News of Saturday, 1st August 2026
એસઓજીએ એમડી ડ્રગ્સ સાથે ભાવેશ ઉર્ફે મીની મશરૂને પકડ્યો: સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક દરોડો : જુઓ વિડિયો
ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસિયાની સૂચના અનુસાર પીઆઇ એન.બી. ચૌધરી, પીએસઆઇ બી.વી. ચુડાસમા અને ટીમની કાર્યવાહી: સ્નેહભાઈ ભાદરકા, રવિરાજભાઈ ધગલ, જયપાલસિંહ ઝાલાની બાતમી

રાજકોટ: એસઓજીએ વધુ એક વખત માદક પદાર્થની હેરાફેરી અટકાવી એક શખ્સને એમડી ડ્રગ્સ સાથે પકડી લીધો છે. શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલિક, ડીસીપી જગદીશ બાંગરવા તથા એસીપી ભરત બી. બસીયા તરફથી રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધનને નશાની લતથી બચાવવા અને નાર્કોટીક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ ગેરકાયદેસર નશાકારક પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સ્પેક્ટર એન.બી.ચૌધરીની રહબરી હેઠળ તથા પો.સબ.ઈન્સ. બી.વી.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પો.હેડ.કોન્સ. સ્નેહલભાઈ ભાદરકા, કોન્સ. રવિરાજભાઈ ધાધલ તથા જયપાલસિંહ ઝાલાને સંયુક્ત બાતમી મળી હતી. બાતમીમાં જણાવ્યા મુજબ અગાઉ એન.ડી.પી.એસ. કેસમાં પકડાયેલ ભાવેશ મશરૂ નામનો શખ્સ થોડી વારમાં સ્પ્રીંગ વેલ પાર્ટી પ્લોટની પાછળ આવેલ સ્વામી વિવેકાનંદ ટાઉનશીપની સામે આવવાનો છે અને તેની પાસે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો છે.
બાતમીના આધારે હકીકત વાળી જગ્યાએ તુરંત દરોડો પાડી શંકાસ્પદ શખ્સની અટકાયત કરવામાં આવી હતી. પકડાયેલા શખ્સે પોતાનું નામ ભાવેશ ઉર્ફે મીનો રાજુભાઈ મશરૂ (ઉ.વ.૨૫, રહે. સ્વામી વિવેકાનંદ ટાઉનશીપ B-વિંગ, ૭મા માળે ફ્લેટ નં. ૭૦૬, સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાછળ, મોટા મવા, રાજકોટ, ધંધો: છૂટક મજુરી) જણાવ્યું હતું. તેની જડતી લેતાં તેની પાસેથી રૂ. ૧,૫૨,૪૩૦ ની કિંમતનો ૩૯.૫૧ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો તથા રૂ. ૪,૦૦૦ ની કિંમતનો ૧ મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૧,૫૬,૪૩૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ આરોપી ભાવેશ મશરૂ અગાઉ પણ રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. મારામારી સહિત ત્રણ ગુનાઓમા સંડોવાયેલો છે. એસ.ઓ.જી. પી.આઈ. એન.બી.ચૌધરી, પીએસઆઈ બી.વી.ચુડાસમા, એ.એસ.આઈ. રાજેશભાઇ બાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, હેડકોન્સ. સ્નેહભાઈ ભાદરકા, કોન્સ. રવિરાજભાઈ ધગલ, જયપાલસિંહ ઝાલા, મહિલા કોન્સ. મોનાબેન બુસા ડ્રા. કોન્સ. નરપતસિંહ, નિર્મલસિંહ સહિતે આ કામગીરી કરી હતી.
(6:16 PM IST)










