તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
આત્મહત્યા એ ગૌહત્યા સમાન, દુઃખમાં શિવનું ભજન કરજોઃ પૂ.ગીરીબાપુ
રાજકોટના મવડીમા ‘ગૌધામ શિવકથાના છઠા દિવસે સતી પ્રાગટય મહોત્સવ ઉજવાયોઃ આજે સાતમા દિવસે શિવપાર્વતી વિવાહ અને રાત્રે ઈશ્વરની ભક્તિમય ઝાંખીનો કાર્યક્રમ

રાજકોટ, તા.૨૯: રાજકોટમાં મવડી ખાતે અમળતવાટિકા ગ્રાઉન્ડમાં જય સરદાર ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ૨૩ એપ્રિલથી ૧ મે સુધી પૂ.ગીરીબાપુના વ્યાસાસને ‘ગૌધામ શિવકથા'નું આયોજન કરવામાં આવ્યું છે. છઠા દિવસે સતી પ્રાગટય મહોત્સવની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
કથાના છઠા દિવસે પૂ. ગીરીબાપુએ વ્યાસપીઠ પરથી શિવ-શક્તિ દ્વારા અર્ધનારેશ્વર સ્વરૂપથી વિષ્ણુ, બ્રહ્મા અને સળષ્ટિનું સર્જન થયું તેનો મહિમા સમજાવ્યો હતો. વિષ્ણુની નાભિમાંથી બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માજી દ્વારા દેવ, માનવ, દાનવ અને ભૂતઆદિ સળષ્ટિનું નિર્માણ થયું.
પૂ.ગીરીબાપુએ જણાવ્યું કે માનવીના સુખ-દુઃખનું કારણ તેના પોતાના કર્મ છે. શિવલિંગની પૂજા કરવાથી તમામ દેવી-દેવતાઓની પૂજા થઈ જાય છે. શિવની આરાધના લિંગ પૂજા, મૂર્તિ પૂજા અને ઓમકાર ધ્વનિથી થાય છે. સંપ્રદાયોના કારણે ઘણા લોકો શિવપૂજાથી વંચિત રહે છે તેથી સનાતન ધર્મના લોકોએ એક થવું જરૂરી છે. શિવાલય ધ્યાન કેન્દ્ર છે. રોજ દર્શનથી મન શાંત થાય છે અને નકારાત્મક તરંગો સકારાત્મક બને છે.પૂ.ગીરીબાપુએ યુવાનોને આત્મહત્યાનો વિચાર ન કરવા અપીલ કરી હતી અને આત્મહત્યા એ ગૌહત્યા સમાન છે તેમ જણાવ્યું હતું અને દુઃખમાં શિવનું ભજન કરવાનું કહ્યું. માગશર માસના આદ્ર નક્ષત્રે કરેલ શિવપૂજા ૧૦૦ શિવરાત્રીની પૂજા સમાન ફળદાયી છે.
આ પ્રસંગે પરબધામના મહંત પૂ. કરસનદાસ બાપુ, રાજકોટ ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના પૂ. રાધારમણસ્વામી, શ્રી બાલાજી હનુમાનજી મંદિર ભુપેન્દ્ર રોડ ના પૂ. વિવેકસાગર સ્વામી , હનુમાન મઢીના મહંત અને બ્રહ્માકુમારી દીદીશ્રીઓ તથા ખોડલધામનાં પ્રણેતા નરેશભાઇ પટેલ, પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, વોર્ડ ૧૧ના વિજેતા ઉમેદવારો મહેશભાઈ પીપરિયા, ભારતીબેન પાડલીયા, મિતલબેન લાઠીયા, રક્ષિતભાઈ ક્લોલા, ઉપસ્થિત રહ્યા હતા.
આજે સાતમા દિવસે શિવપાર્વતી વિવાહ યોજાશે. અને રાત્રે ઈશ્વરની ભક્તિમય ઝાંખીનો કાર્યક્રમ થશે. મોટી સંખ્યામાં ભક્તો કથા શ્રવણ અને મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે.

(3:30 PM IST)










