News of Friday, 17th April 2026
રઘુવંશી સમાજના ઉમેદવારોની ટિકિટ કાપી નાખતા સ્વાભિમાન સંમેલનનું એલાન : કે.ડી. રઘુવંશીનો ભાજપ વિરૂદ્ધ મતદાન અંગે ચર્ચા થવાનો સંકેત

રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રઘુવંશી સમાજના ઉમેદવારોની બાદબાકી કરવામાં આવતા સમાજમાં નારાજગી વ્યાપી છે. શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘના પ્રમુખ કે.ડી. રઘુવંશીએ આક્ષેપ કર્યો છે કે વોર્ડ નંબર ૧, ૨ અને ૩ માં રાજકીય કાવાદાવાને કારણે સમાજના ઉમેદવારોની ટિકિટ કાપવામાં આવી છે. આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે રાજકોટના જાગનાથ મહાદેવ મંદિર પાસે આવતીકાલે રાત્રે ૮:૩૦ કલાકે ‘સ્વાભિમાન સંમેલન' યોજાશે. રઘુવંશી સમાજ જે ભાજપનો ગઢ ગણાય છે અને ૭૦,૦૦૦ થી વધુ મતદારો ધરાવે છે, તેઓ હવે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા અને આગામી રણનીતિ ઘડવા માટે આ સંમેલનમાં એકઠા થશે.
અક્ષરસ વાયરલ વીડિયો નિવેદન : નમસ્કાર, મારું નામ કે.ડી. રઘુવંશી, સંસ્થાપક અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ.
આપ સૌને મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે તાજેતરમાં રાજકોટ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ટિકિટ વહેંચણીમાં રઘુવંશી સમાજના ઉમેદવારોની જે બાદબાકી કરવામાં આવેલ છે અને રાજકીય કાવાદાવાને કારણે અમારા વોર્ડ નંબર ૧, ૨ અને ૩ માં જે ટિકિટ કાપવામાં આવેલ છે, તે અંગે રઘુવંશી યુવા શક્તિ સંઘ અને સમગ્ર રઘુવંશી સમાજના કાર્યકરો ભાઈ-બહેનો દ્વારા આવતીકાલે જાગનાથ મહાદેવ મંદિરની પાછળ પ્રદેશ કાર્યાલય ખાતે રાત્રે ૮:૩૦ કલાકે સ્વાભિમાન સંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે.
આ સ્વાભિમાન સંમેલનમાં રઘુવંશી સમાજના વડીલો તેમજ યુવાનો મળીને આગામી દિવસોમાં જે મહાસંમેલન યોજાવાનું છે તે અંગેની વિસ્તૃત ચર્ચા કરવા જઈ રહ્યા છીએ.
આપ સૌ જાણો છો કે રઘુવંશી સમાજ વિધાનસભા ૬૯ માં ૭૦,૦૦૦ થી પણ વધુ મતદારો ધરાવે છે, અને આ ભાજપનો ગઢ ગણાય છે. અને ભાજપના ઘણા મોટા નેતાઓને અમે જંગી બહુમતીથી જીતાડવા માટે વર્ષોથી કાર્યશીલ રહ્યા છીએ. અને ભાજપની સૌથી મોટી બેંક, મતદાન બેંક અમે રઘુવંશી સમાજ ગણાઈએ છીએ. અને અમારા જ રઘુવંશી સમાજના ઉમેદવારોની ટિકિટ કાપવાની જે કાવતરું ઘડવામાં આવેલ છે, તે માટે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ મતદાન અંગે મહાસંમેલન યોજવા માટેની જે ચર્ચા થવાની છે, ૮:૩૦ વાગ્યે જાગનાથ મહાદેવ મંદિર, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ... આપ મીડિયાના માધ્યમથી સર્વ રઘુવંશી સમાજના ભાઈ-બહેનોને ખાસ પધારવા માટે વિનંતી કરું છું.
જય જલારામ, જય હિન્દ. (૩૭.૯)
(3:50 PM IST)










