News of Thursday, 3rd September 2026
મેળાનું સુપર આકર્ષણ નેવલ બેન્ડ : વંદે માતરમ તેરી મિટ્ટી...ની ધૂનોએ રાજકોટને ઝુમાવી દીધુ

રાજકોટ, તા. ૩ : રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે શરૂ થયેલા ‘વિરાસતથી વિકાસ લોકમેળો ૨૦૨૬'માં પ્રથમ દિવસે ભારતીય નેવલ બેન્ડનું પરફોર્મન્સ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. રાજકોટના લોકમેળાના ઈતિહાસમાં પ્રથમ
વખત નેવલ બેન્ડ દ્વારા આ સૂરીલી પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેણે સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું.
પરફોર્મન્સ દરમિયાન નેવીના જવાનોએ વંદે માતરમ..., સમુદ્ર દર્શક, દેશ મેરે..., લક્ષ્ય થીમ અને તેરી મિટ્ટી.., ‘ફાઇટર થીમ સુજલામ સુફલામ,વંદે માતરમ...', ‘જય હો' સહિતની દેશભક્તિની વાદ્ય-ધૂનો પ્રસ્તુત કરી હતી.
આ સાથે જ સ્ક્રીન પર ભારતીય નૌ સેનાના શૌર્ય અને પરાક્રમો દર્શાવતી વિશેષ ઝાંખી પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.
ઈન્ડિયન નેવલ બેન્ડના પ્રોગ્રામનું સંચાલન ચિરાગકુમાર જે. શીલુ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બેન્ડમાં ભારતીય નૌકાદળના ૧૭ જવાનો દ્વારા શાનદાર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. દરેક પ્રસ્તુતિને ઉપસ્થિતજનોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી.
કાર્યક્રમના અંતે આ તમામ જવાનોને ઉપસ્થિત મહેમાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સાંજે ૭:૩૦ કલાકે પણ નેવલ બેન્ડની પ્રસ્તુતિ નિહાળી શકાશે.
(2:15 PM IST)










