<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

સદર ખાટકીવાસના ચીકનના વેપારી પર કુવાડવા રોડે ફઇના દિકરા સહિત છ જણાનો છરીથી હુમલો

ઇમરાનભાઇ ચોૈહાણ મિત્રો સાથે ઉભો હતો ત્‍યારે ફઇના દિકરા ફારૂકે આવી ‘તે કેમ અમારા વિરૂધ્‍ધ ફરિયાદ કરી હતી?' કહી પાંચ અજાણ્‍યા શખ્‍સો સાથે મળી ડખ્‍ખો કર્યોઃ બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૮: સદર બજાર ખાટકીવાસમાં રહેતાં ચીકનના વેપારી યુવાન પર કુવાડવા રોડ પર જૂની અદાવતનો ખાર રાખીને તેના જ ફઇના દિકરા સહિત છ જણાએ આવી છરી અને પથ્‍થરો વડે હુમલો કરી તેને લોહીલુહાણ કરી મુકતાં સારવાર માટે દાખલ થયો છે.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે સદર બજાર ખાટકીવાસ કિસ્‍મત પાન સામે રહેતાં ઇમરાનભાઈ ગફારભાઈ ચૌહાણ (ઉં.વ. ૩૫)ની ફરિયાદ પરથી તેના ફઇના દિકરા ફારૂક યુનુસભાઇ કટારીયા અને પાંચ અજાણયા શખ્‍સો વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. ઇમરાનભાઇ ઘર પાસે જ ચીકનની દુકાન ચલાવે છે. તેણે જણાવ્‍યું હતું કે છઠ્ઠી તારીખે બપોરે ત્રણેક વાગ્‍યે પોતાના બર્ગમેન મોટરસાયકલ પર કુવાડવા રોડ લાતી પ્‍લોટ વિસ્‍તારમાં ખોળ લેવા જઈ રહ્યો હતો ત્‍યારે  કુવાડવા રોડ પર શક્‍તિ હોટલવાળી શેરીમાં શિવશક્‍તિ એન્‍ટરપ્રાઇઝ પાસે તેઓ પોતાના મિત્રો અબ્‍દુલભાઈ કટારીયા, ઇમરાનભાઈ બાવનકા અને બદામ બાપુ ઉભા હોઇ પોતે તેને મળવા ઉભો રહ્યો હતો.

આ દરમિયાન તેના ફઇનો દીકરો ફારૂક કટારીયા અન્‍ય પાંચ અજાણ્‍યા શખ્‍સો સાથે ત્‍યાં ધસી આવ્‍યો હતો અને તે કેમ અમારા વિરૂધ્‍ધ અગાઉ કુવાડવા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી? તેમ કહી ઝઘડો કરી ગાળો દેવાનું ચાલુ કર્યુ હતું. આથી ફારૂકને ઇમરાનભાઈ અને તેમના મિત્રોએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઉશ્‍કેરાયેલા ફારૂક અને તેના બે સાગરીતોએ નેફામાંથી છરીઓ કાઢી ઇમરાનભાઈ પર આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું. જેથી તે પોતાનો જીવ બચાવીને ભાગ્‍યો હતો. છરીથી થયેલા હુમલામાં તેને માથા પાછળ અને પીઠના ભાગે ઇજા થઇ હતી. અન્‍ય શખ્‍સોએ પથ્‍થરમારો કરીને પણ ઇજા પહોંચાડી હતી. આ હુમલા વખતે મિત્રોએ વચ્‍ચે પડતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. બાદમાં મિત્રોએ ઇમરાનભાઇને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. ત્‍યાંથી તે વધુ સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં દાખલ થતાં બી-ડિવીઝન પીઆઇ જી. આર. ચોૈહાણની રાહબરીમાં  હેડકોન્‍સ. વાય. એન. મકવાણાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(1:26 PM IST)