News of Tuesday, 14th April 2026
‘નેહલ'ના અદ્વિતિય નિર્ણય સાથે પ્રદેશ ભાજપમાં સૌરાષ્ટ્રની નવી યુવા પાટીદાર નેતાગીરીનો જન્મ : છેલ્લી ઘડીએ તમામ કાવાદાવા નિષ્ફળ
સૌરાષ્ટ્રના ટોચના પાટીદાર યુવા નેતાએ પોતાના હાથમાં કમાન સંભાળી બાજી પલ્ટી નાખી !!! : સૌરાષ્ટ્રના ચાણક્ય ગણાતા કશ્યપ શુકલએ રાજય - કેન્દ્રની ટોચની નેતાગીરીને સમગ્ર પ્રકરણની જાણ કરી

રાજકોટ, તા. ૧૪ : વોર્ડ નં.૭માં એવું તો શું થયું કે છેલ્લી ઘડીએ ઉમેદવારનું નામ બદલી ગયુ અને તેજતર્રાર યુવા ભાજપ નેતા શ્રી નેહલ શુકલને ફરી ટીકીટ ફાળવવામાં આવી? આ સવાલ સહુના મનમાં વાગોળાઈ રહ્યો છે. તે સ્વાભાવિક છે.
ખૂબ જ ભરોસાપાત્ર ટોચના વર્તુળોના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના ઉભરતા યુવા પાટીદાર નેતા, જેને પાર્ટીએ ભવિષ્યમાં સમાજના આગેવાન તરીકે પ્રોજેકટ કરેલ છે. અને હાલમાં ગુજરાત ભાજપની અત્યંત મહત્વની જવાબદારી આપેલ છે તે નેતા, સૌરાષ્ટ્રના જૂના લોકો અને કાર્યકર્તાઓને માત્ર ગ્રુપીઝમ કરીને ભારો ભાર અન્યાય કર્યો છે, તેમને ન્યાય અપાવવા સક્રિય થયા છે.
સહુ કોઈ જાણે છે કે શહેર ભાજપની અનિચ્છા છતાં છેલ્લે સુધી વોર્ડ નં.૭માં પેનલમાં શ્રી નેહલ શુકલનું નામ મૂકવુ પડયુ. શહેર ભાજપના સત્તાધારી જૂથને, તેમની (નેહલની) સ્વચ્છ પ્રતિભાને લીધે પહેલેથી સખત વાંધો રહ્યો હતો. ભ્રષ્ટાચારી બાબતોમાં નેહલ શુકલએ કયારેય નમતુ જોખેલ નહિં તે કાંટાની જેમ ખૂંચતુ રહેલ.
મોટા ભાગનું શહેર ભાજપ સ્ટ્રેટજીના ભાગ રૂપે વિરોધમાં ગોઠવાઈ ગયેલ. સૌરાષ્ટ્ર જેને હવાલે કરાયેલ તેવા લેઉવા પાટીદાર અગ્રણીના નેતૃત્વમાં શહેર પ્રમુખ સહિતના વ્યૂહ ગોઠવવામાં લાગી ગયા હતા.
તમામ વિરોધમાં થઈ ગયેલ. પણ પાર્લામેન્ટરી બોર્ડમાં કશ્યપ શુકલના સંબંધો, તેમની કુનેહ અને શ્રી રૂપાલાજી, બંને પ્રદેશ મહામંત્રી, સૌરાષ્ટ્રના પ્રભારી મંત્રી સહિત બધાનું સમર્થન મળતા છેવટ સુધી થયેલા કાવાદાવા નિષ્ફળ ગયા અને નેહલ શુકલનું નામ સર્વાનુમતે સામેલ કરવુ પડેલ.
રાજકોટ માટેની પાર્લામેન્ટરી બોર્ડમાં નામ ફાઈનલ થઈ ગયેલ પરંતુ ગુજરાતની પાર્લામેન્ટરી બોર્ડની અંતિમ મીટીંગમાં ગત ટર્મમાં ભાજપની સૌરાષ્ટ્રની કમાન સંભાળનાર, સર્વેસર્વા ગણાવા લાગેલ પાટીદાર નેતાએ એડી ચોટીનું જોર લગાવી, તમામ પ્રયાસો કરી નેહલ શુકલનું નામ યાદીમાંથી કપાવી નાખવામાં સફળ રહ્યા અને આ કેમ્પમાં ખુશીનો માહોલ છવાઈ ગયેલ. રાત્રે ૮ાા વાગ્યે નામો જાહેર થયા ત્યારે નેહલનું નામ તેમાં જોવા ન મળ્યુ.
જેના પગલે આખા વોર્ડમાં આઘાતની લાગણી પ્રસરી ગઈ હતી. લગભગ તમામ નાના - મોટા કાર્યકરો, આગેવાનો હોદ્દા ફગાવવા તૈયાર થઈ ગયેલ. પેનલ નહિં ઉપડે સ્પષ્ટ વાત બહાર આવી.
ફરી સૌરાષ્ટ્રના રાજકારણના ચાણક્ય ગણાતા શ્રી કશ્યપ શુકલ ચિત્રમાં ઉપસી આવ્યા. દિલ્હી સુધી સાચી વાતની જાણ કરી.
બરાબર તાકાત લગાવી. ઉપરના ટોચના મોવડીઓ સુધી વાત પહોંચાડી કે જેણે ભ્રષ્ટાચાર વિરોધી અવાજ ઉઠાવેલ છે તેની ટીકીટ છેલ્લી ઘડીએ કાપી નાખવાથી મતદારોમાં સમાજમાં ખરાબ મેસેજ જશે.
આ વિષય હાથમાં લઈ સૌરાષ્ટ્રના યુવા ઉભરતા પાટીદાર નેતા જેમને અત્યારે ગુજરાત લેવલે ખૂબ મહત્વની જવાબદારી સોંપાઈ છે તેમણે કમર કસી પાર્ટીની રાજય અને કેન્દ્રની ટોચની નેતાગીરીને સમગ્ર ઘટનાની ગંભીરતા સમજાવી, જાણ કરી, કેવા કાવાદાવા રાજકોટથી પક્ષના ધુરંધરો દ્વારા રમાયા તેની જાણ કરી હોવાનું પણ આ વર્તુળો જણાવે છે.
અને ફોર્મ ભરવાના દિવસે તા. ૧૧ના સવારે ભાજપમાં અશકય ગણાય તેવો નિર્ણય આ યુવા પાટીદાર નેતાએ કરાવ્યો હોવાનું આ ટોચના વર્તુળો જણાવે છે.
સૌરાષ્ટ્ર માટે એક નવી જ પાવરફુલ નેતાગીરીનો ઉદય આ પ્રકરણથી થયો. ભાજપના અન્યાય મહેસુસ કરતા સન્નિષ્ઠ કાર્યકરોમાં એક નવુ જ આશાનું કિરણ જાગ્યુ છે.
આ પ્રકરણ સાથે સૌરાષ્ટ્રમાં એક નવી યુવા નેતાગીરીનો પ્રારંભ થયો છે.
અન્યાય પામેલ જૂના ભાજપના સન્નિષ્ઠ ભાજપના કાર્યકર્તાઓ જે સંપૂર્ણ અન્યાય મહેસુસ કરી રહ્યા હતા તેમના માટે નવા દ્વાર ખુલી ગયાનો અહેસાસ કરી રહ્યા છે.
(2:58 PM IST)










