










