News of Saturday, 25th July 2026
પતિ સાથે ઝઘડો થતાં બે પરિણીતાએ ફિનાઇલ અને ઉંદર મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો
એક બનાવમાં પત્નિ સાથેના કલેશને કારણે પતિએ ઝેર પીધું: સંગીતા પાર્કના શ્રધ્ધાબેન, વાજડીના રીમાબેન અને ભારતનગરના વિજયભાઇ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૫: આપઘાતના પ્રયાસના અલગ અલગ ત્રણ બનાવ બનતાં બે પરિણીતા અને એક યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં એક પરિણીતાને પતિ સંતાન ન થતો હોવાથી ત્રાસ આપતો હોઇ તેણીએ ફિનાઇલ પીધુ હતું. બીજી પરિણીતાને કામે જવા મામલે પતિ સાથે ચડભડ થતા ઉંદર મારવાની દવા પી ગઇ હતી. તો એક બનાવમાં એક યુવાન પતિ સાથે માથાકુટ થતાં ઝેરી દવા પી ગયો હતો.
જાણવા મળ્યા મુજબ મોરબી રોડ જકાતનાકા પાસે સંગીતા પાર્કમાં રહેતી શ્રધ્ધાબેન મયુરભાઇ સાંકળીયા (ઉ.વ.૨૯) નામની પરિણીતાએ ફિનાઇલ પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. તેણીએ કહ્યું હતું કે તેના લગ્ન મયુર સાંકળીયા સાથે પાંચ વર્ષ પહેલા થયા છે. પતિ ઇમિટેશનનું કામ કરે છે. પોતાને લગ્નજીવન દરમિયાન સંતાન પ્રપ્તિ ન થતાં પતિએ છુટાછેડા માંગી હેરાન કરવાનું ચાલુ કરતાં અને ગત સાંજે પણ ઝઘડો કરી ઘરમાંથી નીકળી જવાનું કહેતાં પોતે ફિનાઇલ પી ગઇ હતી. તેણીના આક્ષેપો અંગે પોલીસ તપાસ કરી રહી છે.
બીજા બનાવમાં મેટોડાના વાજડીમાં રહેતી રીમાબેન સોનુ પ્રજાપતિ (ઉ.વ.૩૨) ઉંદર મારવાની દવા પી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં મેટોડા પોલીસને જાણ કરાઇ હતી. તેણીને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. પતિ કંપનીમાં કામ કરે છે. પોતે પણ અગાઉ કામ કરતી હતી. ફરી તેને કામે જવું હોઇ પતિએ બાળકોનું ધ્યાન રાખવા અને કામે નહિ જવા બાબતે સમજાવતાં ચડભડ થતાં આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.
ત્રીજા બનાવમાં અમુલ સર્કલ નજીક આજીડેમ ચોકડી પાસે ભારતનગરમાં રહેતાં મુળ મોરબીના વિજયભાઇ મનુભાઇ પેથાણી (ઉ.વ.૩૫) નામના યુવાને ઝેરી દવા પી લેતાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. વિજયભાઇ એક બહેનથી મોટા છે અને સંતાનમાં એક દિકરો છે. પોતે અઢી મહિના પહેલા જ મોરબીથી રાજકોટ રહેવા આવ્યા છે. હાલમાં જ્યુબીલી બાગ પાસે ફ્રુટ વેંચી ગુજરાન ચલાવે છે. તેણે પત્નિ સાથે કલેશ ચાલતો હોઇ પગલુ ભર્યાનું કહ્યું હતું અને પત્નિ વિરૂધ્ધ આક્ષેપો કર્યા હતાં. જો કે પત્નિએ પણ પતિ ખોટુ બોલતો હોવાનું કહ્યુ઼ હતું. ખરેખર કયા કારણે વિજયભાઇએ પગલુ ભયુ? તેની તપાસ પોલીસ કરી રહી છે
(2:23 PM IST)










