<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

૧.૪૫ લાખ આદિવાસી ગામોના ઉત્‍થાન માટે ‘આદિવાસી સંસ્‍કૃતિ દર્શન અને ઉત્‍થાન યાત્રા'

મનસુખભાઈ સુવાગીયાની આગેવાનીમાં ૧૯ થી ૩૧ મે સુધી ૪ રાજ્‍યોમાં ફરશે યાત્રાઃ ધર્માંતરણ, નક્‍સલવાદ અને વ્‍યસન મુક્‍તિ માટે ૫૦૦૦ સંકલ્‍પ પત્રો અપાશે : આદિવાસી ભાઈ-બહેનોને દેશી ગાયનું દૂધ-ઘી વાપરવા, કેમિકલયુક્‍ત ખેતી ટાળવા, સફેદ ખાંડ, સફેદ ગોળ અને બીટી કપાસિયા તેલનો સંપૂર્ણ ત્‍યાગ કરવા સમજાવવામાં આવશે : સૂર્યાસ્‍ત સમયે અચૂક ભોજન લેવા, દાંતની આજીવન સુરક્ષા માટે લીમડા, પીપળા કે વડનું દાતણ કરવા અને રાત્રે ૧૦:૩૦ સુધીમાં ડી.જે. કે ફટાકડાના ઘોંઘાટ વિના સૂઈ જવા અપીલ કરાઈ

રાજકોટઃ જળક્રાંતિ ટ્રસ્‍ટ, રાજકોટના પ્રમુખ શ્રી મનસુખભાઈ સુવાગીયા (મો.૯૪૨૬૨ ૫૧૩૦૧) એ આદિવાસી વિસ્‍તારોની દયનીય સ્‍થિતિ વર્ણવી છે. આઝાદીના ૭૮ વર્ષ પછી પણ પાયાની સુવિધાઓથી વંચિત અને ધર્માંતરણ-નક્‍સલવાદ જેવી સમસ્‍યાઓથી ઘેરાયેલા આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે મંગળવાર તા. ૧૯ થી ૩૧ મે, ૨૦૨૬ દરમિયાન ચાર રાજ્‍યોમાં ‘આદિવાસી સંસ્‍કૃતિ દર્શન અને ઉત્‍થાન યાત્રા'નું આયોજન કરાયું છે. ભેખડિયા અને જામલી ગામની સફળતાના આધારે અન્‍ય ૧૧૧ ગામોને ‘દિવ્‍યગ્રામ' બનાવવાનો લક્ષ્યાંક હોવાનું ટ્રસ્‍ટની યાદીમાં જણાવાયું છે.

ભારતની આઝાદીના ૭૮ વર્ષ બાદ પણ દેશના ૧ લાખ ૪૫ હજાર આદિવાસી ગામોની સ્‍થિતિ અત્‍યંત કરુણ છે. સિચાઈ અને વીજળીના અભાવે તેમજ ભયાનક જળસંકટના કારણે નર્મદા કિનારાના ૧૦૦૦ ગામોના લોકો ઊંડી ખીણમાંથી પાણી લાવવા મજબૂર છે. આ ગરીબી અને નિરક્ષરતાના કારણે એક કરોડથી વધુ આદિવાસીઓ મજૂરી માટે ગુજરાત અને સુરત સ્‍થળાંતર કરે છે. આ પરિસ્‍થિતિનો ગેરલાભ લઈને પાંચ કરોડ જેટલા આદિવાસીઓનું ધર્માંતરણ કરવામાં આવ્‍યું છે અને 'એ.સી. ભારત' જેવા નક્‍સલવાદથી પણ ભયાનક દેશવિરોધી સંગઠનો સક્રિય થયા છે. દારૂ, તમાકુ, માસિક ૧૦ થી ૧૫ ટકા વ્‍યાજ, શિકાર અને અંધશ્રદ્ધા જેવી સમસ્‍યાઓએ પણ આ સમાજને બાનમાં લીધો છે.

