તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Thursday, 24th September 2026
ક્રિકેટ રમાડવાની ના કહેતાં ૧૦ વર્ષના જયેશને બે શખ્સે ઉઠાવી ઘરમાં લઇ જઇ તાવીથાથી ડામ દીધા!
નવઘણે પોતાને એક બોલ રમાડવાનું કહેતાં જયેશે ના કહી દીધીઃ આથી તેને ઉઠાવી હાર્દિકના ઘરમાં લઇ ગયા : પુનિતનગર પાસે વિશ્વકર્મા સોસાયટીમાં બનાવઃ ત્રણ મહિના પહેલાની ઘટનામાં સમાધાન ન થતાં તાલુકા પોલીસમાં મુળ અમદાવાદના નવઘણ કુંવરીયા અને પુનિતનગર વિશ્વકર્મા સોસાયટીના હાર્દિક કુંવરીયા વિરૂધ્ધ ગુનો દાખલ

રાજકોટ તા. ૨૪: રાજકોટ તા. ૨૪: શહેરના પુનીતનગર વિસ્તારમાં શેરીમાં ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતમાં તકરાર થતાં ૧૦ વર્ષના સગીર બાળકનું અપહરણ કરી તેને નજકીના ઘરમાં બે છોકરાઓએ લઇ જઇ ગરમ તાવીથાથી છાતીમાં ચાર ડામ આપી દઝાડી દેતાં ચકચાર જાગી છે. બનાવ ત્રણ મહિના પહેલા બન્યો હતો. ઘરમેળે સમાધાનની વાત ચાલતી હોઇ જે ન થતાં હવે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
આ બનાવમાં તાલુકા પોલીસે ગોંડલ રોડ પુનિતનગર પાણીના ટાંકાની સામે વિશ્વકર્મા સોસાયટી શેરી નં. ૨૦માં જય ભગવતી કૃપા મકાન ખાતે રહેતાં મુળ પાટણ જીલ્લાના શંખેશ્વરના કુંવર ગામના વતની નીતાબેન રાકેશભાઇ કુવરીયા-દેવીપૂજક (ઉ.વ.૩૧)ની ફરિયાદ પરથી મુળ અમદાવાદના હાલ વિશ્વકર્મામાં રહેતાં નવઘણ જીલુભાઇ કુંવરીયા અને હાર્દિક મહેશભાઇ કુંવરીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
નીતાબેન પતિ રાકેશભાઇ અને બે દિદરા, એક દિકરી સાથે રહે છે. તેના પતિ ભંગારનું કામ કરે છે. સાથે દિયર, દેરાણી, સાસુ સસરા પણ સંયુક્ત પરિવારમાં રહે છે. નીતાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે ૭/૬ના સવારે સાતેક વાગ્યે મારા બંને દિકરા જયેશ (ઉ.વ.૧૧) અને જયદિપ (ઉ.વ.૧૧) શાળાએ ભણવા માટે ગયા હતાં. બપોરે સાડાબારેક વાગ્યે બંને છુટીને ઘરે આવ્યા હતાં અને બે વાગ્યે જમીને ફરી સ્કૂલમાં ટયુશન ક્લાસમાં ગયા હતાં. સાંજે છએક વાગ્યે છુટીને ઘરે આવી ગયા હતાં. આ પછી સાતેક વાગ્યે મારો દિકરો જયેશ શેરીમાં છોકરાઓ સાથે ક્રિકેટ રમવા ગયો હતો.
તે સાંજે આઠેક વાગ્યે રીમને પરત ઘરે આવી ગયો હતો. જો કે તે જમ્યા વગર માત્ર દુધ પીને સુઇ ગયો હતો. સવારે સ્કૂલે જવાનું હોઇ કપડા બદલતી વખતે મેં તેના પેટના ભાગે ચાર ડામના નિશાન જોતાં તેને પુછતાં તેણે કહ્યું હતું કે સાંજે હું અને દિવ્યછેશ શેરીમાં ક્રિકેટ રમતાં હતાં ત્યારે નવઘણ અને હાર્દિક આવ્યા હતાં. આ વખતે નવઘણે કહેલુ કે મને ક્રિકેટનો એક બોલ રમવા દે. જેથી મેં ના પાડતાં નવઘણે મને બે પગની વચ્ચે દબાવી દીધો હતો. હાર્દિકે કહેલું કે આને મારા ઘરે લઇ લે. જેથી નવઘણ અ મને ઉંચકીને હાર્દિકના ઘરે લઇ ગયો હતો. જ્યાં હાર્દિકે તાવીથો ગરમ કર્યો હતો અને મને છાતીના ભાગે ચાર ડામ દઇ દીધા હતાં. મેં રાડારાડ કરતાં મને મુકી દેતાં હું ભાગીને ઘરે આવી ગયો હતો. આ પછી મેં દિકરા જયેશને સ્કૂલે મોકલી દીધો હતો. બાદમાં તે શાળાઅથી છુટીને આવતાં હું તેને સારવાર માટે ઘર નજીક દવાખાને લઇ ગઇ હતી. જ્યાં ડોક્ટરે ડામ ઉપર લગાડવાની ટયુબ આપી હતી. આ પછી મેં ઘરમાં વાત કરતાં મારા સસરા રતિલાલે હાર્દિક અને નવઘણના માતા-પિતાને અમારી ઘરે બોલાવ્યા હતાં અને સમાધાનની વાતચીત કરી હતી. જેથી અમે ફરિયાદ કરી નહોતી. પણ હવે સમાધાન ન થતાં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. તેમ વધુમાં નીતાબેને જણાવતાં તાલુકા પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એ. બી. ચોૈધરીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:52 PM IST)










