તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Wednesday, 3rd June 2026
વાવડીમાં કંપનીના ક્વાર્ટરમાં યુપીના સોનુ કુમારનો ફાંસો ખાઇ આપઘાત
કામેથી વહેલો રૂમે આવી ગયો હતોઃ અન્ય કર્મચારી પાણી પીવા માટે આવતાં ઘટનાની જાણ થઇઃ પત્નિ ડિલીવરી કરવા વતન ગઇ હોઇ એકલો રહેતો હતો

રાજકોટ તા. ૩: ગોંડલ રોડ પર વાવડીમાં આવેલી કંપનીમાં નોકરી કરતાં અને ત્યાંના ક્વાર્ટરમાં રહેતાં મુળ યુપીના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં સાથી મજુરોમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ વાવડીમાં આવેલી ડી-ફાઇન કંપની પાસે ક્વાર્ટરમાં રહેતો સોનુકુમાર શ્રીરામબચ્ચન ચોૈહાણ (ઉ.વ.૨૫) ગઇકાલે કામેથી વહેલો રૂમ પર આવી ગયો હતો. એ પછી અન્ય એક કર્મચારી પાણી પીવા માટે રૂમ પર આવ્યો ત્યારે સોનુકુમાર લોખંડના એંગલમાં ગમછો બાંધી લટકતી હાલતમાં દેખાતાં તેણે બીજા કર્મચારીઓને જાણ કરી હતી અને ૧૦૮ બોલાવી હતી. જો કે તેના ઇએમટી ડો. અવિનાશ રાઠોડે સોનુકુમારને મૃત જાહેર કરતાં તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.
બનાવની જાણ થતાં એએસઆઇ સલિમભાઇ એમ. માડમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. આપઘાત કરનાર સોનુકુમાર બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો. તેના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતાં. હાલમાં પત્નિ ડિલીવરી કરવા વતન આસામ ગઇ હોઇ ત્યાં દિકરાનો જન્મ થયો હતો. સોનુકુમારે શા માટે આ પગલુ ભર્યુ? તે અંગે સાથી કર્મચારીઓને જાણ ન હોઇ તેના પરિવારજનોને પોલીસે જાણ કરી હતી.
(2:27 PM IST)