આ ગંભીર સમસ્‍યાઓના કાયમી નિવારણ માટે જળક્રાંતિ ટ્રસ્‍ટ, રાજકોટના પ્રમુખ શ્રી મનસુખભાઈ સુવાગીયા દ્વારા ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. ટ્રસ્‍ટે ગુજરાતના છોટાઉદેપુર જિલ્‍લાના ભેખડિયા અને મધ્‍યપ્રદેશના જામલી ગામમાં ૧૦૦ ચેકડેમ-તળાવ બનાવી કૃષિ વિકાસ દ્વારા આવકમાં પાંચ થી દસ ગણો વધારો કર્યો છે. આ ગામોને સંપૂર્ણ વ્‍યસનમુક્‍ત અને રાષ્ટ્રભક્‍ત બનાવી ભારતના પ્રથમ 'દિવ્‍યગ્રામ' બનાવ્‍યા હોવાનો પણ ટ્રસ્‍ટ દાવો કર્યો છે.

આ સફળ મોડલને અન્‍ય ગામો સુધી પહોંચાડવા માટે ૧૯/૫/૨૦૨૬ થી ૩૧/૫/૨૦૨૬ સુધી 'આદિવાસી સંસ્‍કૃતિ દર્શન અને ઉત્‍થાન યાત્રા'નું આયોજન કરાયું છે. આ ૧૩ દિવસની યાત્રા ગુજરાત, રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ અને મહારાષ્ટ્રના ૧૧ જિલ્‍લાઓ (પંચમહાલ, દાહોદ, ડુંગરપુર, બાંસવાડા, રતલામ, જાબુઆ, આલીરાજપુર, બડવાની, નંદુરબાર, નર્મદા, છોટાઉદેપુર) માં ફરશે અને ૨૬ સંમેલનો યોજશે. જેમાં ૫૦૦૦ સંકલ્‍પ પત્રોનું વિતરણ કરી આદિવાસીઓને સનાતન ધર્મ, રાષ્ટ્રભક્‍તિ અને વ્‍યસનમુક્‍તિના શપથ લેવડાવાશે અને ૧૧૧ ગામોને દિવ્‍યગ્રામ બનાવવામાં આવશે તેમ શ્રી સુવાગીયા જણાવે છે.

દિવ્‍યગ્રામ માટેના મુખ્‍ય સંકલ્‍પો અને આચારસંહિતાઃ ટ્રસ્‍ટ દ્વારા માનવ અસ્‍તિત્‍વના પાંચ સ્‍વરૂપો (શરીર, મન, હૃદય, બુદ્ધિ અને આત્‍મા) ની શુદ્ધિ પર ભાર મુકાયો છે. આદિવાસી ભાઈ-બહેનોને દેશી ગાયનું દૂધ-ઘી વાપરવા, કેમિકલયુક્‍ત ખેતી ટાળવા, સફેદ ખાંડ, સફેદ ગોળ અને બીટી કપાસિયા તેલનો સંપૂર્ણ ત્‍યાગ કરવા સમજાવવામાં આવશે. સૂર્યાસ્‍ત સમયે અચૂક ભોજન લેવા, દાંતની આજીવન સુરક્ષા માટે લીમડા, પીપળા કે વડનું દાતણ કરવા અને રાત્રે ૧૦:૩૦ સુધીમાં ડી.જે. કે ફટાકડાના ઘોંઘાટ વિના સૂઈ જવા અપીલ કરાઈ છે.

આ ઉપરાંત, વેદ-શાષો, રામાયણ, ગીતાનો અભ્‍યાસ કરવા તેમજ શિવ, અન્નપૂર્ણા, શ્રીરામ, હનુમાનજી, શ્રીકૃષ્‍ણ, શિવાજી અને બીરસા મુંડાના માર્ગે ચાલીને આદર્શ, પ્રકૃતિરક્ષક અને રાષ્ટ્રભક્‍ત નાગરિક બનવાનો અનુરોધ કરાયો છે.

(10:52 AM IST)