<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

બગસરા મુંજીયાસરનો ૨૦ વર્ષનો છાત્ર સુમિત કણકોટ કોલેજના મેદાનમાં ઢળી પડતાં મોત

મિત્રો સાથે ક્રિકેટની રમત ચાલુ કરે એ પહેલા કરૂણ બનાવઃ હોસ્‍પિટલમાં ખસેડાયો પણ જીવ ન બચ્‍યોઃ ત્રણ વર્ષથી રાજકોટ રહી અભ્‍યાસ કરતો હતો

 

રાજકોટ તા. ૧: હૃદય ધબકારા ચુકી જતાં મૃત્‍યુ થવાની ઘટનાઓ વધી ગઇ છે. યુવાનો સાથે પણ આવા બનાવ બની રહ્યા છે. દરમિયાન રાજકોટ રહી અભ્‍યાસ કરતાં અમરેલીના મુંજીયાસર ગામના વીસ વર્ષના વિદ્યાર્થીનું રાજકોટમાં કણકોટ પાસે એન્‍જિનીયરીંગ કોલેજના મેદાનમાં ક્રિકેટ કરમવા ગયો ત્‍યારે એકાએક બેભાન થઇ ઢળી પડયા બાદ મોત થતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ મુળ અમરેલીના બગસરા તાબેના નાના મુંજીયાસર ગામે રહેતો સુમિત વિપુલભાઇ ગોંડલીયા (ઉ.વ.૨૦) ત્રણેક વર્ષથી રાજકોટ રહીને અભ્‍યાસ કરતો હતો. ગઇકાલે રવિવારે રજા હોઇ બધા મિત્રો કણકોટ એન્‍જિનીયરીંગ કોલેજના મેદાનમાં ક્રિકેટ રમવા માટે એકઠા થયા હતાં. પરંતુ રમત શરૂ થાય એ પહેલા જ સુમિતને ગભરામણ જેવું થતાં તેને મિત્રોએ બેસાડી દીધો હતો. એ પછી અચાનક જ તે ઢળી પડયો હતો અને અર્ધ બેભાન જેવો થઇ ગયો હતો. પેટમાં દુઃખાવા સાથે શરીરમાં ખેંચ ચાલુ થઇ જતાં મિત્રો તાકીદે હોસ્‍પિટલમાં લઇ ગયા હતા. જ્‍યાં તબિબે સીપીઆર આપી ધબકારા ચાલુ કરાવ્‍યા હતાં. પરંતુ થોડી જ ક્ષણોમાં સુમિતના શ્વાસ બંધ પડી જતાં મિત્રોમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું. યુવાન અને આશાસ્‍પદ દિકરાના મોતથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

સુમિતના પિતા ખેતી કામ કરી ગુજરાન ચલાવે છે. તે એક બહેનથી નાનો અને પરિવારનો એકનો એક દિકરો હતો.  તે સરકારી એન્‍જિનીયરીંગ કોલેજમાં ભણતો હતો અને હોસ્‍ટેલમાં જ રહેતો હતો. હાર્ટએટેકથી મૃત્‍યુ થયાની શક્‍યતા દર્શાવાઇ હતી. પોલીસે ચોક્કસ કારણ જાણવા પીએમનો વિસ્‍તૃત રિપોર્ટ મેળવવા તજવીજ કરી હતી. 

(11:08 AM IST)