News of Saturday, 10th October 2026
'સ્માર્ટ' ચોરની 'સ્માર્ટ' ચોરીઃ ૧પ મીનીટમાં ૩ 'સ્માર્ટ' ઇલેકટ્રીક મીટર સાથેનું સ્કૂટર 'ગાયબ'
૧પ મીનીટના 'નાસ્તા'માં ૭પ હજારનો 'ઝટકો' લાગ્યો પીજીવીસીએલમાં કોન્ટ્રાકટ બેઇઝ પર નોકરી કરતો અંકિત દવેરા ગંજીવાડામાં નાસ્તો કરવા ગયોને ચોરી થઇઃ થોરાળા પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૦: રાજકોટમાં ૧પ મિનિટનો નાસ્તો પીજીવીસીએલના કર્મચારીને ૭પ હજારમાં પડયો છે. ગંજીવાડા શેરી નં. ૭ર પાસે શૌચાલય નજીક કર્મચારી એકસેસ કે જેની ડેકીમાં ૩ સ્માર્ટ ઇલેકટ્રીક મીટર હતા તે એકસેસની માત્ર ૧પ મિનિટમાં અજાણ્યો તસ્કર ચોરી કરી ફરાર થઇ ગયાની થોરાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
નવા થોરાળાની ન્યુ ક્રિષ્ના પાર્ક-ર શેરી નં. ર માં રહેતાં અને કોઠારીયા રોડ પર પીજીવીસીએલ સબ ડીવીઝનમાં કોન્ટ્રાકટ બેઇઝ પર ઇલેકટ્રીક સ્માર્ટ મીટર ફિટીંગ કરવાની નોકરી કરતાં અંકિત નરેન્દ્રભાઇ દવેરા (ઉ.વ.રર) એ આ મામલે થોરાળા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું કે, ગઇ તા. ૮ના બપોરે એકાદ વાગ્યે એકસેસ લઇ કોઠારીયા રોડ પીજીવીસીએલ સબ ડિવીઝનથી ગંજીવાડા શેરી નં. ૭ર પાસે જાહેર શૌચાલય પાસે પહોંચ્યો હતો ત્યાં સ્કુટર પાર્ક કરીને તે નાસ્તો કરવા ગયો હતો. આશરે ૧પ મિનિટ બાદ તે પરત આવતા તેનું પાર્ક સ્કુટર જોવા નહિં મળતા આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. તેના સ્કુટરની ડેકીમાં ત્રણ સ્માર્ટ ઇલેકટ્રીક મીટર ઉપરાંત મીટરના ૯ નંગ સીલ હતા. અને સ્કુટર મળી તસ્કરો કુલ રૂ. ૭પ હજારની મત્તા ચોરી ગયાની જાણ થતા ફરીયાદ નોંધાવી હતી.
થોરાળા પોલીસના એએસઆઇ વી. જી. બોરીચાએ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(3:46 PM IST)










