<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

દેવરાજીયાના વિશાલને બાબરાના બસ સ્‍ટેશન પાસે કુટુંબી કાકાએ ધારીયુ માર્યુ

ભાઇ સાથે બાબરા લગ્ન પ્રસંગમાં આવ્‍યો હતોઃ જુના મનદુઃખને લીધે લાઠીના દુધાલાબાઇ ગામના મધુભાઇએ અચાનક આવી હુમલો કર્યોઃ રાજકોટ સારવાર માટે ખસેડાયો

રાજકોટ તા. ૨૨: અમરેલીથી પંદરેક કિલોમીટર દૂર આવેલા બાબરા તાબેના દેવરાજીયા ગામના યુવાન પર બાબરાના બસ સ્‍ટેશન પાસે લાઠીના દુધાલાબાઇ ગામે રહેતાં તેના કુટુંબી કાકાએ ધારીયાથી  હુમલો કરી ઘા મારી દેતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. આ યુવાન ભાઇ સાથે બાબરા ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્‍યો હતો. જુના મનદુઃખનો ખાર રાખી કુટુંબી કાકા તૂટી પડયાનું જણાવાયું હતું.

જાણવા મળ્‍યા મુજબ બાબરાના દેવરાજીયા ગામે રહેતો મુળ દુધાલાબાઇ ગામનો વતની વિશાલ બધાભાઇ ગોહેલ (ઉ.વ.૨૪) ગઇકાલે બાબરામાં નાના બસ સ્‍ટેશન પાસે હતો ત્‍યારે તેના કુટુંબી કાકા મધુભાઇ જગાભાઇ ગોહેલ ધસી આવી ધારીયાથી હુમલો કર્યો હતો. વિશાલે માથામાં થઇ રહેલો ધારીયાનો ઘા રોકવા હાથ આડો રાખતાં હાથમાં ગંભીર ઇજા થઇ હતી. તેમજ વાંસામાં પણ ઇજા પહોંચી હતી.  દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં હુમલાખોર મધુભાઇ ભાગી ગયો હતો.

વિશાલને લોહીલુહાણ  હાલતમાં બાબરાની હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બાબરા પોલીસને જાણ કરી હતી. પીએસઆઇ કે. એસ. ડાંગરે વિશાલની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો છે. વિશાલ બે ભાઇ અને એક બહેનમાં નાનો અને પરિણીત છે. તેને સંતાનમાં એક દિકરો છે. પોતે કડીયા કામ કરી ગુજરાન ચલાવે છે. વર્ષ ૨૦૨૨માં વિશાલને કુટુંબી કાકા મધુભાઇ સાથે માથાકુટ થઇ હતી. ત્‍યારે સામ-સામી ફરિયાદ થતાં વિશાલ જેલમાં પણ ગયો હતો. એ પછી વિશાલના કુટુંબી કાકી એટલે કે મધુભાઇના પત્‍નિએ આપઘાત કરતાં કાકા મધુભાઇ સતત વિશાલને સતત એવુ કહેતાં કે તારા કારણે મારી ઘરવાળીનું મૃત્‍યુ છે, તને તો મારી જ નાખવો છે. આ વાતે મનદુઃખ ચાલતું હોઇ ગઇકાલે બંને લગ્ન પ્રસંગમાં બાબરામાં ભેગા થઇ જતાં માથાકુટ થઇ હતી.

(12:29 PM IST)