News of Friday, 23rd October 2026
દારૂ ઢીંચીને પોલીસ મથકમાં આવેલા વિનોદનો ‘નશો' પોલીસે ઉતારી નાખ્યો
પરીચિત સાથે રજુઆત કરવા આવી બુમાબુમ કરી મુકતા બી ડીવીઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરી કાર્યવાહી

રાજકોટ તા. ર૩: રાજકોટમાં બી ડીવીઝન પોલીસ મથકમાં અન્ય પરીચીત સાથે રજુઆત કરવા ગયેલાં શખ્સે બુમાબુમ કરતા હાજર પોલીસ સ્ટાફે તેની પુછતાછ કરી હતી. જેમાં તે દારૂ પીધેલી હાલતમાં જણાતા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી ‘નશો' ઉતારી નાખ્યો હતો.
આ ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ બી ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ એમ. આઇ. શેખ કોન્સ. બાવલભાઇ પરનાળીયા સહિતનો સ્ટાફ ગઇકાલે રાત્રે ૮ વાગ્યાથી આજે સવારે ૮ વાગ્યા સુધી ઇન્વે નોકરીમાં ફરજ પર હતો. આ સમયે રાત્રે પોણા બારેક વાગ્યાની આસપાસ એક શખ્સ પોલીસ મથકના ગ્રાઉન્ડ ફલોર પર આવી બુમો પાડી જેમ ફાવે તેમ બોલી ધમાલ મચાવતા પોલીસ સ્ટાફે તેની પાસે જઇ પુછતાછ કરતાં પોતાનું નામ વિનોદ નારણભાઇ પરમાર (ઉ.વ. ૪પ, રહે. રપ ચોરસ મીટર પ્લોટ, થોરાળા પેટ્રોલ પંપ પાસે, ભાવનગર રોડ) હોવાનું જણાવ્યું હતું. તે દારૂ પીધેલી હાલતમાં હોવાથી પોલીસે તેની સામે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો દાખલ કરી ‘કડક' ભાષામાં કાયદાનું ભાન કરાવ્યું હતું.
વિનોદ પરમાર ગાડી લે-વેચનો ધંધો કરે છે. તે અન્ય કોઇ પરિચિત સાથે પોલીસ મથકે રજુઆત કરવા આવ્યો હતો આ સમયે પોલીસ મથકમાં બુમાબુમ કરી ઉંચા અવાજે બોલવા લાગ્યો હતો. પોલીસને શંકા જતા તપાસ કરતા તે દારૂ પીધેલી હાલતમાં જણાતા કાર્યવાહી કરી હતી
(2:31 PM IST)










