<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

તડકો- લગ્નગાળો- વેકેશને મતદાન વધવા ન દીધુ

ગત વખતે ૨૦૨૧માં ૧૧ લાખ મતદારો વચ્‍ચે ૫૦.૭૨ ટકા મત પડયાઃ આ વખતે મતદાન વધવાને બદલે સ્‍થીર ૫૧.૬૦ ટકા રહયુ એસઆઇઆરની કામગીરી બાદ ૧ લાખ મતદારોના નામ કમીઃ રાજકીય પક્ષોની ગરમીમાં દોડા-દોડી

રાજકોટ તા.૨૭: બળબળતા તાપ વચ્‍ચે એસઆઇઆર બાદની યોજાયેલ પ્રથમ સ્‍થાનીક સ્‍વરાજની ચૂંટણીઓમાં છેલ્લી કલાકોમાં રાજકોટમાં મતદાનનો આંકડો ૫૦ ટકાને પાર પહોંચ્‍યો હતો. બપોર સુધી તો માંડ ૪૫ ટકા મતદાન થાય તેવા આંકડા સામે આવતા રાજકીય પક્ષોમાં દોડા-દોડી થવા લાગી હતી.

રાજકોટમાં કોર્પોરેશનની ચૂંટણીમાં મતદારોએ શરૂઆતની કલાકોમાં સારૂ મતદાન કર્યુ હતુ પણ દિવસ વધવાની સાથે પોલીંગ બુથ સુમસામ ભાસતા હતા. ફકત ગરમી જ નહીં પણ અન્‍ય કારણો ઓછા મતદાન માટે જવાબદાર રહયા હતા.

ગરમી મુખ્‍ય કારણ

છેલ્લા પ-૬ દિવસથી શહેરમાં ગરમીનો પારો સતત વધતો રહયો છે. મતદાનના બે દિવસ અગાઉ તાપમાન ૪૩ ડિગ્રી રહેલ અને ગઇકાલે તો પારો ૪૪ ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. જે મતદારો અને ઉમેદવારોને અકળાવનાર મુખ્‍ય કારણ બની રહયુ હતું.

ધુમ લગ્નગાળો

ઉનાળાની સીઝનમાં લગ્નગાળો પણ હોવાથી અનેક મતદારો તેમાં રોકાયેલા હતા. જેથી પણ મતદાનનો આંકડો વધી શકયો ન હતો.

વેકેશનનો માહોલ

શહેરની ઘણી શાળાઓમાં વેકેશન પડી ગયુ છે, જેથી અગાઉથી અનેક પરિવારો દ્વારા ફરવા જવા માટેની વ્‍યવસ્‍થા કરી લેવાઇ હતી. એપ્રીલની શરૂઆતમાં ચુંટણી જાહેર થઇ હતી. જેથી પ્રવાસ નકકી કરી ચુકેલા પરિવારો- મતદારો મત આપી શકયા ન હતા.

આમ એકંદરે કોર્પોરેશનની ચુંટણીઓ પક્ષ બાદ પર્સનલ સંબંધો ઉપર પણ મોટો આધાર રાખતી હોય છે તેવામાં ગત ૨૦૨૧માં કુલ ૫૦.૭૨ ટકા મતદાન થયું હતું. પણ આ વખતે એસઆઇઆરની કામગીરી બાદ રાજકોટમાંથી ૧ લાખ આસપાસ મતદારો કમી થયા છે. જેથી મતદાન વધવાને બદલે સ્‍થીર રહેવા પામ્‍યુ છે, જે રાજકીય પક્ષોની હાર-જીતની ગણતરી બંધ બેસતી ન હોવાની ચર્ચા થવા લાગી છે. કાલે મતગણતરી બાદ જ સાચુ ચિત્ર સ્‍પષ્‍ટ બનશે!.

(3:47 PM IST)