<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

ચૂંટણી ફરજ પર રહેલા સ્‍ટાફને મતદાનના બીજા

દિવસે રજા જાહેરઃ રાજય ચૂંટણી પંચનો પરિપત્ર

રાજકોટ, તા.૨૦ :એપ્રિલ - રાજ્‍યમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓનું મતદાન ૨૬મી એપ્રિલ ને રવિવારે યોજાનાર છે. આ દિવસે લાંબા સમય સુધી ફરજ બજાવનારો સ્‍ટાફ જો બીજા દિવસે કચેરીએ હાજર ન રહી શકે તો તેમને ફરજ પર જ ગણવા સૂચના જારી કરવામાં આવી છે.

રાજ્‍ય ચૂંટણી આયોગના સચિવ શ્રી આર.જી. ગોહિલ દ્વારા શહેર-જિલ્લા મ્‍યુનિસિપલ તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટરશ્રીઓને સૂચના જારી કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, ચૂંટણી મતદાનની તારીખ ૨૬મી એપ્રિલ અને પુનઃ મતદાન કરવાની જરૂર ઊભી થાય તો ૨૭મી એપ્રિલ ને સોમવારે તેમજ મત ગણતરી ૨૮મી એપ્રિલ ને મંગળવારે યોજવામાં આવશે.

મતદાનના દિવસે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ મતદાન પુરું થયા બાદ રીસીવિંગ સેન્‍ટર ઉપર મોડી રાત્રે અથવા તો જો વધુ અંતર હોય તો બીજા દિવસે વહેલી પરોઢે મતદાન સામગ્રી પરત સોંપવા પહોંચતા હોય છે. કેટલાક કિસ્‍સામાં મતદાન ટૂકડીઓને તબક્કાવાર રીસીવિંગ સેન્‍ટર પર પહોંચતા વિલંબ થતો હોય છે.

આમ, ચૂંટણી સ્‍ટાફ લાંબા સમયગાળા સુધી ફરજ પર હોવાથી મતદાનના બીજા દિવસે તેમને કચેરીમાં હાજરી આપવામાં મુશ્‍કેલી થતી હોય છે. આથી જો આવા કર્મચારીઓ મૂળ કચેરીએ હાજર ન રહી શકે તો આ દિવસને ફરજ પરની તેમની હાજરી ગણવાની રહેશે અને તેઓએ મૂળ કચેરી ખાતે હાજર થવાનું રહેશે નહીં.

જ્‍યાં પુનઃ મતદાન યોજાય તેવા કિસ્‍સામાં પણ મતદાનના બીજા દિવસે જો ચાલુ દિવસ હોય તો પણ ચૂંટણી સ્‍ટાફને ફરજ પર ગણવાના રહેશે, તેમ સૂચનામાં જણાવાયું છે.

(3:35 PM IST)