<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

સસ્‍તા અનાજના દુકાનદારોને ત્‍યાં પુરવઠાનો ભરાવોઃ નવેમ્‍બરનો જથ્‍થો તબક્કાવાર ઉતારોઃ DSOને હોદેદારોનો પત્ર

ઓકટોબરનો જથ્‍થો ભરાયેલો પડયો છેઃ દુકાનોમાં જગ્‍યાનો અભાવઃ અનાજ રાખવું કયાં?!

રાજકોટ, તા. ર૪: રાજકોટ ફેર પ્રાઇઝ એસો.ના હિતુભા જાડેજાએ પુરવઠા અધિકારીને પત્ર પાઠવી ઓક્‍ટોબર માસના વિતરણની ઓછી ટકાવારી અને નવેમ્‍બર માસનો જથ્‍થો તબક્કાવાર ઉતારવા તથા વહેલો વિતરણ શરૂ કરવા અંગે રજૂઆત કરી હતી.પત્રમાં ઉમેરાયું હતું કે, શ્રાદ્ધ, નવરાત્રી તથા દશેરાના તહેવારોને કારણે રેશનકાર્ડ ધારકો દ્વારા અનાજ જથ્‍થો લેવામાં થોડી ઉદાસીનતા રહી હતી, તેમજ CBDC (સેન્‍ટ્રલ બેંક ડિજિટલ કરન્‍સી) ટેકનિકલ પ્રક્રિયાની થોડી ખામીના કારણે ઓક્‍ટોબર માસનું વિતરણ ખૂબ ઓછું થયેલ છે. જેના લીધે વ્‍યાજબી ભાવની દુકાનોમાં અનાજનો જથ્‍થો ભરાયેલો પડ્‍યો છે.

હાલમાં નવેમ્‍બર માસનો જથ્‍થો પણ ઉતારવાનો થતો હોય, દુકાનોમાં જગ્‍યાના અભાવે જથ્‍થો સમાવવાની મોટી મુશ્‍કેલી ઉભી થાય તેમ છે. આવા સંજોગોમાં વ્‍યવસ્‍થા કરવા વિનંતી છે.

તબક્કાવાર જથ્‍થો ઉતારવોઃ જો ઓક્‍ટોબર માસના વિતરણની ટકાવારીને ધ્‍યાનમાં રાખીને નવેમ્‍બર માસનો જથ્‍થો એકસાથે આપવાને બદલે બે કે ત્રણ તબક્કામાં ઉતારવામાં આવે, તો દુકાનોમાં જગ્‍યાની સમસ્‍યા નિવારી શકાય તેમ છે.

જો નવેમ્‍બર માસના જથ્‍થાનું વિતરણ ઓક્‍ટોબર માસની આશરે ૨૫ તારીખથી જ શરૂ કરવામાં આવે, તો દુકાનોમાં રહેલો જૂનો જથ્‍થો પણ વિતરણ થઈ જાય અને આગામી દિવાળીના પવિત્ર તહેવારો પહેલા રેશનકાર્ડ ધારકોને સરળતાથી નવેમ્‍બર માસનો જથ્‍થો મળી રહે.

(3:30 PM IST)