News of Tuesday, 7th July 2026
પરસાણા પરિવારના કુળદેવીના મંદિરમાંથી ૧.૯૫ લાખના છત્તર, ચાંદીના ફળાની ચોરી
ગ્રીનલેન્ડ ચોકડી પાસે ગણેશ પાર્કમાં બનાવઃ બી-ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી : મંદિરની દેખરેખ રાખતાં ટપુભાઇ પરસાણા પાસેથી એક શખ્સ દર્શન કરવા માટે ચાવી લઇને ગયો પછી ચાવી પરત દેવા ન આવતાં તપાસ કરવા જતાં ચોરીની ખબર પડીઃ શકમંદની પુછતાછ

રાજકોટ તા. ૭: કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા પરસાણા પરિવારના કુળદેવીશ્રી બ્રહ્માણી માતાજીના મંદિરમાં ચાંદીનું છત્તર અને સૂરાપૂરાનું ચાંદીનું ફળુ કોઇ ચોરી જતાં પોલીસને જાણ કરવામાં આવી છે. મંદિરની દેખરેખ રાખતાં વ્યક્તિ પાસેથી એક શખ્સ દર્શન કરવા માટે મંદિરની ચાવી લઇને ગયા બાદ મોડે સુધી ચાવી પાછી દેવા ન આવતાં મંદિરે તપાસ કરવા જતાં ચોરી થયાની જાણ થઇ હતી. દર્શનાર્થીના સ્વાંગમાં આવેલા આ શખ્સ ચોરી કરી ગયાની શંકા સાથે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે નવાગામ આણંદપર ખોડીયાર પાર્ક-૫માં રહેતાં જસમતભાઇ દયાળજીભાઇ પરસાણા (ઉ.વ.૪૭)ની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જસમતભાઇ પરિવાર સાથે રહે છે અને ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે ગ્રીનલેન્ડ ચોકડી નજીક ગણેશ પાર્ક પૂનમ હોલવાળી શેરીમાં પરસાણા પરિવારના સૂરાપૂરા દાદાના મંદિરની બાજુમાં પરસાણા પરિવારના કુળદેવીશ્રી બ્રહ્માણી માતાજીનું મંદિર આવેલુ છે. આ મંદિરથી દેખરેખ અમારા કુટુંબી ટપુભાઇ પરસાણા રાખે છે. તા. ૫/૬ના બપોરે ત્રણેક વાગ્યે હું ગોંડલ હતો ત્યારે મને ટપુભાઇએ ફોન કરી જાણ કરી હતી કે બપોરે તેઓ ઘરે જમતાં હતાં ત્યારે એક ભાઇ મંદિરમાં માતાજીના દર્શન કરવા માટે મંદિરની ચાવી લેવા આવ્યા હતાં. તેઓ ઘણો સમય થવા છતાં ચાવી પરત દેવા ન આવતાં પોતે ત્યાં જઇને તપાસ કરતાં ચોરી થયાની ખબર પડી હતી.
મંદિરનો દરવાજો ખુલ્લો હતો અને અંદર જોતાં ચાંદીનું મોટુ છત્તર અને ખેતલાઆપાનું ફળુ ગાયબ હતાં. ટપુભાઇએ મને આ વાત કરતાં હું ગોંડલથી તરત જ રાજકોટ આવ્યો હતો અને માતાજીના મંદિર ખાતે ગયો હતો. અમારા પરિવારના રવિભાઇ અનિલભાઇ પરસાણા, પ્રવિણભાઇ રત્નાભાઇ પરસાણા સહિતના હાજર હતાં. અમે બધાએ મંદિરમાં તપાસ કરતાં ચાંદીનું મોટુ છત્તર અને ખેતલાઆપાનું ચાંદીનું ફળુ જે બંને મળી આશરે એક કિલો વજનના રૂા. ૧,૯૫,૦૦૦ના ગાયબ હતાં. ઘરમેળે તપાસ બાદ પોલીસને જાણ કરી હતી. પીઆઇ જી. આર. ચોૈહાણની રાહબરીમાં પીએસઆઇ જે. આર. સોલંકીએ ગુનો દાખલ કર્યો હતો.
દરમિયાન ડી. સ્ટાફના પીએસઆઇ એન. આર. ડોબરીયા, હેડકોન્સ. ક્રિપાલસિંહ જાડેજા, નરેશભાઇ ચાવડા, મેહુલભાઇ પંડયા, કોન. દિલીપભાઇ ખાંભરા, હાર્દિકભાઇ ગાજીપરા, જગમાલભાઇ જાદવ, સુખદેવભાઇ દાંતી, નિરલભાઇ ધડુકે તપાસ શરૂ કરી બાતમીના આધારે પેડક રોડ પર રહેતાં એક શખ્સને સકંજામાં લઇ પુછતાછ કરતાં ચોરીનો ગુનો ઉકેલાઇ ગયો છે. આ શખ્સને ઘરમાંથી કાઢી મુકાયો હોઇ અવળા રવાડે ચડી ગયો હોઇ પૈસાની ખેંચ ઉભી થતાં મંદિરમાં દર્શનના બહાને ચોરી કર્યાનું રટણ કર્યુ હોઇ વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.
(3:46 PM IST)










