News of Wednesday, 22nd July 2026
મત્સ્યઉદ્યોગ વિભાગના અધિક્ષક ખોડાભાઈ વલ્લભભાઈ રામાણી રૂા. ૫૦ હજારની લાંચ લેતા રાજકોટમાં એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાયા : ૧ લાખની માંગણી બાદ પચાસ હજારમાં નક્કી થઈ હતી રકમ : જુઓ વિડિયો
ટેન્ડરના વર્ક ઓર્ડર અને ડીમાન્ડ ડ્રાફ્ટ પરત આપવા માટે લાંચ માગનાર વાંકાનેરના ખોડાભાઈ રામાણી સામે કાર્યવાહી : ભાવનગર એસીબી પીઆઈ આઈ.જે. ગીડા, અમરેલી પીઆઈ ટી.એસ. રીઝવી, એસીબી મદદનીશ નિયામક એસ.એન. બારોટ અને નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલાની ટીમે ગોઠવ્યું સફળ છટકું

રાજકોટ: રાજ્યમાં સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચાર સામે એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી) એ લાલઆંખ કરી છે. મોરબી મત્સ્યઉદ્યોગ વિભાગના અધિક્ષક અને બોટાદનો વધારાનો ચાર્જ સંભાળતા વર્ગ-૨ ના અધિકારી ખોડાભાઈ વલ્લભભાઈ રામાણી, રહે. મન મંદિર સોસાયટી, બસ સ્ટેન્ડ પાછળ, વાંકાનેર (તા. વાંકાનેર, જિ. મોરબી) ને રૂા. ૫૦,૦૦૦ ની લાંચ લેતા રાજકોટ શહેરના કસ્તુરબા રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યા છે.
ટેન્ડર અને ડીમાન્ડ ડ્રાફ્ટના બદલામાં માગી હતી લાંચ:
આ કામના ફરિયાદી એવા એક જાગૃત નાગરિકે ચાલુ વર્ષે મત્સ્યઉદ્યોગ ખાતામાં વિવિધ ટેન્ડરો ભર્યા હતા. જે પૈકી ફરિયાદીના ત્રણ ટેન્ડર મંજૂર (લાગેલા) થયા હતા અને ચાર ટેન્ડર રિજેક્ટ થયા હતા. મંજૂર થયેલા ટેન્ડરોના વર્ક ઓર્ડર આપવા તેમજ રિજેક્ટ થયેલા ટેન્ડરોના ડીમાન્ડ ડ્રાફ્ટ (DD) પરત આપવાની અવેજીમાં આક્ષેપિત અધિકારી ખોડાભાઈ વલ્લભભાઈ રામાણીએ રૂા. ૧,૦૦,૦૦૦ ની લાંચની બિનઅધિકૃત માંગણી કરી હતી. રકઝકના અંતે લાંચની રકમ રૂા. ૫૦,૦૦૦ નક્કી કરવામાં આવી હતી.
કસ્તુરબા રોડ પર ગોઠવાયું એસીબીનું છટકું:
ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી તેમણે ભાવનગર એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ૨૨ જુલાઈ ૨૦૨૬ ના રોજ રાજકોટ શહેરના હોસ્પિટલ ચોકથી આગળ, કસ્તુરબા રોડ પર આવેલી એસ.બી.આઈ. બેંક નજીક લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેપ દરમિયાન આક્ષેપિત ખોડાભાઈ રામાણીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂા. ૫૦,૦૦૦ ની માંગણી કરી સ્વીકારતા જ સ્થળ પર હાજર એસીબીની ટીમે તેમને ઝડપી લીધા હતા. એસીબી દ્વારા લાંચની સંપૂર્ણ રૂા. ૫૦,૦૦૦ ની રકમ સ્વીકારાયેલી સ્થળ પરથી જ રિકવર કરી લેવામાં આવી છે. પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનો આચરવા બદલ આક્ષેપિત સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એસીબીના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા કામગીરી:
આ સફળ ટ્રેપની કામગીરી ભાવનગર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.જે. ગીડા તથા ભાવનગર એસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ ટ્રેપિંગ અધિકારીની મદદમાં ભાવનગર એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ટી.એસ. રીઝવી તથા અમરેલી એસીબીનો સ્ટાફ જોડાયો હતો. આ સમગ્ર ટ્રેપનું સુપરવિઝન ભાવનગર એકમના એસીબી મદદનીશ નિયામક એસ.એન. બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર કામગીરીના ઇન્ચાર્જ અધિકારી તરીકે રાજકોટ એકમના એસીબી નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલા રહ્યા હતા.
(11:05 PM IST)










