<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

સૌરાષ્ટ્રના સપૂત અને લોકપ્રિય સાંસદ રામભાઈ મોકરીયાનો આજે ૭૦મો જન્મદિવસ : જાહેર જીવન અને ઉદ્યોગ જગતમાં સેવા-શ્રમનો સુવર્ણ પ્રવાસ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી રાજ્યસભાના સાંસદ સુધીની અવિરત સફર : સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવીને ૨૦,૦૦૦થી વધુ લોકોને રોજગારી આપતું બિઝનેસ સામ્રાજ્ય ઊભું કર્યું : બ્રહ્મસમાજે આપ્યું છે 'ભામાશા'નું બિરુદ

 

રાજકોટ : ગુજરાતના ગૌરવરૂપ, સૌરાષ્ટ્રના સપૂત અને રાજ્યસભાના અત્યંત લોકપ્રિય સાંસદ તેમજ 'શ્રી મારુતી ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક્સ'ના સ્થાપક રામભાઈ મોકરીયા, આજે, ૧ જૂન, ૨૦૨૬ના રોજ તેમના જીવનના ૭૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. આ વિશેષ અને આનંદના અવસરે ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત દેશ - વિદેશમાંથી તેમના મિત્રો, રાજકીય સહયોગીઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, ૨૦,૦૦૦થી વધુ કર્મચારીઓનો વિશાળ મારુતી પરિવાર અને અસંખ્ય શુભેચ્છકો તરફથી તેમના પર વહેલી સવારથી જ અભિનંદનની વ્યાપક વર્ષા થઈ રહી છે.

એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા રામભાઈ મોકરીયાએ જીવનમાં ‘‘સેવા અને શ્રમમાં જીવનનો સત્યાર્થ''ના મંત્રને આત્મસાત કરીને દરેક પડકારોનો હિંમતપૂર્વક સામનો કર્યો છે. વર્ષ ૧૯૭૬માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) થી પોતાના જાહેર જીવનની શરૂઆત કરનારા રામભાઈએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) માં સક્રિય ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ વર્ષ ૧૯૭૮થી તેઓ ભાજપ સાથે જોડાયા હતા. રાજકારણની સાથોસાથ સામાજિક ક્ષેત્રે પણ તેમનું પ્રદાન અભૂતપૂર્વ રહ્યું છે, તેઓ છેલ્લા ૩૧ વર્ષથી બ્રહ્મસમાજના અગ્રણી તરીકે સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ પંથકમાં અવિરત સેવાઓ આપી રહ્યા છે.

રામભાઈના સંસદીય કાર્યકાળ દરમિયાન અનેકવિધ લોકોપયોગી અને પ્રજાલક્ષી કાર્યો થયા છે. તેમની અપ્રતિમ ઈમાનદારી, નમ્રતા અને જવાબદારીના કારણે લોકમાનસમાં એક એવી દ્રઢ છબી ઊભી થઈ છે કે ‘‘રામભાઈ પાસે જાઓ તો કામ ૧૦૦% થઈ જ જાય''. સામાન્ય જનતાના પ્રશ્નો અને કાર્યો માટે તેઓ વહીવટી તંત્રના અધિકારીઓ સમક્ષ અત્યંત નિખાલસ અને મક્કમ રજૂઆત કરે છે, જે ગુણને કારણે તેઓ જનતામાં ખુબ જ લોકપ્રિય બન્યા છે.

વર્ષ ૧૯૮૫માં માત્ર એક નાની પેઢી તરીકે ‘‘શ્રી મારુતી ટ્રાવેલ્સ અને કાર્ગો''થી શરૂ થયેલી સફર આજે રામભાઈની દીર્ઘદ્રષ્ટિના કારણે ‘‘શ્રી મારુતી ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક્સ'' તરીકે દેશની અગ્રણી લોજીસ્ટીક ટેકનોલોજી કંપની બની ચૂકી છે. હાલમાં દેશના ૨૮ રાજ્યોમાં ૧૫૦ હબ અને ૩૭૦૦થી વધુ ઓફિસો સાથે કાર્યરત આ સંસ્થા તેમના પુત્રો અજય મોકરીયા (મેનેજિંગ ડિરેક્ટર) અને મૌલિક મોકરીયા (ચેરમેન)ના સક્ષમ નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય લોજીસ્ટીક્સ ક્ષેત્રનું ગૌરવ વધારી રહી છે. આ કંપની લોજીસ્ટીક્સ ઉપરાંત બંદરો, જમીન વિકાસ, હોટેલ અને આઈ.ટી. (IT) ક્ષેત્રે પણ ખૂબ જ સક્રિય છે.

રામભાઈએ ગ્રામીણ વિસ્તારના સામાન્ય યુવાનોને વ્યવસાયની શ્રેષ્ઠ તાલીમ આપીને તેમને છ આંકડાની આવક મેળવતા કર્યા છે અને મેટ્રો શહેરોમાં ઉદ્યોગપતિ તરીકે સ્થાપિત કર્યા છે, જેમના સંતાનો આજે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે. વેપારની સાથે રાષ્ટ્રધર્મને અગ્રેસર રાખીને સુરતનો પ્લેગ, કચ્છનો ભયાનક ભૂકંપ, કારગિલ યુદ્ધ, પુલવામા હુમલો અને કોરોના મહામારી જેવા કપરા વિપત્તિના પ્રસંગોએ તેમની સંસ્થાએ દેશસેવામાં કરોડો રૂપિયાનું નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.

કર્મમાં નીતિ અને મનમાં નિષ્ઠાના પવિત્ર સિદ્ધાંત સાથે રામભાઈ મોકરીયા હંમેશા ‘‘વસુધૈવ કુટુંબકમ''ની ભાવનાને જીવે છે, જેના કારણે જ બ્રહ્મસમાજ દ્વારા તેમને આદરપૂર્વક ‘‘ભામાશા''નું સર્વોચ્ચ બિરુદ આપવામાં આવ્યું છે. તેમની સાદગી, અથાક શ્રમ અને પરોપકારની આ જીવનયાત્રા આજની યુવા પેઢી માટે એક સાચો પ્રેરણારૂપ સ્ત્રોત છે. આ ૭૦મા જન્મેદિવસે સમગ્ર મારુતી પરિવાર, બ્રહ્મસમાજ, અગ્રણી વ્યાપારી વર્ગ અને તેમના તમામ શુભેચ્છકો તરફથી રામભાઈના મોબાઈલ નંબર ૯૯૨૫૧ ૧૮૯૯૯ ઉપર હાર્દિક અને મંગલમય શુભકામનાઓનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે.

(9:20 AM IST)