News of Thursday, 7th May 2026
રસ્તામાં રોકી ફોન ચેક કરી ‘તું કેમ મારી પત્નિ સાથે વાતો કરે છે?' કહી હુમલો
કુવાડવાના ચાંચડીયા ગામે કાનજીને ગામના જ અનિલ, મયુરે લાકડી-નળીથી ફટકાર્યો

રાજકોટ તા. ૭: કુવાડવા તાંબાના ચાંચડીયા ગામે રહેતા યુવકને રસ્તામાં રોકી ફોન માંગી ચેક કરીને તું મારી પત્નિ સાથે કેમ ફોનમાં વાત કરે છે? લાકડી અને પ્લાસ્ટિકની નળી વડે માર મારતા સારવાર લેવી પડી છે.
આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે ચાંચડીયા ગામે રહેતાં અને મજુરી કરતાં કાનજી હકાભાઇ મકવાણા (ઉ.વ.૨૨)ની ફરિયાદ પરથી તેના જ ગામના અનિલ વિઠ્ઠલભાઇ કુમરખાણીયા અને તેની સાથેના મયુર વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. કાનજી મકવાણો મોટરસાઇકલ લઈને ગામમાં રહેતા બનેવીના ઘરે જતો હતો ત્યારે ગામના ઝાપા પાસે ઉભેલા અનિલ કુમારખાણીયાએ બાઈક રોકાવી ફોન માંગી ચેક કર્યો હતો. જે જોયા બાદ તું મારી પત્નિ સાથે ફોનમાં કેમ વાત કરે છે કહી બોલાચાલી કરી લાકડી વડે મારમારવા લાગ્યો હતો. આ વખતે ગામમાં રહેતો મયુર આવી જતા તેણે પણ પ્લાસ્ટિકની નળીથી ફટકારતાં ઇજા થતાં કાનજી રાજકોટ સિવિલમાં દાખલ થતાં કુવાડવા પોલીસ સ્ટેશનના હેડકોન્સ. સંજયભાઇ કુમરખાણીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:20 PM IST)










