<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

રાજકોટમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો વધુ એક સપાટો: કુવાડવા જીઆઇડીસીમાંથી રૂપિયા ૭૦.૩૮ લાખનો દારૂ પકડાયો : જુઓ વિડિયો

એક આરોપીની ધરપકડ અને ૬ ફરાર: નના મવા સર્કલ પાસે રહેતો પરેશ પકડાયો: ફિરોઝ સંધિ, સુલતાન સહિતની શોધખોળ

​રાજકોટ: દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રાજકોટમાં વધુ એક સપાટો બોલાવ્યો છે. એસ.એમ.સી.ના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સી. કે. સિસોદિયા અને તેમની ટીમે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા RK-9 ઇન્ડસ્ટ્રિયલ એરિયા, શ્રી રામદેવ પ્લોટ નંબર ૫ ખાતે ચાલી રહેલા દારૂના કટિંગ પર અચાનક ત્રાટકીને રેડ પાડી હતી. આ દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી કુલ ૨૬,૩૦૪ બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત આશરે ૭૦,૩૮,૩૩૬ જેટલી થવા જાય છે. 

આ સાથે જ પોલીસે કટિંગ અને હેરફેર માટે ઉપયોગમાં લેવાતા ૨ વાહનો જેની કિંમત ૩૦,૪૦,૦૦૦ અને ૧ મોબાઈલ ફોન કિંમત ૧૦,૦૦૦ સહિત કુલ ૧,૦૦,૮૮,૩૩૬નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​આ રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી એક આરોપી પરેશ કુરજીભાઈ પટેલ (રહે. નાના મવા સર્કલ પાસે, સંતોષ નગર પ્લોટ નંબર ૩૨, રાજકોટ)ને રંગેહાથ ઝડપી પાડીને કુવાડવા રોડ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. જો કે, દારૂના આ મોટા નેટવર્ક પાછળના મુખ્ય સૂત્રધારો સહિત ૬ આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા છે, જેમાં જંગલેશ્વર વિસ્તારના ફિરોઝ હસનભાઈ સંધિ અને સુલતાન હસનભાઈ સંધિ જેણે આ દારૂનો જથ્થો મંગાવ્યો હતો અને ક્રેટા કાર GJ-01-RN-6440 નો ઉપયોગ કર્યો હતો તે મુખ્ય છે. આ સિવાય કન્સાઇનમેન્ટ લઈને આવેલો ટ્રક(NL-01-AK-1186નો અજાણ્યો ડ્રાઈવર, ક્રેટા કાર અને બોલેરો પિકઅપના અજાણ્યા ડ્રાઈવરો તેમજ દારૂ સપ્લાય કરનાર મુખ્ય મોકલાવનાર વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ તમામ સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ યથાવત રાખી છે.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન. પટેલ, પો.સબ ઇન્સ. વી.જી. ડોડિયા, એ.એસ.આઈ. રવિભાઈ વાંક, પો.હેડ કોન્સ. પિયુષભાઈ ચિરોડીયા, સંજયભાઈ મિયાત્રા, હરપાલસિંહ જાડેજા, દેવાંગભાઈ પાલા, ગોપાલભાઈ બોળીયા, ભરતભાઈ જોગીયા, હિતેશભાઈ અગ્રાવત, પો.કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગોહિલ, મહેશભાઈ કોઠીવાળ, કુલદિપસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, મનીષભાઈ શિરોડીયા, વિશ્વરાજસિંહ પરમાર તથા પ્રતિકભાઈ બોરસદીયાએ કરી છે.

(9:59 PM IST)