તા. ૧૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૫ શુક્રવાર
News of Tuesday, 29th September 2026
બે વર્ષમાં ૧૭ બોલેરો પીકઅપમાંથી ટાયરો ચોર્યાઃ મંછાનગરના મિત્રો લાલજી અને રાહુલ ઝડપાયા
પોતે ડ્રાઇવીંગ કરતાં હોઇ જરૂર પડે ત્યારે ગમે તેના વાહનમાંથી ટાયરો કાઢી આવતાં: બીજા ડ્રાઇવર મિત્રોને પણ આવા ટાયરો આપી દેતાં હોવાનું રટણ આજીડેમના ત્રણ ગુના ઉકેલાયાઃ બીજા ૧૪ કબુલ્યાઃ ૧૬ ટાયરો, સ્વીફટ કાર અને જેક કબ્જે ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની સુચનાથી આજીડેમ પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ વી. જી. ડોડીયા, એસ. એલ. ગોહિલ અને ટીમની કામગીરી

રાજકોટ તા. ૨૯: રાજકોટ, ખંભાળીયા, શાપર સહિતના વિસ્તારોમાંથી છેલ્લા બે વર્ષમાં ૧૭ બોલેરો પીકઅપમાંથી ટાયરોની ચોરી કરનારા બે શખ્સોને આજીડેમ પોલીસે ઝડપી લીધા છે. બોલેરોનુ ંડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં આ બંને મિત્રો પોતાના વાહનમાં અને મિત્ર સર્કલમાં ટાયરોની જરૂર પડે ત્યારે ગમે તેના બોલેરો પાર્ક કરેલા હોઇ તેમાંથી ટાયર કાઢી લેતાં હતાં. ચોરી કરવા માટે સ્વીફટ કારનો ઉપયોગ કરતાં હતાં. પોલીસે ૧૬ ટાયરો, જેક, કાર મળી ૬,૯૧,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
જાણવા મળ્યા મુજબ તાજેતરમાં આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારો કાળીપાટ ચોકડી, હલેન્ડા ગામ અને ગોંડલ રોડ પર મીરા પાપડ નજીકથી ઉપરા ઉપર બોલેરો પીકઅપમાંથી ટાયર કાઢી જવાના ત્રણ ગુના નોંધાયા હતાં. આ ગુનાનો ભેદ ઉકેલવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે કોઠારીયા સોલવન્ટ સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ ગેઇટની સામે ખુલ્લા પ્લોટમાં બે શખ્સો શંકાસ્પદ ટાયરો, વ્હીલ પ્લેટ સાથે ઉભા છે. તેના આધારે બંનેને સકંજામાં લઇ પુછતાછ કરતાં પોતાના નામ લાલજી કરસનભાઇ મેઘાણી (ઉ.વ.૨૯-રહે. મંછાનગર-૮, જુના યાર્ડ પાછળ) અને રાહુલ બાઘાભાઇ ચિરોડીયા (ઉ.વ.૨૬-રહે. મછાનગર-૪, જુના યાર્ડ પાછળ, હિતેષભાઇ સરવૈયાના મકાનમાં ભાડેથી) જણાવ્યા હતાં.
તેની પાસેના ટાયરો અંગે પુછતાછ થતાં ગલ્લા તલ્લા કર્યા બાદ આકરી પુછતાછમાં આ ટાયરોની ચોરી કર્યાનું કબુલ્યું હતું. તેણે આજીડેમ પોલીસમાં તાજેતરમાં ત્રણ પીકઅપ ગાડીના ટાયરો ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ ઉપરાંત અન્ય દસ ચોરીઓ કબુલી હતી. જેમાં દસ દિવસ પહેલા ખંભાળીયા નજીક બોલેરોમાંથી ૩ ટાયરો, ત્રણ મહિના પહેલા બેડીપરા સંતકબીર રોડ પરથી બે ટાયર, પડધરી રેલ્વે ફાટક પાસેથી બે ટાયર, ચાર મહિના પહેલા માધાપર ચોકડી પાસેથી બોલેરોમાંથી બે ટાયરો, પાંચ મહિના પહેલા માંડા ડુંગર પાસેથી ત્રણ ટાયર, આઠ મહિના પહેલા નવાગામ રંગીલા સોસાયટીમાંથી બે ટાયર, એક વર્ષ પહેલા હુડકો ચોકડી પાસેથી એક ટાયર, દોઢ વર્ષ પહેલા માંડા ડુંગર પાસેથી પીકઅપ ગાડીમાંથી બે ટાયર, બે વર્ષ પહેલા શાપરમાંથી બે ટાયર, મોરબી રોડ જકાતનાકા પાસેથી બે ટાયર, કુવાડવા ચોકડી મોમાઇ હોટેલ પાસેથી એક ટાયર, બે વર્ષ પહેલા માંડા ડુંગર પાસેથી બે ટાયર અને નવાગામ સાત હનુમાન પાસેથી બે ટાયરની ચોરી કર્યાનું કબુલ્યું હતું.
આ બંને પોતે બોલેરોનું ડ્રાઇવીંંગ કરે છે. જ્યારે ટાયરની જરૂર પડે ત્યારે રાતના સમયે સ્વીફટ કાર જીજે૦૩પીઆર-૪૨૦૪ લઇને નીકળતાં અને જેકનો ઉપયોગ કરી જરૂરીયાત મુજબના ટાયરો કાઢી લેતાં હતાં. પોતાના ડ્રાઇવર મિત્રવર્તુળમાં પણ તે ગમે તેને જરૂર હોય તો આ રીતે ટાયર કાઢેલા હોય તે આપી દેતાં હતાં. બંનેને વિશષે પુછતાછ હાથ ધરવામાં આવી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ વી. જી. ડોડીયા, એસ. એલ. ગોહિલ, એએસઆઇ સાગરભાઇ પ્રધાન, હેડકોન્સ. પિયુષભાઇ ચિરોડીયા, હરપાલસિંહ જાડેજા, દેવાંગભાઇ પાલા, ભરતભાઇ જોગીયા, સંજયભાઇ મિયાત્રા, હિતેષભાઇ અગ્રાવત, અજયભાઇ વિકમા, મેહુલભાઇ મુંધવા, કોન્સ. હરપાલસિંહ જાડેજા, મનિષભાઇ શિરોડીયા, હરેશભાઇ કુકડીયા, વિપુલભાઇ ટમાળીયા, ધર્મેશભાઇ મુંધવા, વિશ્વરાજસિંહ પરમાર અને સાવનભાઇ સાંગાણીએ આ કામગીરી કરી હતી.
(3:44 PM IST)










